વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા પર ભાર મૂકી રહ્યાં છે. 2014માં સત્તા પર આવ્યા ત્યારે તેમણે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે ગ્રામીણ વિસ્તારોને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્તિ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના લક્ષ્યાંક સાથે સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. પાંચ વર્ષના આ અભિયાન દરમિયાન ગ્રામીણ વિસ્તારોને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરાવવાના લક્ષ્યાંકમાં મહદ્દ અંશે સફળતા મળી હતી. પાંચ વર્ષ બાદ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન પાર્ટ ટુનો પ્રારંભ કરાયો હતો. અભિયાન દરમિયાન દેશમાં 89.9 મિલિયન ટોઇલેટ બનાવવાનો લક્ષ્યાંક હતો. ચાર વર્ષ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી ઓક્ટોબર 2023ના રોજ સ્વચ્છતા હી સેવાનો નવો મંત્ર ભારતવાસીઓને આપ્યો છે. વડાપ્રધાનના અભિયાનમાં પહેલી ઓક્ટોબરે લાખો લોકોએ શ્રમદાન કરી સ્વચ્છતાના પ્રણ લીધાં હતાં. મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા. તેઓ બાહ્ય સ્વચ્છતાની સાથે નૈતિક સ્વચ્છતાના પણ આગ્રહી હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દૈનિક વ્યવહારો અને વિશેષ કરીને રાજનીતિમાં નૈતિકતા પર ભાર મૂકતા હતા. સવાલ એ છે કે શું 21મી સદીના ભારતમાં રાજનીતિ સ્વચ્છ નૈતિક મૂલ્યો આધારિત રહી છે ખરી? પહેલી ઓક્ટોબરે મોદીને અનુસરીને રાજકીય નેતાઓ હાથમાં ઝાડૂ સાથે શેરીઓમાં ઉતરી પડ્યાં હતાં પરંતુ ખરેખર તો તેમણે આત્મસમીક્ષા કરવાની જરૂર છે. આજે ભારતની સંસદમાં કુલ 763 સાંસદો પૈકીના 306 સાંસદો સામે ક્રિમિનલ કેસ ચાલે છે. 194 સાંસદો સામે હત્યા, હત્યાના પ્રયાસ, અપહરણ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. ભાજપના 139, કોંગ્રેસના 43, ટીએમસીના 36 સહિત તમામ પાર્ટીના સાંસદો ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે. આ તો ફક્ત સાંસદોની વાત થઇ. વિધાનસભાઓમાં બિરાજમાન થતા ધારાસભ્યોથી માંડીને ગ્રામ પંચાયતોના સરપંચો સુધી અનેક રાજનેતાઓ સામે ક્રિમિનલ કેસ છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા તો ભારતીય રાજનીતિમાં સ્વચ્છતા અભિયાનની તાતી જરૂર છે. આપણી આસપાસ સ્વચ્છતા આવશ્યક છે તેમ સમાજમાં પણ નૈતિક સ્વચ્છતા જરૂરી છે. પહેલી ઓક્ટોબરે રાજનેતાઓ હાથમાં ઝાડૂ સાથે સડકો પર ઉતર્યા હતા એટલી જ તત્પરતા તેઓ અંગત અને જાહેર જીવનમાં સ્વચ્છતા લાવવા દર્શાવે તે મહત્વનું છે. ફક્ત ગાંધી જયંતિ નિમિત્તે એકવાર મહાત્માના સિદ્ધાંતોના ગુણગાન ગાવાથી જાહેર જીવનમાં સુધારો આવી જશે નહીં. રાજનીતિને સ્વચ્છ બનાવવા માટે દેશની દરેક પક્ષે પહેલ કરવી પડશે અને ત્યારે જ સમાજથી માંડીને જાહેર જીવનમાં સ્વચ્છતા જોઇ શકાશે.
