- કોકિલા પટેલ
અનંત ચતુર્થી પછી ભાદરવા મહિનાના સોળ શ્રાદ્ધ પછી તા. ૧૫ ઓકટોબર, રવિવારથી આસો સુદ પડવા (એકમ-અજવાળીયા)થી શારદીય નવરાત્રીનો આરંભ થાય છે. વર્ષમાં ચાર વાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેના નામ વસંત (ચૈત્ર)નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. એમાં આસો મહિનામાં શરદ નવરાત્રી અને વસંત કાળમાં આવતી ચૈત્ર નવરાત્રીની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ખુબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું કે તે કોઇ પણ નર જાતિ એટલે કે પુરુષના શસ્ત્રથી એનું મૃત્યુ ના થાય. આ વરદાન મેળવ્યાં બાદ તે પોતાને પૃથ્વી અને સમગ્ર ભ્રમાંડનો શક્તિશાળી અસૂર સમજવા લાગ્યો અને ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો. તેને બધા જ દેવોને હરાવી દીધા અને બધા જ ઋષિઓના આશ્રમનો પણ નાશ કર્યો. ત્યાર બાદ તેને ઇન્દ્રનું આસન ડોલાવ્યું અને વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો પણ નિશ્ચય કર્યો. આ વાતની જાણ દેવોને થઈ તો તેઓ ચિતિંત થઇને ઉપાય મેળવવા ભગવાન શિવ પાસે ગયાં. દેવાધિદેવ શિવજીએ બધા દેવોને આદ્ય શક્તિની આરાધના કરવા માટે કહ્યું અને તેમને જણાવ્યું કે આ મુસીબતમાંથી તમને આદ્ય શક્તિ જ ઉગારી શકે તેમ છે.બધા દેવોએ મા આદ્યશક્તિની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યાં અને પોતપોતાના આયુધ્ધ આદ્યશક્તિને અર્પણ કર્યા, મહાન શક્તિપૂંજમાં પ્રગટેલાં મા જગદંબાએ બધા દેવોને નિર્ભય રહેવા માટે કહ્યું. ત્યાર બાદ સિંહે સવાર આદ્ય શક્તિએ નવ દિવસ સુધી વિકરાળ મહિષાસુર સાથે યુધ્ધ કર્યું અને દસમા દિવસે તેનો વધ કર્યો હતો. તેથી આદ્યશક્તિ મા જગદંબા મહિષાસુર મર્દિનીના નામથી પણ ઓળખાય છે. ત્યાર બાદ બધા દેવો અને પૃથ્વી લોકના માનવીઓએ ઉત્સવ મનાવ્યો હતો જેને આપણે વિજ્યા દશમી અથવા દશેરા તરીકે ઉજવીએ છીએ.
આસોની અજવાળી રાતોમાં મા જગદંબાએ નવ દિવસ યુધ્ધ આદર્યું એ મહાશક્તિની આરાધના, પૂજા-અર્ચના, આરતી આ નવરાત્રિ દરમિયાન કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે. તેથી તો ઘણા લોકો નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી અનુષ્ઠાન, ઉપવાસ, પૂજા કરે છે અને મા જગદંબા, મા દુર્ગાની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે. નવરાત્રીના નવ દિવસ નવદુર્ગા (શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા, કૂષ્માન્ડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી સિધ્ધિદાત્રી)ના એક એક સ્વરૂપની ઉપાસનાનો દિવસ છે. દેવીકવચમાં એ નવ સ્વરૂપોનું વર્ણન નીચેના શ્લોકમાં કરેલું છે.
પ્રથમં શૈલપુત્રી ચ દ્વિતીયં બ્રહ્મચારિણી ।
તૃતીયં ચંન્દ્રઘણ્ટેતિ કૂષ્માણ્ડેતિ ચતુર્થકમ્ ॥
પચ્ચમં સ્કન્દમાતેતિ ષષ્ઠમ્ કાત્યાયનીતિ ચ ।
સપ્તમં કાલરાત્રીતિ મહાગૌરીતિ ચાષ્ટમમ્ ॥
નવં સિધ્ધિદાત્રી ચ નવદુર્ગા: પ્રકીર્તિતા: ।
ઉક્તાન્યેતાનિ નામાનિ બ્રહ્મણૈવ મહાત્મન ॥
નવરાત્રીનો આઠમો દિવસ એટલે કે આઠમ. આ દિવસે ઠેર ઠેર ખુબ જ મોટા મોટા યજ્ઞો થાય છે. આ દિવસનું મહત્વ ખૂબ જ માનવામાં આવે છે.
આ સિવાય એક બીજી પૌરાણિક કથા પણ નવરાત્રી સાથે જોડાયેલી છે કે ભગવાન રામ જ્યારે રાવણ સાથે યુધ્ધ કરવા માટે નીકળ્યાં તે પહેલા તેમને આદ્ય શક્તિની ઉપાસન કરીને તેમની પાસેથી એક બાણ મેળવ્યું હતું. અને ત્યાર બાદ તેમને નવ દિવસ સુધી રાવણ સાથે યુધ્ધ કરીને દશમા દિવસે યુધ્ધમાં તેનો વધ કરી દીધો અને તેની ખુશીના રૂપે લોકો વિજયા દશમી ઉજવે છે અને આ પરંપરાને લોકોએ આજે જાળવી રાખી છે અને આજે પણ લોકો રાવણનું પૂતળુ બનાવીને તેનું દહન કરે છે.
જે વર્ષો પછી પણ એ જ ઉંમગ અને ઉત્સાહ સાથે દશેરા એટલે કે વિજયા દશમીની ઉજવણી કરે છે.ગુજરાતની આગવી સંસ્કૃતિ ગરબો:આસોની નવરાત્રિ ભારતના જુદા જુદા પ્રાંતોમાં ઉજવાય છે જેમાં બંગાળમાં મા દુર્ગાની મૂર્તિ સ્થાપન કરી પૂજા-અર્ચના થાય છે. જયારે ગુજરાતમાં ખુબ જ ભક્તિભાવથી ઢોલ-સંગીત સાથે મા આદ્યશક્તિના ગરબા રમવામાં આવે છે.
કુંભારને ત્યાંથી લાવેલા કોરા ઘડામાં છિદ્ર પાડી ઘડામાં વચ્ચે ઘી કે દિવેલનો દિવો પ્રગટાવી મૂકવામાં આવે તેને 'ગરબો કોરાવવો' કહેવાય. આ ગરબો એ દૈવી શક્તિનું પ્રતિક ગણાય છે. નવરાત્રિના ગરબા પહેલા તો શેરીઓમાં કે ગામના
ચોકની વચ્ચે દિવેલના દિવાની માંડવડી મૂકી થતાં હતાં. હવે મોર્ડનયુગમાં ગુજરાતના પ્રાચીન સંસ્કૃતિના ગરબાની પરંપરા વિલીન થતી જાય છે.
આદ્યશક્તિની આરાધના કરતો પ્રથમ ગરબો વલ્લભ મેવાડાએ ઇ.સ. ૧૭૮૦માં લખ્યો. 'ગગનમંડળ કરી ગાગરી રે મા, સકલ શોભા ભરી રે મા,' અને “મા તું પાવાની પટરાણી ભવાની મા કાળીકા રે લોલ' એ એમનો અતિપ્રસિધ્ધ પ્રાચીન ગરબો છે. આ ઉપરાંત ભાણદાસ, કડીના સાંકળેશ્વર, જૂનાગઢના દિવાન રણછોડજી, શામળ, નરસિંહ મહેતા, પ્રેમાનંદ, દયારામ, પ્રીતમ વગેરે સર્જકોએ ગુજરાતીમાં ગરબા અને ગરબીઓ આપ્યા છે. ગરબાની મધ્યકાલિન રચનાઓ સુધી ગરબામાં ભક્તિ કે ધાર્મિક ઓચ્છવોનું પ્રતિબિંબ જોવા મળે છે. પછી ધીમે ધીમે ધાર્મિક ગરબો સામાજિક થતો ગયો. લોકગીતો અને લોકસાહિત્ય તેમાં ભળતા ગયાં.
આદ્યશક્તિ આરતીના રચયિતા શિવાનંદ:
દરેક માઇભક્તોના ઘરમંદિરે કે નવરાત્રિ દરમિયાન "જય ઓમ, જય ઓમ, મા જગદંબે... "ના સૂર સાથે શ્રધ્ધાપૂર્વક આરતી ગાઇ મહાશક્તિની આરાધના કરીએ છીએ. એ આરતી મેં અને તમે બાળપણથી સાંભળી છે, ૪૦૦ વર્ષથી વધુ સમય પહેલાંથી ગવાતી આ આરતી કરોડો ભક્તોના ચિત્તમા અંકિત થઇ ગઇ હશે. આ આરતીની અંતિમ પંક્તિ છે: ‘ભણે શિવાનંદ સ્વામી... ગુણ તારા ગાશે, વૈકુંઠે જાશે’ કયારેક તમને આરતી ગાતાં સવાલ થતો હશે કે, કોણ છે આ શિવાનંદ? ક્યારે,કેવી રીતે આરતી લખી હશે?
નવરાત્રિના મહાપર્વે જગદંબાની આરતી ગાનારા સૌને આજે આરતીના રચયિતા શિવાનંદજીનો પરિચય કરાવીએ. આદ્યશક્તિની આરતીના રચયિતા શિવાનંદ ગુજરાતના એક મહાકવિ હતા. ૧૫૫૦ના અરસામાં સુરતમાં જન્મેલા શિવાનંદ વડનગરા બ્રાહ્મણ કૂળના વંશજ હતા. પિતા વાસુદેવ પંડ્યા, કાકા સદાશિવ, દાદા હરિહર એ બધા જ સંસ્કૃતના વિદ્વાન તરીકે ખ્યાતનામ હતા. શિવાનંદ ૧૨ વર્ષના હતા ત્યારે એમના પિતાનુ અવસાન થતાં કાકા સદાશિવ પાસે રહ્યા. પરમ શિવભક્ત સદાશિવે ભત્રીજા શિવાનંદને પંચાક્ષરી મંત્ર આપી દીક્ષા આપી. આ મંત્રદીક્ષાથી જ શિવાનંદનું જીવન બદલાયું. દેવી-દેવતાઓની આરતી એમના હ્દયમાં ગૂંજવા લાગી, એમણે તેને વાચા આપી હનુમાન, ગણપતિ, ભૈરવ, જયોતિર્લિંની આરતી રચી. દેવાધિદેવના પદ રચ્યાં. વિખ્યાત કવિ નર્મદના પત્ની ડાહીગૌરી એ શિવાનંદના કૂળનાં જ દિકરી હતાં. નર્મદના જણાવ્યા મુજબ, શિવાનંદ ૨૫ વર્ષના હતા ત્યારથી જ એમની જીભ પર મા સરસ્વતીનો વાસ થયો હતો. શિવાનંદે ૩૫ વર્ષ રેવા(નર્મદા) કિનારે સાધના કરી હતી. એક અંધારી રાતે તેમણે મહાશક્તિ, આદ્યશક્તિનો સાક્ષાત્કાર થયો એટલે એમની આરતીની છેલ્લી કડીઓમાં એ ઘટનાનો ઉલ્લેખ " સંવત સોળસો સત્તાવન સોળસે બાવીસમાં સંવત સોળે પ્રગટ્યાં રેવાને તીરે, ઓમ જય ઓમ જય મા જગદંબે" ધન્ય ધન્ય આદ્યશક્તિના ઉપાસક શિવાનંદને.
સૌને જય અંબે, જય માતાજી.

