માન્ચેસ્ટરમાં કન્ઝર્વેટિવ પાર્ટીનું મનોમંથન ચાલે છે ત્યારે આગામી સંસદની ચૂંટણીમાં રિશી સુનાક અને તેમની પાર્ટીની સત્તાવાપસીની કેટલી સંભાવના છે તેના પરની ચર્ચા પણ વ્યાપક બની છે. આમ તો વડાપ્રધાન સુનાકે એન્યુઅલ કોન્ફરન્સ પહેલાં જ નેટ ઝીરો અને એચએસટુ સહિતના મામલે પીછેહઠ કરીને ચૂંટણી પહેલાંની લોકપ્રિય નીતિની જાહેરાતનો પ્રારંભ કરી દીધો છે. લંડનમાં ઉલેઝના વિસ્તરણ અને 20 માઇલ પ્રતિ કલાકની સ્પીડ લિમિટના મામલામાં પણ સુનાક જનલાગણીની તરફેણમાં નિર્ણયો લેવાના સંકેતો આપી ચૂક્યાં છે. ચૂંટણી જીતવા દરેક રાજનેતા લોકલુભાવન પગલાંની તરફેણ કરતા હોય છે અને સુનાક પણ એ જ દિશામાં છે. ઓક્ટોબર 2022માં સુનાક વડાપ્રધાનપદે આરૂઢ થયા તે પહેલાં બોરિસ જોન્સન અને લિઝ ટ્રસના ઊંબાડિયાથી કન્ઝર્વેટિવ પાર્ટીની લોકપ્રિયતા તળિયે બેઠી હતી. તેમાં પણ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ, ફુગાવાના દર અને દેશના અર્થતંત્રની વણસતી જતી સ્થિતિએ જનતામાં ટોરીઝ પ્રત્યેની નારાજગી વધારી હતી. આજે પણ મતદારો મધ્યે ટોરીઝ કરતાં લેબર પાર્ટી વધુ સ્વીકાર્ય જણાય છે પરંતુ સુનાકે વડાપ્રધાનપદ હસ્તગત કર્યા બાદ અપનાવેલી નીતિઓને કારણે અર્થતંત્રમાં સુધારાના સંકેતો મળી રહ્યાં છે. શરૂઆતમાં સુનાકે આર્થિક બાબતોમાં સ્પષ્ટ અને કડક નીતિ અપનાવી જેના પરિણામો હવે દેખાઇ રહ્યાં છે અને તેના કારણે કન્ઝર્વેટિવ પાર્ટી ફરી એકવાર લેબર પાર્ટીને ટક્કર આપવાની સ્થિતિમાં આવી છે. છતાં સુનાકને તેમની નીતિઓ અને પગલાંના પરિણામ માટે હજુ રાહ જોવી પડે તેવી સ્થિતિ છે ત્યારે તેમણે સંસદની ચૂંટણીને આડે માંડ થોડા મહિના બાકી છે ત્યારે પોતાની નીતિઓને હળવી બનાવીને મતદારોને રિઝવવાના પ્રયાસો શરૂ કર્યા છે. સુનાક સામે લેબર પાર્ટીના પડકારો ઉપરાંત પોતાની પાર્ટીમાંના વિરોધીના પડકારો પણ મોં ફાડીને ઊભા છે. ઇમિગ્રેશન મામલે હોમ સેક્રેટરીએ આકરું વલણ અપનાવ્યું છે જ્યારે સુનાક મવાળવાદી વલણ દ્વારા ઇમિગ્રન્ટોને પણ સાથે લઇને ચાલવાનું વ્યવહારૂ વલણ અપનાવી રહ્યાં છે. સુનાકની વિશેષતા એ છે કે તેઓ તેમના વિઝનમાં સ્પષ્ટ છે. તેઓ નિર્ણયોની દૂરંદેશી અસરો પણ મતદારો સમક્ષ સફળતાપુર્વક રજૂ કરી રહ્યાં છે. આગામી દિવસોમાં સુનાક કેવા ચૂંટણીલક્ષી નિર્ણયો લે છે તેના પર બધો દારોમદાર છે.
