એબીપીએલ ગ્રુપના ચેરમેન અને એડિટર-ઇન-ચીફ સી બી પટેલે આ પ્રસંગે વાચકો, ક્લાયન્ટ્સ, સમાજ અને ગુજરાત સમાચારની પ્રતિબદ્ધ ટીમના સીનિયર સભ્યોના અમૂલ્ય યોગદાનને બિરદાવતાં જણાવ્યું હતું કે, આ તમામ સેવા યજ્ઞ અને જ્ઞાન યજ્ઞના અવિચલિત સ્થંભ છે જેઓ ગુજરાત સમાચારની અતૂટ સાતત્યતા અને સફળતા સુનિશ્ચિત કરી રહ્યાં છે. આ પ્રસંગે તેમણે તેમના પત્ની પુષ્પાબેન અને સાળી સરોજબેનના ગુજરાત સમાચારની સફરના પરદા પાછળના યોગદાનનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
આ ભવ્ય સંધ્યા સમારોહનું સંચાલન નમિતા શાહ દ્વારા કરાયું હતું. ભારતીય વિદ્યાભવન યુકે સેન્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. એમ એન નંદકુમારની આધ્યાત્મિક પ્રાર્થનાઓએ વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. ગુજરાતના જાણીતા ગાયિકા માયાબેન દીપકે આ ભવ્ય ઉજવણીને આધ્યાત્મિક સ્પર્શ આપ્યો હતો.
આ પ્રસંગે ભવિષ્યનું વિઝન રજૂ કરતાં લંડન ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ અધ્યક્ષ અને યુકે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના કમિશ્નર સુભાષ ઠકરારે જણાવ્યું હતું કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં સી બી પટેલ સાથે મારી મુલાકાત થઇ ત્યારે તેઓ ગુજરાત સમાચારની સુવર્ણ જયંતિની ઉજવણી કરવા ઇચ્છતા હતા અને અમે ભવિષ્યના વિઝન સાથેનો રસપ્રદ અભિગમ તૈયાર કરી શક્યાં. સામાન્ય રીતે દરેક વ્યક્તિ ભૂતકાળની વાત કરતી હોય છે પરંતુ અમે કેવી રીતે આગળ વધવું અને ભવિષ્યના વિચાર સાથે “Eyes of Tomorrow” પુસ્તક તૈયાર કર્યું. મેં વિવિધ નિષ્ણાતોને તેમના કાર્ય અને વ્યવસાયમાં તેઓ આગામી 25-50 વર્ષ માટે શું વિચારે છે તે લખી મોકલવા જણાવ્યું. હું આ પુસ્તક યજ્ઞમાં સામેલ થનારા તમામ લેખકોનો આભાર માનું છું.
ઠકરારે જણાવ્યું હતું કે, તમે ભૂતકાળના 25 વર્ષ પર નજર નાખો છો ત્યારે જુઓ છો કે ઝડપથી બદલાવ થઇ રહ્યો છે. મને ગુજરાતના જામનગરમાં વીતાવેલા દિવસો યાદ આવે છે. તે સમયે ટેલિફોન કોલ કરવા માટે 3 દિવસ પહેલાં બુકિંગ કરાવવું પડતું હતું. તસવીરો અને પત્રો પહોંચવામાં તો દિવસો વીતી જતાં હતાં. અમે માનીએ છીએ કે આ પુસ્તક તેના ભવિષ્યના અભિગમના માટે તમારા બુક શેલ્ફમાં લાંબો સમય રહી શકશે. ચોક્કસ સેક્ટરમાં શું થવાનું છે તે અંગે નિષ્ણાતો શું કહે છે તે તમે જાણી શક્શો. આગામી પેઢીઓ તેમની અગાઉની પેઢીના અભિગમ અંગે જાણકારી પ્રાપ્ત કરી શકશે. તેઓ સમજી શક્શે કે સમય કેટલો ઝડપથી બદલાઇ રહ્યો છે. મને આશા છે કે તમને તેમાં રસ પડશે.
સી બી પટેલની સિદ્ધીઓ અંગે બોલતાં સુભાષ ઠકરારે જણાવ્યું હતું કે, ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ સાપ્તાહિકો કરતાં પણ વિશેષ છે. આ સાપ્તાહિકોએ આપણે સમાચારા પીરસ્યાં છે. સી બી પટેલે મહાન કાર્ય કર્યું છે તો સાથેસાથે આ સંગઠને સમાજ માટે ઘણી સેવા અને સખાવતી કાર્યો પણ કર્યાં છે જેને આપણે બિરદાવવા જોઇએ. હું અંગત રીતે સી બી પટેલનો આભાર માનું છું કે તેમના દ્રષ્ટા નેતૃત્વના કારણે આ સાપ્તાહિકો 50 વર્ષની મંઝિલ પાર કરી શક્યાં.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા લોર્ડ જિતેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, મેં બે ઊનાળા દરમિયાન એબીપીએલ ખાતે ઇન્ટર્ન તરીકે કામ કર્યું હતું. હું આજે રાત્રે અહીં લોર્ડ જિતેશ ગઢિયા તરીકે નહીં પરંતુ એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ અને સી બી પટેલના પરિવારના સભ્ય તરીકે ઉપસ્થિત છું. 11 નવેમ્બર 1989ના રોજ અમે પહેલીવાર મળ્યા ત્યારે સી બી પટેલે મને એક સવાલ કર્યો હતો અને મારા જવાબથી મેં તેમને આશ્ચર્યચકિત કરી દીધાં હતાં. તે સમયે હું યુનિવર્સિટી સ્ટુડન્ટ હતો અને મેં તેમને તથા પુષ્પાબેનને કેમ્બ્રિજ યુનિવર્સિટી ઇન્ડિયા સોસાયટી આયોજિત કરેલા ડીનરમાં આમંત્રિત કર્યાં હતાં. તે સાંજે અમારા અન્ય મહેમાનોમાં સ્વ. મનુભાઇ માધવાણી અને સર જે ગોહિલ જેવા આપણા સમાજના માંધાતાઓ હાજર હતા. 34 વર્ષ પહેલાં થયેલી આ મુલાકાત બાદ અમારી વચ્ચે વિશેષ સંબંધ બંધાયો હતો. 1990 અને 1991માં મેં ઇન્ટર્ન તરીકે કોરોનેટ સ્ટ્રીટ ઓફિસ ખાતે કામ કર્યું અને એશિયન વોઇસના પુરોગામી પબ્લિકેશન ન્યૂ લાઇફમાં લેખ લખતો હતો. તે સમયગાળામાં અમે લખવાથી માંડીને પ્રિન્ટિંગ અને પોસ્ટિંગ સુધીના કામ કરતાં હતાં. મને યાદ છે કે દર ગુરુવારે અમે અખબારોને ટપાલમાં મોકલવા ટીમ વર્ક કરતાં. સી બી પટેલ અને ટીમ સાથે વીતાવેલા એ રચનાત્મક વર્ષો મને ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના પારિવારિક સભ્ય હોવાની અનુભૂતિ કરાવે છે. આ સાપ્તાહિકોની સુવર્ણ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં અને અદ્વિતિય સમાજ સેવા તથા પાંચ દાયકાની સી બી પટેલની વિઝનરી લીડરશિપનુ સન્માન કરવાની તક મળી તે મારા માટે મોટા સન્માનની વાત છે. પત્રકારત્વમાં માહિતી પ્રદાન કરવાની, પ્રેરણા આપવાની, મનોરંજન કરવાની અદમ્ય શક્તિ રહેલી છે. પત્રકારત્વની દુનિયામાં 50 વર્ષ અસામાન્ય સિદ્ધી છે. આ ફક્ત આ સાપ્તાહિકો માટે જ નહીં પરંતુ આ નોંધપાત્ર સફરમાં સામેલ તમામ વ્યક્તિઓ માટે મહાન ક્ષણ છે.
સી બી પટેલ અંગે લોર્ડ ગઢિયાએ જણાવ્યું હતું કે, સી બી પટેલની સફર પોતે એક પ્રેરણાસ્ત્રોત છે અને તેમણે સુવેનિયર બુક માટે સ્પર્શી જનારી પ્રસ્તાવના લખી છે જેનો ઉલ્લેખ સુભાષ ઠકરારે કર્યો હતો. ગુજરાતના ભાદરણથી શરૂ કરેલી નમ્ર સફર તેમણે જવાબદારીની અત્યંત સભાનતાથી આગળ વધારી હતી. તેઓ હંમેશા જ્ઞાનના પ્રસારના મહત્વ પર તેમના પિતાએ આપેલા સંસ્કારનો અને તેમના માતાએ આપેલા બલિદાનોનો ઉલ્લેખ કરે છે. મને અનેક પ્રસંગોએ તેમના માતાને મળવાની તક મળી હતી. આ મૂલ્યોના સિંચને ગુજરાત સમાચાર અને એશિયન વોઇસને ન કેવળ અખબારો પરંતુ સમાજના સાચા સ્થંભ બનાવ્યાં છે. સી બી પટેલને ઓળખનારા તમામ જાણે છે કે તેઓ હંમેશા કર્મયોગ અને સમાજ સેવાનો ઉલ્લેખ કરે છે. હું એટલું કહીશ કે સી બી પટેલે ન કેવળ આપણા સમાજની સફરની માહિતી આપી છે પરંતુ તેમની અદમ્ય ક્ષમતાઓથી સક્રિય રીતે આકાર પણ આપ્યો છે.
સાપ્તાહિકો અંગે બોલતાં લોર્ડ ગઢિયાએ જણાવ્યું હતું કે, આ અખબારો આપણા સમાજની ઉત્ક્રાંતિ, આનંદ, વેદના, સફળતા અને પડકારોના સાક્ષી રહ્યાં છે. અખબારોમાં છપાતી માહિતીએ બે પેઢીઓ વચ્ચે રહેલી ખાઇ પર સેતૂનું કાર્ય કર્યું છે. સતત બદલાતા જતા વિશ્વમાં આ અખબારોએ અવિચલ રહીને માહિતી અને સમીક્ષાઓ પ્રદાન કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 50 વર્ષમાં બ્રિટન કેટલો બદલાઇ ગયો છે તે પ્રતિબિંબિત કરવું પણ રસપ્રદ બની રહે છે. અહીં ઉપસ્થિત ઘણા લોકોની જેમ હું પણ 1972માં ઇસ્ટ આફ્રિકાથી અહીં આવ્યો અને તે જ વર્ષે યુકેમાં પહેલીવાર ગુજરાત સમાચાર પ્રસિદ્ધ થયું હતું. આટલા સમયમાં બ્રિટનમાં ધરમૂળથી બદલાવ આવી ગયો છે. પાંચ દાયકા બાદ હવે આપણો સમાજ હવે સ્થિર થયો છે. આપણે દરેક ક્ષેત્રમાં અપ્રમાણસર યોગદાન આપી રહ્યાં છીએ. તેમ છતાં આપણે હાલની સફળતાથી સંતોષ માનીને બેસી રહી શકીએ નહીં, આપણે ભવિષ્ય તરફ મીટ માંડીને આપણા વિશ્વમાં આવી રહેલા ઝડપી બદલાવ સાથે તાલ મિલાવવાનો છે. મને ખુશી એ વાતની છે કે આજે રાત્રે આપણે ન કેવળ ભૂતકાળની ભવ્યતાની ઉજવણી કરી રહ્યાં છીએ પરંતુ સુભાષ ઠકરારે “Eyes of Tomorrow”ના માધ્યમથી કહ્યું તેમ વિશ્વને જોઇ રહ્યાં છીએ. પુસ્તકનું નામ ખરેખર યથાર્થ છે. મેં આ પુસ્તક પર નજર નાખી છે અને હું ખાતરીપુર્વક કહી શકું છું કે, આપણા ભવિષ્યને કંડારી શકે તેવા ઘણા વિચારો અને વિવરણ આ પુસ્તકના પાનાઓમાં સમાયેલ છે. આ પુસ્તકના પાના તમને ભવિષ્યની આઇટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયાનો પરિચય આપે છે તો ક્લાઇમેટ ચેન્જ, બિઝનેસ, ટ્રેડ અને ફાઇનાન્સમાં રહેલા વૈશ્વિક પડકારોનું પણ રસપાન કરાવે છે. તેમાં ભારત અને યુકે વચ્ચે વિકસી રહેલા સંબંધોનો ચિતાર છે તો ગ્લોબલ ઇકોનોમિક પ્લેયર તરીકે ઉભરી રહેલા આફ્રિકા અંગે પણ વાતો કરાઇ છે.
તેમણે જણાવ્યું હતું કે, કૂટનીતિમાં એમ કહેવાઇ રહ્યું છે કે આગામી 25 વર્ષમાં આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ડાયસપોરા સમુદાયોની મોટી ભાગીદારી રહેશે. એબીપીએલ ગ્રુપની સફળતાનું રહસ્ય એ છે કે પોતાના મૂળભૂત મૂલ્યોની જાળવણી કરીને બદલાવ સ્વીકાર્યા છે તેમ છતાં હંમેશા ભવિષ્યના પડકારોનો સામનો કરવા અને તકો ઝડપી લેવા તૈયાર રહ્યું છે. હું આ વિશેષ પ્રસંગે હાજર રહેલા તમામનો આભારી છું. આવો આપણે આવનારા દાયકાઓમાં ગુજરાત સમાચાર - એશિયન વોઇસની કામગીરીને માણતા રહીએ.
સી.બી. પટેલના વિઝન અને એડવોકેસીની પ્રશંસા
કન્ઝર્વેટિવ લોર્ડ અને વડાપ્રધાનના યુગાન્ડા-રવાન્ડા-ડીઆરસી માટેના ટ્રેડ રાજદૂત લોર્ડ ડોલર પોપટે કહ્યું હતું કે, આજે આપણે ગુજરાત સમાચારની સુવર્ણ જયંતિની ઉજવણીનો ઇતિહાસ રચવા અને સાચા અર્થમાં અસામાન્ય વ્યકતિત્વ ધરાવતા પ્રિય મિત્ર સી.બી. પટેલના યોગદાનને બિરદાવવા એકઠાં થયાં છીએ. સી.બી. પટેલનું નામ મને યાદ છે 80ના દાયકામાં કોઈએ નીલ કિનોક સમક્ષ ઉલ્લેખ કર્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે આ એક સમુદાય બોર્ડ છે જે માત્ર બ્રિટનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુજરાતી અથવા બ્રિટિશ ભારતીય સમુદાયના કલ્યાણ માટે સમર્પિત અથાક ભાવનાને મૂર્તિમંત કરે છે. પાંચ દાયકાઓથી, સી.બી.ના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ યુકેમાં ગુજરાત સમાચાર સૌથી વધુ વેચાતું પ્રકાશન જ નથી બન્યું પણ આપણા સમુદાયમાં ખૂબ આદર-વિશ્વસનીયતા પણ મેળવ્યા છે. વર્ષોથી, ગુજરાત સમાચારે સમાજમાં સમાનતા અને વિવિધતાથી માંડીને લંડન-અમદાવાદ-લંડન સીધી ફ્લાઇટ માટે ઝુંબેશ અને હરે કૃષ્ણ મંદિરને બંધ થતું રોકવા સુધી બ્રિટિશ ભારતીય સમુદાયના લાભ માટે ઘણા અભિયાનો હાથ ધર્યા છે.
સી.બી. પટેલના પુત્ર મેરુલ પટેલે જણાવ્યું હતું કે, એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર દ્વારા મારા પિતાએ અડધી સદી કરતાં પણ વધુ સમયથી આપેલા યોગદાન માટે તમે બધાએ ઉદારતાથી પ્રશંસા કરી છે. તમારામાંના ઘણા પ્રખર સમર્થકો પણ છે અને અમે તમારા સમર્થન વિના કંઈ પણ કરી શક્યા ન હોત તેથી તમારો ખૂબ ખૂબ આભાર. વ્યવસાયની સ્થાપના અને સંચાલન નોંધપાત્ર રીતે મુશ્કેલ છે અને તેમાં વ્યાપક સમર્પણની જરૂર પડે છે, જોકે મીડિયા વ્યવસાય ચલાવવો થોડો અલગ છે. તમે તમારો દિવસ ઘણા લાંબા કલાકો સુધી ડેસ્ક પર વિતાવો છો પરંતુ તમે પાછા જાઓ અને આરામ કરો તે પહેલાં તમારે ઘણો સમય આપવો પડે છે. તમારે ઘણા કાર્યક્રમો અને સમારોહમાં હાજરી આપવી પડે છે અને તે તમારા ઘણા વીકએન્ડ અને સાંજનો ભોગ માગે છે. તેના કારણે તમે તમારા પરિવારને ઘણો ઓછો સમય આપી શકો છો. આ પ્રકારના કાર્ય માટે પ્રતિબદ્ધતા ઘણી આવશ્યક છે. મારા પિતા 50 કરતાં વધુ વર્ષથી અવિરત આ કાર્ય કરતાં રહ્યાં છે. હું ઇચ્છીશ કે તેઓ આ ઉંમરે જે એનર્જી સાથે કામ કરે છે તેથી અડધી પણ એનર્જી હું તેમની ઉંમરે પહોંચું ત્યારે મારી પાસે હોય.
સી.બી. પટેલ અને સુભાષ ઠકરારે ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહ અને કોકિલાબહેન પટેલના 40 વર્ષ લાંબા યોગદાન માટે, એશિયન વોઇસના મેનેજિંગ એડિટર રૂપાંજના દત્તાનું 16 વર્ષના યોગદાન માટે અભિવાદન કર્યું હતું. એબીપીએલના અન્ય ટીમ મેમ્બર્સ સુરેન્દ્ર પટેલ (રિપ્રેઝન્ટેટિવ કોમ્યુનિટી એન્ડ મીડિયા), સેસિલ સોન્સ (હેડ- બિઝનેસ ડેવલપમેન્ટ), કિશોર પરમાર (એડવર્ટાઇઝિંગ મેનેજર), પૂજા રાવલ (મેનેજર–બિઝનેસ ડેવલપમેન્ટ) અને આશાબેનનું પણ સન્માન કરાયું હતું. ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયાએ આભારદર્શન કર્યું હતું.
(ફોટોસૌજન્યઃ
રાજ ડી. બકરાણિયા, પીઆર મીડિયાપિક્સ વીડિયોગ્રાફીઃ ધ્રુવ ગઢવી)

