ઈરાન પર ભારતનું રૂ. 700 કરોડનું લેણુંઃ ચોખાની નિકાસ બંધ

Wednesday 05th April 2023 06:56 EDT
 
 

નવીદિલ્હીઃ ઇરાનની કરન્સી રિયાલમાં મોટો ઘટાડો આવતાં ઇરાન સરકાર માટે આયાત ખૂબ મોંઘી બની છે. ભારતીય ચોખા નિકાસકારોના આશરે રૂ. 700 કરોડ ઇરાન પાસે લેવાના બાકી નીકળે છે. જો કે મુદ્રા સંકટના કારણે ઇરાન તેનું ચુકવણું કરવામાં હાલમાં અસમર્થ છે. આ જ કારણે ભારતીય ચોખા નિકાસકારો દ્વારા લેટર ઓફ ક્રેડિટ અથવા કેશ પેમેન્ટ સિવાય હવે ઇરાનને ચોખા મોકલવામાં આવશે નહીં.
ઓલ ઇન્ડિયા રાઇસ એક્સપોર્ટર્સ એસોસિયેશન – AIREA દ્વારા ઇરાનના ગવર્નમેન્ટ ટ્રેડિંગ કોર્પોરેશનને પોતાનો આ નિર્ણય જણાવી દીધો છે. AIREAએ ઇરાની ગવર્નમેન્ટ ટ્રેડિંગ કોર્પોરેશનને જણાવ્યું છે કે, ઇરાન જાન્યુઆરીથી માર્ચ દરમિયાનની નિકાસનું ચુકવણું કરવામાં પણ અસમર્થ સાબિત થયું છે.
છેલ્લા કેટલાક સમયથી ઇરાની રિયાલ ડોલરની તુલનામાં ઘણો નીચો ગયો છે. સપ્ટેમ્બર 2022માં જે રિયાલ અમેરિકન ડોલરની સામે આશરે 3 લાખ પર હતો, તે ફેબ્રુઆરીના અંતમાં 6 લાખ સુધી પહોંચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકન પ્રતિબંધોના કારણે ડોલરની સામે રિયાલની કિંમત ખૂબ ઘટી છે. ઉલ્લેખનીય છે તે 2015 પરમાણુ સમજૂતીને ફરી લાગુ કરવા માટે અમેરિકા અને ઇરાન વચ્ચે ચર્ચા અટકેલી છે. ઇરાન ઇચ્છે છે કે પરમાણુ કાર્યક્રમ ફરીથી શરૂ કરે. આ સ્થિતિમાં સંભાવના છે કે ઇરાન પર અમેરિકન પ્રતિબંધ યથાવત્ રહી શકે છે, એટલે ઇરાન પોતાની બચત સાચવી રાખવા માટે ગ્રીનબેક અને ગોલ્ડ તરફ પોતાનો ઝુકાવ રાખી રહ્યું છે.


comments powered by Disqus