ગુજરાતીઓની વિદેશ ઘેલછા જીવલેણ બની

Wednesday 05th April 2023 06:05 EDT
 

ગુજરાતીઓ સહિતના ભારતીયોની વિદેશ ઘેલછા જીવલેણ પૂરવાર થઇ રહી છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે સહિતના  દેશોમાં વસવાટ અને સ્થાયી થવા માટે ભારતીયો અને તેમાં પણ ગુજરાતીઓ જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. કલોલના ડિંગુચા ગામનો પરિવાર યુએસ-કેનેડાની બોર્ડર પરથી અમેરિકામાં ઘૂસણખોરી કરવાના પ્રયાસમાં જીવ ગુમાવી બેઠો હોવાના અહેવાલોની શાહી હજુ સૂકાઇ નથી ત્યાં મહેસાણાના વિજાપુરના ચૌધરી પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યાના અહેવાલો આવ્યા છે. આ દેશોમાં એવું તે શું છે જે ભારતમાં ઉપલબ્ધ નથી અને તેના કારણે ભારતમાંથી પલાયન કરી જવાની પ્રવૃત્તિએ વેગ પકડ્યો છે? ઓક્ટોબર 2021થી સપ્ટેમ્બર 2022 સુધીના ગાળામાં અમેરિકાએ મેક્સિકોની બોર્ડર પરથી ઘૂસવાનો પ્રયાસ કરતાં ભારતીય મૂળના વિક્રમજનક 16290 લોકોને કસ્ટડીમાં લીધાં હતાં. બ્રિટનમાં પણ ઇંગ્લિશ ચેનલ પાર કરીને ઘૂસતા સમુદાયોમાં ભારતીય ત્રીજા સ્થાને રહ્યાં હતાં. એવા તે કયા કારણો છે જે લોકોને દેશ છોડવા મજબૂર કરી રહ્યાં છે. વિશ્વના ત્રીજા ક્રમનું અર્થતંત્ર હોવા છતાં ભારતમાં નાગરિકોને મળવાપાત્ર આરોગ્ય, શિક્ષણ, રોજગારી, કાયદાનું પાલન જેવી પાયાની જરૂરિયાતોનો અભાવ છે. દેશમાં નવી શિક્ષણનીતિ અમલી બનાવાઇ હોવા છતાં 2019માં 5.9 લાખ ભારતીય વિદ્યાર્થીઓએ વિદેશમાં અભ્યાસ કરવાનું પસંદ કર્યું હતું.  વર્લ્ડ બેન્કે ભારતનું ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગ ઘટાડી દીધું છે. ભારતમાં સમસ્યાઓને કારણે 23000 જેટલાં કરોડપતિ બિઝનેસમેન દેશ છોડીને અન્યત્ર સ્થાયી થઇ ગયાં છે. બેરોજગારીની સમસ્યા પણ ભારતીયોને વિદેશોમાં ધકેલી રહી છે. 2022માં 13 લાખ ભારતીયોએ કામની શોધમાં દેશ છોડ્યો હતો. વિદેશોની જીવનવ્યવસ્થા ભારતીયોને આકર્ષી રહી છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. તેના કારણે લાખોની સંખ્યામાં ભારતીયો દેશ છોડી રહ્યાં છે. આજે વિદેશોમાં વસવાટ કરતો સૌથી મોટો સમુદાય ભારતીયોનો છે. 2020ના સંયુક્ત રાષ્ટ્રના આંકડા પ્રમાણે લગભગ બે કરોડ ભારતીયો વિદેશોમાં વસવાટ કરી રહ્યાં છે. વિઝા ન મળવાના કારણે લોકો જીવનું જોખમ હોય તો પણ વિદેશ પહોંચવાના માર્ગ અપનાવી રહ્યાં છે જેના કારણે આ પ્રકારની કરૂણાંતિકાઓ અવારનવાર સર્જાતી જ રહે છે.


comments powered by Disqus