નેપાળથી બિહાર સુધી ચીન બનાવશે ફોર લેન રસ્તોઃ ઘૂસણખોરીની આશંકા

Wednesday 05th April 2023 07:11 EDT
 
 

નવી દિલ્હીઃ ચીન ભારતમાં ઘૂસણખોરીના એક પછી એક પ્રયાસ કરી રહ્યું છે, જેના ભાગરૂપે ચીનનો આ પ્રકારનો વધુ એક પ્રયાસ સામે આવ્યો છે. ઘૂસણખોરીના આશય સાથે ચીન નેપાળથી બિહારનો ફોરલેન રસ્તો બનાવતું હોવાના સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ચીનની અરુણાચલ પ્રદેશમાં દખલગીરી સતત વધી રહી છે, ત્યારે બિહારથી નેપાળને જોડતી 730 કિ.મી. લાંબી સરહદ પર પણ હવે ચીન દખલગીરી કરી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.
નેપાળમાં વિકાસના નામે થતી આ કામગીરી પર ભારતીય એજન્સીઓની ચાંપતી નજર છે. સરહદી વિસ્તારોમાં ટેકનિકલ મોનિટરિંગ પર એસએસબી દ્વારા વધુ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ડેટાબેઝ સોફ્ટવેર દ્વારા એને વધુ મજબૂત કરવાની યોજના છે. ખુલ્લી સરહદના સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા અને લાઇટ્સ લગાવાશે. આ સાથે જ ડ્રોનથી નજર રાખવાની પણ યોજના છે.
ભારતની બોર્ડર પર ગંડક નદી પર બ્રિજનો પિલ્લર તૈયાર કરવામાં આવ્યો છે. આ પુલ સુસ્તા ગામ સુધી પહોંચાડે છે. આમ તો સુસ્તા ગામ ભારતનો હિસ્સો છે, પરંતુ નેપાળ હવે તેના પર પોતાનો દાવો કરી રહ્યું છે. ચિંતાની વાત એ છે કે નેપાળના બૂટવેલથી નારાયણ ઘાટ સુધી બની રહેલા ફોરલેન રસ્તા પર ચીનની બાંધકામ કંપનીનાં બોર્ડ દેખાઈ રહ્યાં છે, જે ભારતથી માત્ર 25 કિમી દૂરનો વિસ્તાર છે.
નો મેન્સ લેન્ડ પર ચીનનો કબજો
નેપાળની અંદર ચીનની ગતિવિધિ અસામાન્ય છે. ચંપારણના વાલ્મીકિનગરથી માત્ર 25 કિ.મી.ના અંતરે ફોરલેન રસ્તો બની રહ્યો છે. આશરે 125 કિ.મી. લાંબો આ રસ્તો બૂટવેલથી નારાયણ ઘાટ સુધીનો છે.


comments powered by Disqus