પીઓકેની એસેમ્બ્લીમાં શારદાપીઠ કોરિડોર માટે પ્રસ્તાવ પસારઃ પાકિસ્તાન નાખુશ

Wednesday 05th April 2023 06:56 EDT
 
 

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનનો ગેરકાયદે કબજો ધરાવતા કાશ્મીરની એસેમ્બ્લીના વલણમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. પીઓકે એસેમ્બ્લીએ શારદા માતા પીઠમાં તીર્થ માટે ભારતથી આવતા શ્રદ્ધાળુઓ માટે એક કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. આ ઘટનાક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એ નિવેદન પછી શરૂ થયો છે, જેમાં તેમણે કરતારપુર કોરિડોરની તર્જ પર શારદાપીઠ માટે પણ કોરિડોર બનાવવાની વાત કરી હતી.
સેવ શારદા કમિટીએ પીઓકે એસેમ્બ્લીના પ્રસ્તાવને આવકારતાં કહ્યું કે, 75 વર્ષ પછી શારદા માતા પીઠમાં તીર્થની આશા જાગી છે. તે માટે વર્ષો સુધી કરાતો સંઘર્ષ હવે રંગ લાવ્યો છે. એસએસસીએ 2006માં કેન્દ્ર સરકાર અને પાકિસ્તાન સરકારને શારદા માતા પીઠ માટે કોરિડોર શરૂ કરવા માટે પત્ર લખ્યા હતા.
પીઓકેના પ્રસ્તાવ અંગે પાકિસ્તાન નાખુશ
પીઓકે એસેમ્બ્લીના પ્રસ્તાવ અંગે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે. ભારતમાં પાકિસ્તાનના હાઇ કમિશનર રહેલા અબ્દુલ બાસિતનું કહેવું છે કે, શારદા માતા પીઠ કોરિડોર બનવો શક્ય નથી. કરતારપુર કોરિડોર આંતરરાષ્ટ્રીય સરહદ, જ્યારે શારદાપીઠ અંકુશ રેખા પર છે.
40 કિ.મી. લાંબો હશે શારદા કોરિડોર
પ્રસ્તાવિત શારદા માતા પીઠ માટે કોરિડોર આશરે 40 કિ.મી. લાંબી હશે. તે અંકુશરેખા પર કાશ્મીરના કુંપવાડા જિલ્લાથી શરૂ થશે. શારદાપીઠ જવા માટે શ્રદ્ધાળુઓએ નારદ, સરસ્વતી અને નારિલ સરોવરને પાર કરવાં પડશે.
અહીં દેવી સતીનો જમણો હાથ પડ્યો હતો
શારદા પીઠ મંદિર PoKમાં નીલમ ખીણમાં સ્થિત છે. છઠ્ઠીથી 12મી સદી દરમિયાન તે સૌથી પ્રખ્યાત મંદિર યુનિવર્સિટી પૈકી એક હતી.તેનું વર્ણન વિદ્વાનો કરી ચૂક્યા છે. તેણે શારદા લિપિના વિકાસ અને લોકપ્રિયતામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતીે.


comments powered by Disqus