ભારતમાં માર્ગ અને રેલ પરિવહન ક્ષેત્રે ક્રાંતિ આવી રહી છે. તાજેતરમાં શરૂ કરાયેલી શ્રેણીબદ્ધ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ન્યૂયોર્ક અને વોશિંગ્ટન વચ્ચે દોડતી ટ્રેનો કરતાં પણ વધુ ઝડપી અને સુવિધાજનક છે. ભારતમાં રગશિયા ઝડપથી દોડતી જાહેર પરિવહનની બસો, રેલવે ટ્રેનો, ડચકાં ખાતી હવાઇ સેવાઓ ભૂતકાળ બની રહી છે. ચીન પછી ભારત એક એવો દેશ છે જ્યાં ક્રાંતિકારી રીતે માળખાકિય સુવિધાઓનો વિકાસ થઇ રહ્યો છે. ભારતની માળખાકિય સુવિધાઓ વેપાર ઉદ્યોગને વેગ આપી રહી છે. નરેન્દ્ર મોદીની સરકારને વિશ્વાસ છે કે માળખાકિય વિકાસ ઝડપી આર્થિક વૃદ્ધિ આડેના તમામ અવરોધો દૂર કરી નાખશે. ભારતનો માળખાકિય વિકાસ સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. મોદી સરકાર આગામી 3 વર્ષમાં 500 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. જેના કારણે મુસાફરી ઝડપી બનતાં શહેરો વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. અમદાવાદ અને મુંબઇ વચ્ચેની પ્રસ્તાવિત બૂલેટ ટ્રેન બંને શહેર વચ્ચેની મુસાફરીનો સમય 6 કલાકથી ઘટાડીને બે કલાક કરી દેશે. સરકાર દ્વારા મુંબઇ અને દિલ્હી તથા પંજાબ અને પશ્ચિમ બંગાળ વચ્ચે બે ફ્રેઇટ કોરિડોરનું નિર્માણ થઇ રહ્યુ છે. આગામી વર્ષ સુધીમાં તે કાર્યરત થતાં માલ પરિવહન ઝડપી બનશે જેથી અર્થતંત્રની ગાડીને વધુ વેગ મળશે. સરકાર વધુ 4 ફ્રેઇટ કોરિડોર તૈયાર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. સાથે સાથે ભારતમાં દર વર્ષે 10,000 કિમીના હાઇવેનું નિર્માણ થઇ રહ્યું છે. 2014માં ગ્રામીણ સડકોની લંબાઇ 3,81,000 કિમી હતી જે 2022માં 7,29,000 કિમી પર પહોંચી છે જેના કારણે વધુ ગ્રામીણ વિસ્તારો સાથેનો સડક સંપર્ક શક્ય બનતાં ગ્રામીણ ઇકોનોમીને પણ વેગ મળી રહ્યો છે. ભારતમાં વીજળી ઉત્પાદનમાં 22 ટકાનો મોટો વધારો નોંધાયો છે જે છેલ્લા પાંચ વર્ષમાં બમણો છે. બ્રોડબેન્ડના જોડાણો 61 મિલિયનથી વધીને 816 મિલિયન પર પહોંચી ગયાં છે જેના કારણે દેશમાં જાણે કે ઇન્ટરનેટ ક્રાંતિ આવી છે. ડિજિટલ પેમેન્ટને વેગ મળ્યો છે. ભારત આ વર્ષે તેના જીડીપીના 1.7 ટકા રકમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચશે જે અમેરિકા અને યુરોપના દેશો કરતાં બમણી છે. ભારતનો આ માળખાકિય વિકાસ તેને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવા તરફ ઝડપથી દોરી જશે.
