‘જ્યારે પણ હું લોકોને ખૂબ વધારે પડતો મોબાઇલનો ઉપયોગ કરતા જોઉં ત્યારે અસ્વસ્થ થઇ જાઉં છું. વિચારું છું કે, શું આ દિવસ માટે જ તેની શોધ કરી હતી? વિચાર્યું પણ ન હતું કે, લોકો મોબાઇલનો આટલો ઉપયોગ કરશે.’ આ શબ્દો છે મોબાઈલના જનક માર્ટિન કૂપરના. ત્રીજી એપ્રિલે આ શોધને 50 વર્ષ પૂરા થયા છે તે પ્રસંગે 94 વર્ષીય કૂપર કહે છે કે, લોકો જરૂર કરતાં વધુ મોબાઇલનો ઉપયોગ કરે છે, જે મોટી સમસ્યા છે. તે આરોગ્ય માટે પણ ખતરનાક છે. કેટલાક લોકો તો આખો દિવસ મોબાઇલ પાછળ વીતાવે છે, જે દુઃખદ છે. વાંચો આ ટેક્નોલોજી અંગે માર્ટિન કૂપરના કેટલાક મહત્ત્વના વિચારો...
મોબાઇલ શરીર સાથે સેન્સરથી જોડાયેલા રહેશે, બીમારી અંગે પહેલા જ જાણી લેશે
‘રસ્તો ઓળંગતી વખતે પણ કેટલાક લોકો સેલફોન પર વાત કરે છે. આવા લોકોને જોઉં છું ત્યારે અસ્વસ્થ થઇ જઉં છું. આવા લોકોને કોઇ માહિતી હોતી નથી. તેઓ કોઇ બીજી જ દુનિયામાં રાચતા હોય છે. કેટલાક તો અકસ્માતનો ભોગ પણ બને છે. મારા પરિવારમાં પૌત્ર કે બીજું કોઈ ફોનનો વધુ પડતો ઉપયોગ કરે છે, ત્યારે પણ હું હેરાન થઈ જાઉં છું.
હું એપલ વોચ પહેરું છું. આ ઉપરાંત હું હાઇ એન્ડ આઇફોનનો ઉપયોગ કરું છે. ઇમેલ, ફોટો, યુટ્યૂબ અને હિયરિંગ એડનો સરળતાથી ઉપયોગ કરું છું. લેટેસ્ટ મોડલને અપડેટ કરવા માટે હમેશા તૈયાર રહું છું અને તેનું ટેસ્ટિંગ પણ કરું છું. ક્યારેક વધુ એપ્સ હોવાથી તકલીફ પડે છે.
આજે સેલફોન લોકોના એક્સટેન્શન તરીકે કામ કરે છે. તે ઘણાં બધાં કામ કરે છે છતાં હજુ આપણે બિલકુલ શરૂઆતમાં છીએ. મોબાઇલ ફોન શું શું કરી શકે છે તે દિશામાં વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે.
ભવિષ્યમાં આશા રાખી શકાય છે કે સેલફોન શિક્ષણ અને આરોગ્ય સેવામાં ક્રાંતિ લાવશે. જે રીતે રિસ્ટ વોચ હાર્ટરેટ અને ફોન સાંભળવાનાં ડિવાઇસને મોનિટર કરે છે, તેવી જ રીતે એક દિવસ ફોન શરીર સાથે સેન્સરથી જોડાયેલા રહેશે. તેના કારણે કોઇ પણ બીમારી અંગે અગાઉથી જ માહિતી મળી જશે. ભવિષ્યમાં હજુ વધારે ક્રાંતિકારી પરિવર્તન આવશે. હાલ મોબાઇલને લઇને કેટલીક બાબતો તરફ ધ્યાન અપાઈ રહ્યું નથી. જોકે આ ટ્રેન્ડ પણ વધુ લાંબો સમય નહીં ચાલે.
દરેક પેઢી અગાઉની પેઢી કરતાં વધારે સ્માર્ટ બની રહી છે. આ સ્થિતિમાં સેલફોનનો અસરકારક ઉપયોગ કઇ રીતે કરાય તે બાબત લોકો શીખશે. હું દિવસના કુલ સમયના ફક્ત પાંચ ટકા સમય જ મોબાઇલ પાછળ વીતાવું છું.
તમામ લોકો સારી રીતે જાણે છે કે એક દિવસ તમામ લોકો પાસે મોબાઇલ હશે. નવી ટેક્નોલોજી હંમેશા પડકારો સર્જે છે. શરૂઆતમાં ટેલિવિઝનને પણ લોકોમાં આવો જ ઉત્સાહ હતો. બાદમાં ધીમે ધીમે તેના ઉપયોગને લઇને માપદંડ નક્કી થવા લાગ્યા અને મોબાઇલના ઉપયોગમાં પણ આવી સ્થિતિ સર્જાશે.’

