યુકેના વિભાજન મુદ્દે સુનાક અને હમઝા સામસામે

Wednesday 05th April 2023 05:55 EDT
 

ઇતિહાસનું હંમેશા પુનરાવર્તન થાય છે. ભારતનું વિભાજન કરનારા બ્રિટનના સામ્રાજ્યવાદીઓ, 1947માં યુકેના વડાપ્રધાન રહેલા ક્લેમેન્ટ એટલી અને તે સમયે ભારતના વાઇસરોય માઉન્ટબેટને ભાગ્યે જ એવી કલ્પના કરી શકે કે ભારતના વિભાજનના 75 વર્ષ બાદ એવી પણ સ્થિતિ સર્જાશે જ્યારે યુનાઇટેડ કિંગ્ડમના વિભાજન પર ગંભીર ચર્ચા થતી હશે. ઇતિહાસે એવી કરવટ બદલી છે કે યુનાઇટેડ કિંગ્ડમના વિભાજનને રોકવાની જવાબદારી એક ભારતીય મૂળના નેતા અને વિભાજનને અંતિમ સ્વરૂપ આપવાની જવાબદારી એક પાકિસ્તાની મૂળના નેતાના હાથમાં છે. ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ બાદ આજે યુકેના વિભાજનનો વિરોધ કરતા બ્રિટનના વડાપ્રધાન ભારતીય મૂળના રિશી સુનાક છે જ્યારે યુકેથી અલગ થવાની માગ કરી રહેલા સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર પદે પાકિસ્તાની મૂળના હમઝા યુસુફ ચૂંટાઇ આવ્યા છે. યુકેમાં સ્કોટલેન્ડને બ્રિટનથી અલગ કરીને સ્કોટલેન્ડને અલગ દેશ જાહેર કરવાની માગ ઘણા લાંબા વર્ષોથી થતી આવી છે. હમઝા યુસુફ સ્વતંત્ર સ્કોટલેન્ડના જોરદાર હિમાયતી રહ્યાં છે અને તેમણે એસએનપીના નેતાપદની ચૂંટણીમાં આ મુદ્દાનો ઘણો ઉપયોગ કર્યો જેના કારણે એસએનપીના સભ્યોએ તેમને નેતાપદે ચૂંટી કાઢ્યા હતા. જોકે બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક સ્વતંત્ર સ્કોટલેન્ડની રચનાના જોરદાર વિરોધી રહ્યાં છે. તેમણે સ્કોટલેન્ડની સ્વતંત્રતાની માગને ફગાવી દીધી છે. આમ હવે જે યુકેએ અખંડ ભારતને વિભાજિત કરીને ધર્મને આધારે ભારત અને પાકિસ્તાનની રચના કરી તે જ યુકેના વિભાજનના મુદ્દે ભારતીય અને પાકિસ્તાની મૂળના નેતાઓ જ સામસામે છે. વિધિની વક્રતા ગણો કે ભાગ્યના ખેલ. ઇતિહાસ હંમેશા પુનરાવર્તન કરે છે તે નક્કી છે... યુકેના વિભાજન અંગેનો નિર્ણય લેવાશે ત્યારે ખરો પરંતુ આ નિર્ણયની બાગડોર રિશી સુનાક અને હમઝા યુસુફના હાથમાં છે. બ્રિટિશરોએ જે ભારત અને પાકિસ્તાનની રચના કરી તે જ ધરતીના બે નેતાઓ આજે યુકેના વિભાજન અંગે સામસામે છે.


comments powered by Disqus