વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણે સહુ જાણીએ છીએ કે વ્યક્તિથી સમાજ બને છે, અને આ સમાજને એકતાંતણે બાંધી રાખવાનું કામ કરતી હોય છે સંસ્થા. જોકે આવું ત્યારે જ શક્ય બનતું હોય છે જ્યારે સંસ્થા ખરા અર્થમાં સક્રિય હોય, ચેતનવંતી હોય. સંસ્થા ભલે વ્યક્તિથી બનતી હોય, પરંતુ કોઇ વ્યક્તિ સંસ્થાથી મોટી બનવા હવાતિયાં મારવા લાગે છે ત્યારે સંસ્થાનું પતન શરૂ થતું હોય છે. સહુ કોઇએ યાદ રાખવું રહ્યું કે સંસ્થા જ વધુ ઉપયોગી હોય છે, મહાન હોય છે, વ્યક્તિ નહીં.
આમ તો દરેક સમાજમાં સંસ્થાનું આગવું મહત્ત્વ હોય છે, પરંતુ માદરે વતન છોડીને હજારો માઇલ દૂર દરિયાપારના દેશમાં વસેલી વ્યક્તિ માટે સંસ્થાનું સવિશેષ મહત્ત્વ હોય છે. સંસ્થાઓ તેમના માટે અન્યો સાથેના સંબંધ-સંપર્ક માટે સેતુરૂપ બનતી હોય છે. પછી આ સંસ્થા ધાર્મિક હોય, કોઇ સંપ્રદાયની હોય, કોઇ ગામ - ગોળની હોય, જ્ઞાતિની હોય, સમાન વ્યવસાય ધરાવતા લોકોની હોય કે પછી અન્ય કોઇ ઉદ્દેશથી તે રચાઇ હોય. દરેક સંસ્થાનો હેતુ કે ઉદ્દેશ એક જ હોય છે - સભ્યોના સર્વાંગી વિકાસનો. સ્વાભાવિક છે કે કોઇ વ્યક્તિનો સમૂહ એક સાથે એકમેકના સહયોગમાં કોઇ એક નિશ્ચિત માર્ગે આગળ ધપે, તેને યોગ્ય પ્રેરણા - પ્રોત્સાહન મળે તો વિકાસ વાસ્તવિક બને છે, નક્કર બને છે.
બ્રિટનમાં દસકાઓથી વસતાં ગુજરાતી સમાજમાં છેલ્લાં 50-60 વર્ષમાં સંખ્યાબંધ સંસ્થાઓ શરૂ થઇ. આવી સંસ્થાઓની નોંધણી રાખતા કમિશન ફોર રેસિયલ ઇક્વાલિટી (CRE)એ 1988માં એક યાદી બહાર પાડી હતી તેના આંકડા અનુસાર બ્રિટનમાં ગુજરાતીભાષી લોકોની 600થી વધુ સંસ્થાઓ વિદ્યમાન હતી. તે વેળા CRE અને લોકલ કાઉન્સિલ દ્વારા અમુક માપદંડોને ધ્યાનમાં રાખીને જે તે સંસ્થાઓને સારી એવી આર્થિક સહાય પણ અપાતી હતી. આથી એક બહોળો વર્ગ એવું પણ માનતો હતો કે અમુક લોકોએ તો સરકારી સહાયની ‘રોકડી’ કરવા જ સંસ્થા શરૂ કરી છે.
વાચક મિત્રો, આપ સહુએ પણ અનુભવ્યું હશે કે મોટા ભાગની સંસ્થાઓ માત્ર કાગળ પર જ કામ કરી રહી છે, તો ઘણી સંસ્થાઓ મરવાના વાંકે જીવી રહી છે. આમ થવાના એક નહીં, અનેક કારણો છે.
જેમ કે, નવાસવા આ દેશમાં આવી વસ્યા હોઇએ એટલે સગાં-સ્વજનો-પરિચિતોનો ખાલીપો વર્તાતો હોય. આમાં કંઇક નવું કરવાનો ઉમંગ અને જુસ્સો ઉમેરાય એટલે સંસ્થાની સ્થાપના થાય. સમયના વહેવા સાથે વ્યક્તિ પોતાના નોકરી-કામધંધામાં ઓતપ્રોત થાય એટલે એક તરફ વ્યસ્તતા વધી હોય અને બીજી તરફ, આરંભે શૂરાનો જુસ્સો પણ ઓસર્યો હોય એટલે સંસ્થાનું કામકાજ કોરાણે મૂકાતું જાય. તો વળી કેટલાક કિસ્સામાં વ્યક્તિને નેતા બની જઇને સમાજમાં છવાઇ જવાના ઓરતાં જાગતાં હોય છે. પોતાના આ ‘શોખ’ને સંતોષવા યેનકેન પ્રકારેણ સંસ્થાનું સુકાન સંભાળી તો લે છે, પણ પછી સંસ્થાનું જ નહીં, સભ્યોના હિતોનું પણ નખ્ખોદ કાઢે છે.
કેટલાક વળી એવા ભ્રમમાં રાચતા હોય છે તેમના જેવું કોઇ હોંશિયાર નથી. આથી તેઓ એક સાથે ત્રણ-ચાર સંસ્થાની ‘ટોપી’ પહેરી લે છે, પણ પછી એકેય સંસ્થાને સમય ફાળવી શકતા નથી. એકેય સંસ્થાના કામને ન્યાય આપી શકતા નથી. આમ છતાં તેઓ તો એવા જ ખયાલમાં રાચતા હોય છે કે પોતે સમાજની સેવા કરી રહ્યા છે. જ્યારે હકીકત એ હોય છે કે સમાજની સેવાના બદલે નુકસાન થતું હોય છે. ટૂંકમાં, આવાં બની બેઠેલાં નેતાઓ પાસે વિઝન નથી હોતું, સમય નથી હોતો, બુદ્ધિબળ નથી હોતું, સંઘબળ નથી હોતું. ટૂંકમાં કહીએ તો, તેમની પાસે સંસ્થાના હોદ્દા સિવાય કંઇ નથી હોતું.
માત્ર કાગળ પર કાર્યરત આવી સંસ્થા કંઇ કામની નથી હોતી. તેનાથી સંસ્થાને લાભ કરતાં નુકસાન વધુ થતું હોય છે. સંસ્થા કોઇ પણ હોય હોદ્દેદારોએ તેની સ્થાપના પાછળના હેતુ અને લક્ષ્યને હંમેશા નજરમાં રાખવા જોઇએ. વાચક મિત્રો, સારામાં સારી સંસ્થા પણ હિસાબકિતાબમાં ચોકસાઇના અભાવે નિષ્ફળ બની જતી હોય છે. અત્યારે આપણા સમાજની જીવંત - જાગ્રત - સક્રિય અને શાનદાર સંસ્થાઓની યાદી બનાવશો તો જણાશે કે આંગળીના ટેરવે ગણી શકાય તેટલી સંસ્થાઓ માંડ બચી છે.
અને સમાજના હિત માટે સદૈવ સક્રિય સંસ્થાઓની વાત કરીએ છીએ ત્યારે રઘુવંશીઓને એકતાંતણે બાંધતી શ્રી લોહાણા મહાપરિષદનો ઉલ્લેખ કરવો જ રહ્યો. આ જ્ઞાતિ સંગઠને પોતાના સમાજના સર્વગ્રાહી વિકાસ માટે કરેલા પ્રયાસોથી કોણ અજાણ છે? આનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે તાજેતરમાં યુગાન્ડાના કંપાલામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમિટ. આપ સહુએ આ અંગે છેલ્લા ત્રણ-ચાર સપ્તાહમાં ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceમાં પ્રકાશિત વિગતવાર અહેવાલો વાંચ્યા જ હશે.
આ LIFB-2023 (લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ)માં શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઇ વિઠ્ઠલાણીથી માંડીને દુનિયાભરમાંથી રઘુવંશીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. ઉત્સાહ એટલે કેવો?! 250-300 લોકોની ઉપસ્થિતિની ધારણા સામે 750થી વધુ લોકોએ ભાગ લીધો હતો. શાનદાર સમારોહમાં યુગાન્ડાના પ્રમુખ મુસેવિની, ઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર એવલીન એનેટથી માંડીને ટોચના નેતાઓએ હાજર રહ્યા અને લોહાણા સમુદાયને આફ્રિકામાં મૂડીરોકાણ માટે આમંત્રણ આપ્યું. આ સમિટમાં હાજરી આપનાર સભ્યોએ તેમનું સામાજિક અને વ્યાવસાયિક નેટવર્ક વિસ્તાર્યું. સહુ કોઇના ભવિષ્ય માટે નક્કર આયોજન થયું. LIFBમાં ભાગ લેનાર એકેએક વ્યક્તિ કંઇક પામ્યાની અનુભૂતિ સાથે પોતાના વતન પરત ફરી. કેવા વિઝનરી આયોજકો, અને કેવું ભવ્ય આયોજન...
આપણા ગુજરાતી સમાજના સહુ સભ્યોને તેમાંય વળી જે હાલમાં કે અગાઉ સંસ્થામાં હોદ્દા સંભાળી ચૂક્યા છે તેમને વિનંતી છે કે મહેરબાની કરીને - પ્રમાણિકપણે તપાસ કરો કે તમે જે કામ કર્યું છે કે કરી ચૂક્યા છો તે ખરેખર સમાજના સર્વગ્રાહી હિતમાં તો છેને? કોઇ પણ સમાજના વિકાસ માટે સંસ્થા જરૂરી જ નહીં, અનિવાર્ય છે, પરંતુ જો તે પ્રાણવાન હોય તો જ.
વાચક મિત્રો, મેં એક વાત એ પણ નોંધી છે કે શીખ - દાઉદી વ્હોરા - ઇસ્માઇલી ખોજા - ઇસ્નાસરી મુસ્લિમ - પારસી સમુદાયની વસ્તી (અન્યોના) પ્રમાણમાં ઓછી છે, પરંતુ આ સમાજની સંસ્થાઓ પોતાના સભ્યોના સર્વાંગી વિકાસ માટે ખૂબ સક્રિય જોવા મળે છે. આવી સંસ્થાઓ ખરા અર્થમાં સમાજમાં ઉપયોગી બની રહેતી હોય છે. આજે તમે જ કહો ગુજરાતી કે હિન્દુ સમાજની કઇ અને કેટલી સંસ્થાને આપણે આવી ગૌરવપ્રદ ગણી શકીએ. આપ સહુ વાચક મિત્રોને આપના અનુભવ લખી જણાવવા આમંત્રણ છે. (ક્રમશઃ)

