ભારતની સૌથી મોટી પ્રાઇવેટ બેન્ક અને દેશની સૌથી મોટી હોમલોન આપનારી કંપની હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશનનું તાજેતરમાં જ મર્જર કરાયું. આ સાથે જ એચડીએફસી માર્કેટ કેપની દ્રષ્ટિએ જેપી મોર્ગન ચેઝ, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇના, બેન્ક ઓફ અમેરિકા પછીની વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી બેન્ક તરીકે ઉભરી આવી છે. આ મર્જરનો સૌથી પહેલો લાભ તો બંને કંપનીને જ થવાનો છે. એચડીએફસીના 70 ટકા ગ્રાહકો એચડીએફસી બેન્કમાં ખાતુ પણ ધરાવતા નથી. હવે એચડીએફસી બેન્ક એચડીએફસીના આ ગ્રાહકો સુધી સીધી પહોંચી શકશે. તેવી જ રીતે એચડીએફસી બેન્કના 7 કરોડ 10 લાખ ગ્રાહકો છે તેમાંથી ફક્ત બે ટકા જ એચડીએફસીની મોર્ગેજ યોજનાઓનો લાભ લઇ રહ્યાં હતાં પરંતુ હવે એચડીએફસી બેન્કના ગ્રાહકો સુધી એચડીએફસીની મોર્ગેજ યોજનાઓ સીધી પહોંચાડી શકાશે. આ મર્જરના કારણે બંને કંપનીઓની સેવાઓ અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો બહોળો વિસ્તાર કરી શકાશે. આંતરરાષ્ટ્રીયસ્તરે પણ આ મર્જરનો મોટો લાભ થઇ શકે છે. અત્યાર સુધી એચડીએફસી બેન્ક એમએસસીઆઇ ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં સામેલ નહોતી પરંતુ આ મર્જર બાદ ઇન્ડેક્સમાં તેનો સમાવેશ શક્ય બનશે. મર્જર બાદ બનેલી નવી કંપની ભારતીય બેન્કિંગ સેક્ટરમાં મૂડીરોકાણ કરવા ઇચ્છતા ગ્લોબલ રોકાણકારો માટે ફાસ્ટ ગ્રોઇંગ ઓપર્ચ્યુનિટી પૂરવાર થઇ શકે છે. આ ઇન્ડેક્સમાં સમાવેશ બાદ એચડીએફસી બેન્કને ઘણા નવા રોકાણકાર મળી શકે છે. આમ આ મર્જર ભારતમાં આવતા વિદેશી રોકાણોમાં વધારો કરશે. મૂડીરોકાણ આવતાં ભારતમાં મોર્ગેજ યોજનાઓમાં વધારો થશે જે રિઅલ એસ્ટેટ સેક્ટરમાં નવા પ્રાણ પૂરી શકે છે. રિઅલ એસ્ટેટમાં વેગ આવતાં રોજગારમાં વધારો થવાની સાથે સાથે સિમેન્ટ, સ્ટીલ સહિતના અન્ય સેક્ટરો પણ પ્રગતિના પંથે આગળ વધી શકે છે. આમ એચડીએફસી મર્જર ભારતના અર્થતંત્ર માટે વિન વિન પોઝિશન લાવી શકે છે.
