એનએચએસની સર્જરી કરવાની સુનાકની યોજના પર મદાર

Wednesday 05th July 2023 05:51 EDT
 

એનએચએસના ખસ્તાહાલ કોઇથી છૂપા નથી. કોરોના મહામારી બાદ એનએચએસની કટોકટી વિકરાળ બની છે. લાખો દર્દીઓ સારવાર માટે લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં છે. પડ્યા પર પાટુ સમાન એનએચએસમાં છાશવારે પડતી હડતાળો સ્થિતિને વધુ ગંભીર બનાવી રહી છે ત્યારે વડાપ્રધાન રિશી સુનાક દ્વારા એનએચએસને બેઠી કરવા માટે 15 વર્ષીય યોજનાની જાહેરાત કરાઇ. એનએચએસમાં સૌથી મોટી સમસ્યા કર્મચારીઓની અછત છે. આ સમસ્યાના ઉકેલ માટે રિશી સુનાકની સરકારે 60,000 ડોક્ટર, 1,70,000 નર્સ અને 71,000 પેરામેડિકલ સ્ટાફની ભરતી કરવાની યોજના જાહેર કરી છે. તે ઉપરાંત સ્ટુડન્ટ ડોક્ટર માટેની મેડિકલ સ્કૂલ બેઠકો બમણી કરવા, જુનિયર ડોક્ટર માટેની પી ટ્રેઇની બેઠકો 50 ટકા વધારવા, દર વર્ષે નર્સ અને મીડવાઇફ સ્ટુડન્ટની સંખ્યા 24000 જેટલી વધારવા, નર્સિંગ એસોસિએટ્સ અને ફિઝિશિયન એસોસિએટ્સની ટ્રેનિંગ બેઠકોમાં વધારા જેવા સંખ્યાબંધ નિર્ણયો જાહેર કરાયાં છે. પરંતુ આ બધુ હજુ પાશેરામાં પહેલી પૂણી જેવું છે. આ નિર્ણયોનો અમલ આગામી 15 વર્ષમાં તબક્કાવાર રીતે થવાનો છે તેથી એનએચએસની સ્થિતિમાં રાતોરાત કોઇ બદલાવ આવી જાય તેવી કોઇ સંભાવના હાલપુરતી તો દેખાતી નથી. રિશી સુનાક પાસે આગામી સંસદની ચૂંટણી પહેલાં હવે એક વર્ષનો માંડ સમય રહ્યો છે ત્યારે આટલા સમયમાં તેઓ એનએચએસની કેવી કાયાપલટ કરી શકે છે તે જોવું રહ્યું. ઇરાદા સારા હોય પરંતુ તેની અમલવારી કેવી રીતે થાય છે તેના પર પરિણામનો આધાર રહેલો છે. હાલ એનએચએસની જે સ્થિતિ છે તે જોતાં એમ લાગી રહ્યું છે કે સમસ્યા હાલ પુરતી તો ઉકેલાવાની કોઇ સંભાવના દેખાતી નથી. આશા રાખીએ કે સુનાકની 15 વર્ષીય યોજનાના પરિણામ પહેલા વર્ષથી જ દેખાવના શરૂ થાય તો દર્દીઓની હાલાકીમાં થોડો ઘણો ઘટાડો થશે.


comments powered by Disqus