ફ્રાન્સમાં મુસ્લિમ કિશોરની હત્યા બાદ રમખાણોઃ 3354 તોફાની તત્ત્વોની ધરપકડ

Wednesday 05th July 2023 09:03 EDT
 
 

પેરિસઃ ફ્રાન્સમાં 17 વર્ષના મુસ્લિમ છોકરાની ટ્રાફિક પોલીસ જવાને હત્યા કરી તે પછી હિંસા ફાટી નીકળી છે. અસંખ્ય વાહનો અને સરકારી ઈમારતોને આગ લગાવી દેવામાં આવી છે. સતત છ દિવસ સુધી હિંસાના બનાવો બન્યા હતા. જો કે હાલની સ્થિતિમાં હિંસાની ઘટનાઓ ઘટી છે. દરમિયાન વધુ 157ની ધરપકડ કરવામાં આવી હતી. હિંસાના આરોપ હેઠળ અત્યાર સુધીમાં 3354 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
પેરિસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતાં પોલીસે કરેલા ગોળીબારમાં 17 વર્ષના છોકરા નાહેલનાં મૃત્યુ પછી શહેરમાં વ્યાપક હિંસા અને તોફાનો ફાટી નીકળ્યાં છે. આ તોફાનો દરમિયાન પેરિસના ઉપનગર સ્થિત મેયરના ઘરને લોકોએ સળગતી મોટર ધકેલી દઈ આગ લગાવી દીધી હતી. આ ઘટનાથી મેયરની પત્ની અને પુત્રી પર જીવનું જોખમ સર્જાયું હતું.
કાબૂ બહાર જઈ રહેલાં રમખાણોને પગલે નાહેલનાં દાદી નાદીયાએ અસામાન્યતઃ તોફાને ચઢેલા રમખાણકારોને શાંતિ રાખવા અનુરોધ કર્યો હતો. તેઓએ કહ્યું, ''બારીઓના કાચ ન ફોડશો, બસો ન સળગાવશો કે શાળાઓ પર હુમલા ન કરશો. મારો પૌત્ર તો હવે પાછો ફરવાનો નથી, પરંતુ દેશને આગ હવાલે ન કરશો'' જે ઓફિસરે ગોળી મારી છે તેના ઉપરનો મારો ગુસ્સો છે જ, પરંતુ તેથી સમગ્ર પોલીસ તંત્રને વખોડવું યોગ્ય પણ નથી.
છઠ્ઠા દિવસે હિંસાના બનાવોની તીવ્રતા ઘટી હતી, તેમ છતાં આગજનીના બનાવો બન્યા હતા. વધુ 300 વાહનોને આગ હવાલે કરાયા હતા અને 35 બિલ્ડિંગો પણ સળગાવાઈ હતી.


comments powered by Disqus