ભારતીય રાજનીતિમાંથી પરિવારવાદ નાબૂદ કરવાની જરૂર

Wednesday 05th July 2023 05:49 EDT
 

રાજનીતિમાં પરિવારવાદના પાપે ભારતમાં ક્યારેય લોકશાહી પરિપક્વ બની જ શકી નથી. 1947 પહેલાંનો ભારત 539 જેટલાં રજવાડામાં વિભાજિત હતો. આ રજવાડાંમાં જે રીતે રાજાના વારસો રાજગાદી પર આરૂઢ થતાં તેવી જ સ્થિતિ દેશ આઝાદ થયાના 75 વર્ષ થયાં હોવા છતાં યથાવત રહી છે. ફરક માત્ર એટલો છે કે આઝાદી પહેલાં રજવાડાંમાં રાજવી વારસો ગાદીના ઉત્તરાધિકારી બનતાં અને સ્વતંત્ર ભારતમાં રાજકીય નેતાઓના સંતાનો જ લોકશાહીમાં તેમના ઉત્તરાધિકારી બને છે. ગયા સપ્તાહમાં મહારાષ્ટ્રમાં પ્રાદેશિક પાર્ટી એનસીપીમાં ભત્રીજાએ કાકા સામે બળવો પોકારી વિરોધી ભાજપ અને શિવસેના(એકનાથ) સાથે હાથ મિલાવી લીધા. થોડા સમય પહેલાં એનસીપી સુપ્રીમો શરદ પવારે તેમની પાર્ટીની કમાન દીકરી સુપ્રિયા સૂલેના હાથમાં સોંપવાની જાહેરાત કરી ત્યારે જ ભત્રીજા અજિત પવારના બળવાના બીજ રોપાઇ ગયાં હતાં. ભારતીય રાજનીતિમાં પરિવારવાદ કોઇ નવી બાબત નથી. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ દીકરી ઇન્દિરા ગાંધીને સતત પોતાની રાજકીય વારસ તરીકે પ્રોજેક્ટ કર્યાં હતાં. ત્યારપછીનો ઇતિહાસ જગજાહેર છે. આજે પણ કોંગ્રેસ પર ગાંધી પરિવારનો દબદબો એટલો બધો છે કે તેમના ઇશારા વિના પાર્ટીમાં કોઇ ચૂં કે ચાં પણ કરતું નથી. આવી જ સ્થિતિ અન્ય રાજકીય પાર્ટીઓની પણ છે. ઉત્તરપ્રદેશમાં મુલાયમપુત્ર અખિલેશ યાદવ, બસપા સુપ્રીમો માયાવતીનો ભત્રીજો આકાશ આનંદ, પ.બંગાળમાં મમતા બેનરજીનો ભત્રીજો અભિષેક બેનરજી, બિહારમાં લાલુ યાદવનો પુત્ર તેજસ્વી યાદવ, તામિલનાડુમાં એમ. કરૂણાનિધિના પુત્ર એમ કે સ્ટાલિન, મહારાષ્ટ્રમાં બાલ ઠાકરેનો પુત્ર ઉદ્ધવ ઠાકરે અને ભત્રીજો રાજ ઠાકરે વગેરે વગેરે નેતા-સંતાનો લોકશાહીની આડમાં પોતાના રજવાડાં ચલાવી રહ્યાં છે. ભાજપ પણ તેમાં અછૂતો નથી. ભાજપના પણ ઘણા નેતાઓના સંતાનો અત્યારે રાજનીતિમાં સક્રિય છે. આઝાદીનો અમૃતકાળ આવી ગયો છતાં રાજનીતિમાં પરિવારવાદના આ પાપના કારણે જ ભારતમાં લોકશાહી પરિપક્વ બની શકી નથી. નેતાઓ અને તેમના સંતાનો તથા પરિવારજનોમાં સત્તાભૂખ એટલી હદે વકરી છે કે હવે તેઓ પોતાના જ સ્વજનોની સામે બંડ પોકારતા પણ ખચકાતાં નથી. આવી સ્થિતિ રજવાડાંમાં પણ રહી હતી જ્યારે ગાદી માટે પોતાના જ પરિવારજનોના લોહી વહેવડાવવામાં આવતાં હતાં. રાજકીય પરિવારોની સત્તાલાલસા દેશમાં યોગ્ય લોકતાંત્રિક નેતાઓની અછત સર્જીને બેઠી છે. આજે ભારતને સરદાર વલ્લભભાઇ પટેલ, લાલ બહાદૂર શાસ્ત્રી જેવા નેતાઓની જરૂર છે જેમણે પોતાના પરિવારોને રાજનીતિથી દૂર રાખ્યાં. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના કોઇ પરિજનને રાજનીતિમાં લાવી રહ્યાં નથી પરંતુ આવા એકલદોકલ નેતાથી કશું વળવાનું નથી. ભારતીય રાજનીતિમાંથી પરિવારવાદ જડમૂળથી ખતમ કરવાની તાતી જરૂર છે.


comments powered by Disqus