2024માં ભારતમાં લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલાં સત્તાની સેમી ફાઇનલ સમાન પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયાં જેમાં હિન્દી બેલ્ટના 3 મહત્વના રાજ્યોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે વિજયની પતાકા લહેરાવતાં 2024ની ફાઇનલમાં જીતનો દાવો ઠોકી દીધો છે. મધ્યપ્રદેશમાં જંગી બહુમતી સાથે ભાજપે સત્તા પુનઃહાંસલ કરી છે તો રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારોને ઉખેડી ફેંકી છે. કોંગ્રેસને આશ્વાસન પેટે તેલંગણામાં સત્તા પ્રાપ્ત થઇ છે. ભાજપના આ વિજયનો અસલ શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપાઇ રહ્યો છે કારણ કે આ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ મોદીના ચહેરા સાથે જ મેદાનમાં ઉતર્યો હતો. અગાઉ કર્ણાટક અને હિમાચલપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મુખ્યમંત્રીપદ માટે કોઇ ચહેરાને મેદાનમાં ઉતાર્યાં નહોતાં. આ પ્રયોગમાં ભાજપને નિષ્ફળતા મળી હતી તેમ છતાં આ વખતે પણ ભાજપે મુખ્યમંત્રીપદ માટે કોઇ ચહેરા રજૂ નહીં કરીને વડાપ્રધાન મોદીના ચહેરા પર જ ચૂંટણી લડવાનો દાવ અજમાવ્યો અને તેમાં તેને મોટી સફળતા પણ હાંસલ થઇ છે. આ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમની સરકારની સિદ્ધીઓ, જી-20 સમિટના સફળ આયોજન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના વધેલા કદ, ચંદ્રયાન-3ની સફળતા, રામ મંદિર નિર્માણ અને વિપક્ષ દ્વારા સનાતન ધર્મના કથિત અપમાન જેવા મુદ્દાઓ જોરશોરથી ઉઠાવ્યા અને વિજય પતાકા લહેરાવી તેથી આ જીતનો તમામ શ્રેય નરેન્દ્ર મોદીના નામે જ થશે એ વાતમાં કોઇ શંકા નથી. બીજીતરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારમાં મોહબ્બતની દુકાન ખોલીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં પરંતુ હિન્દી બેલ્ટના મતદારોએ જાણે કે રાહુલ ગાંધીની દુકાનનું શટર પાડી દીધું છે. રાહુલ ગાંધી મોહબ્બતની દુકાનની વાત કરી ભાજપને નફરત ફેલાવનાર પાર્ટી ગણાવે છે પરંતુ તેમના દ્વારા જ પીએમ મોદી માટે પનોતી શબ્દનું ઉચ્ચારણ કરાયું જેણે તેમની દુકાનનું શટર પાડી દેવામાં મોદીને મદદ કરી. નરેન્દ્ર મોદી તેમના પર થતા અંગત હુમલાના મુદ્દા ચગાવવામાં માહેર છે. આ પહેલાં પણ કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા પીએમ મોદી પર અંગત હુમલા કરાયા ત્યારે તેમણે સહાનુભૂતિની લહેર ઊભી કરવામાં સફળતા મેળવી હતી.
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના પરિણામ પર નજર નાખીએ તો કોંગ્રેસને ઓબીસી અને આદિવાસી મતદારોએ જાકારો આપ્યો હોય તેમ લાગે છે. બિહારમાં નિતિશકુમારની સરકારે જાતિ આધારિત વસતી ગણતરી કરાવી અને તેમાં આંકડા સામે આવ્યા કે ઓબીસીની વસતી 63 ટકા પર પહોંચી ગઇ છે ત્યારે કોંગ્રેસે ફરી એકવાર ઓબીસીને પોતાની તરફ કરવા જાતિ આધારિત વસતી ગણતરીનું તિકડમ વિધાનસભાની ચૂંટણીમાં રજૂ કર્યું પરંતુ કોંગ્રેસના આ જાતિવાદી મુદ્દા સામે પીએમ મોદીએ દેશમાં ફક્ત ગરીબ, યુવા, મહિલા અને ખેડૂત એમ ચાર જ જાતિ હોવાની મતદારો સમક્ષ રજૂઆત કરીને કોંગ્રેસના દાવને વિભાજનકારી માનસિકતા ગણાવ્યો. આમ કોંગ્રેસના ઓબીસી કાર્ડને પછડાટ આપવામાં ભાજપને સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે. તેવી જ રીતે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં 2018ની ચૂંટણીમાં ભાજપથી મોં ફેરવી લેનારા આદિવાસી મતદારોને ભાજપના પાલામાં પરત લાવવામાં પણ વડાપ્રધાન મોદી સફળ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.
આ સાથે બિહાર અને હિમાચલપ્રદેશને બાદ કરતાં ઉત્તર ભારતના હિન્દી બેલ્ટમાં ભાજપ સત્તારૂઢ થઇ ચૂક્યો છે પરંતુ દક્ષિણ ભારતના દ્વાર ભાજપ માટે બંધ થઇ ગયાં છે. બીજીતરફ દક્ષિણ ભારતમાં કોંગ્રેસનું જોર વધ્યું છે તેમ કહી શકાય. હવે કર્ણાટક બાદ તેલંગણામાં પણ કોંગ્રેસની સરકાર રચાઇ રહી છે. તેમ છતાં રાષ્ટ્રીય સ્તરે ભાજપનો સામનો કરવા માટે વિપક્ષ દ્વારા રચાયેલા ઇન્ડિયા ગઠબંધનમાં હવે કોંગ્રેસ ધાર્યું કરાવી શકશે નહીં. કર્ણાટક અને હિમાચલપ્રદેશમાં સત્તા મેળવ્યા બાદ કોંગ્રેસના હોંસલા બુલંદ હતા પરંતુ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મળેલી પછડાટ કોંગ્રેસના મનોબળ પર વિપરિત અસર કરશે. ઇન્ડિયા ગઠબંધનમાં પણ હવે કોંગ્રેસને નમતું જોખવુ પડશે. આગામી લોકસભાની ચૂંટણીની દ્રષ્ટિએ આ પરિણામો કોંગ્રેસની તબિયત માટે હાનિકારક પૂરવાર થઇ રહ્યાં છે.
આખરે તો કહે છે ને કે જો જીતા વોહી સિકંદર..... વડાપ્રધાન મોદીના ચહેરાનો જાદુ ફરી એકવાર ચાલી ગયો છે....
