તા. ૨૫-૨૬, શનિવાર અને રવિવાર બે દિવસ નવનાત વણિક એસોસિએશન યુ.કે.ના નવનાત ભવનના ૫૦ વર્ષની સીમાચિહ્નસમી ઉજવણીના પ્રસંગે સેન્ટરમાં ઉત્સાહ-ઉમંગભર્યો માહોલ છવાઇ ગયો હતો. સૌ નવનાતીઓના ચહેરા આનંદ અને ગૌરવથી છલકતાં હતાં. પરંપરાગત, રંગબેરંગી વસ્ત્રો અને અલંકારોથી સજ્જ બહેનો-ભાઇઓ-યુવાનોની વિશાળ હાજરીથી હોલ ખિચોખીચ ભરાઇ ગયો હતો.
સ્ટેજ સહિત સમગ્ર હોલની સજાવટ આંખે ઉડીને વળગે તેવી શાનદાર હતી. ઉજવણીની જાહેરાત થતા જ બે દિવસના કાર્યક્રમની ૧૦૦૦ ટિકિટો ચપોચપ વેચાઇ ગઇ હતી. બોલીવુડ ગીત-સંગીત-નૃત્ય-નાટક સભર સાંસ્કૃતિક કાર્યક્રમમાં ‘માય નેમ ઇસ નવનાત’ નૃત્યે સૌનું આકર્ષણ જમાવ્યું હતું. નવનાતની સ્થાપના બાદ ભગિની, વડિલ મંડળ, બ્રિજ ક્લબ, જલસા ગ્રુપ, સ્પોર્ટ્સ ક્લબ, નવનાત ન્યુ જનરેશન વગેરે શાખાઓ સમાજના અબાલવૃદ્ધોની જરૂરિયાતોને લક્ષમાં રાખી વિવિધ પ્રવૃત્તિઓ આદરે છે જેથી કૌટુંબિક ભાવનાને પુષ્ટિ મળે છે. આ બન્ને દિવસો દરમિયાન આનંદનો સાગર લહેરાયો હતો.
શનિવારે આમંત્રિત મહેમાનોની હાજરી:
કાઉન્સિલર મુહમ્મદ બટ્ટ, બ્રેન્ટ કાઉન્સિલર લીડર, કાઉન્સિલર રામજી ચૌહાણ, હેરોના મેયર, બ્રેન્ટના કાઉન્સિલર કૃપા શેઠ, કૃપેશ હિરાણી,લંડન એસેમ્બલી મેમ્બર ઓફ બ્રેન્ટ અને હેરો.
સ્વાદિષ્ટ લંચ માણ્યા બાદ હોલમાં સૌ પોતપોતાના સ્થાને ગોઠવાઇ ગયા.
આમંત્રિત મહેમાનોમાં હેઝ અને હાર્લિંગ્ટનના એમ.પી. જ્હોન મેકડોનેલ, હીર્લિંગ્ડન કાઉન્સિલના મેયર કાઉન્સિલર શહેરયાર અહમદ વલ્લાના, ભારતીય હાઇકમિશનના ડેપ્યુટી હાઇ કમિશ્નરશ્રી સુજીત ઘોષ, ભારતીય કાઉન્સિલર્સ, દાતાઓ, ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ના ચીફ એડિટર-પબ્લિશર શ્રી સી.બી.પટેલ અને ગ્રુપ એડિટર મહેશભાઇ લિલોરિયા, બધા જ જૈન સમાજના અગ્રણીઓ સહિત નવનાતના ભાઇબહેનોની હાજરીથી હોલની રોનક વધી ગઇ હતી. બન્ને દિવસનો શુભારંભ ઢોલીના ઢોલ ઢબૂકતા-ઢબૂકતા થયો હતો. પ્રાર્થના, દીપ પ્રાગટ્ય, ગણપતિ વંદના નૃત્ય તેમજ ભારતીય અને બ્રિટિશ રાષ્ટ્રગાનથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો.
સતત ૫૦ વર્ષ દરમિયાનની નવનાતના કમિટી સભ્યોનો સેવાભાવ, નિષ્ઠા, સમય, કૌશલ્ય અને ભારે જહેમત સફળ જર્નીના સ્તંભ સમા છે. નવનાત એટલે શું? એની પ્રવૃત્તિઓ, સામાજિક-ધાર્મિક પ્રસંગોની ઉજવણી, વિવિધ શાખાઓ વગેરેની…નાટકીય ઢબે રજુઆત બન્ને દિવસોએ સમાજના યુવા કાર્યકરો દ્વારા કરાઇ હતી. જેમાં મનોરંજન સહ નવનાતની પ્રવૃત્તિઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી.
હેઝ અને હાર્લિંગ્ટનના એમ.પી. જ્હોન મેકડોનેલે નવનાતને ૫૦ વર્ષની ઉજવણીના પ્રસંગે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, થોડાક વર્ષો પહેલા બ્રિટિશ એરવેઝ ક્લબની આ જગ્યા સેલ પર મૂકાઇ ત્યારે તેઓએ મારો સંપર્ક સાધ્યો અને મારો અભિપ્રાય માગ્યો. મેં કહ્યું, આ જગ્યા કોઇ કોમ્યુનિટીની સંસ્થાના હાથમાં જાય જેથી એનો સદુપયોગ થાય. મને કહેતા ગર્વ થાય છે કે આ જગ્યા માટે નવનાતે બીડ કર્યું અને એ પાસ થયું. આ જગ્યાને સુંદર બનાવી એનો સરસ ઉપયોગ તમારી કોમ્યુનિટી કરી રહી છે અને જરૂર પડ્યે સ્થાનિક કોમ્યુનિટીને ય મદદરૂપ થયેલ છે. તમારી સંસ્કૃતિની ઉજવણી સાથે સ્થાનિક સમાજને ય સમૃદ્ધિ બક્ષી છે. તમે નેશનલ અને ઇન્ટરનેશનલ ચેરિટીઓને ય સપોર્ટ કરો છો. તમે પોતે પણ કમાયા ને આ દેશનું ઋણ પણ અદા કરી રહ્યા છો. ભવિષ્યમાં પણ દરેક ક્ષેત્રે તમને સફળતા મળે એવી શુભેચ્છા.
હિર્લિંગ્ડન કાઉન્સિલના મેયરશ્રી કાઉન્સિલર શહેરયાર અહમદ વલ્લાનાએ અભિનંદન આપતાં જણાવ્યું કે, તમે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. તમારી સફળતાની ઉજવણી એ સાચા અર્થમાં કોમ્યુનિટીની એકતાની મિશાલ છે. તમારી ઉદારતા, સહકાર અને સેવા સરાહનીય છે. કોઇપણ જાતના ભેદભાવ વગર સૌનું આ સેન્ટર છે એવો ભાવ ઉભો કરવામાં તમારો ફાળો અનન્ય છે. સમાજમાં રોલ મોડેલ સમાન તમારી કોમ્યુનિટી છે. ૩૦૦,૦૦૦ હાર્લિંગ્ટનવાસીઓ તરફથી તમને હાર્દિક અભિનંદન.
ભારતીય હાઇ કમિશનના ડેપ્યુટી હાઇ કમિશ્નર શ્રી સુજીત ઘોષે નવનાતને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, તમે સમાજમાં ભારતીય સંસ્કૃતિને પુષ્ટિ આપવાનું અદ્ભુત કાર્ય કરી રહ્યાં છો. નવનાતે છેલ્લા બે વર્ષથી હાઇ કમિશન સાથે સહયોગ સાધી સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણીમાં એમની જગ્યા સાદર કરી ‘વસુધૈવ કુટુમ્બકમ્’ના મૂલ્યોનો પ્રચાર કર્યો છે. સમાજમાં શાંતિ, ખુશી, અને સમૃદ્ધિનો પ્રસાર કરવાનું બેનમૂન કામ તમે કરી રહ્યા છો. ભારત અને યુ.કે. વચ્ચે લિવિંગ બ્રિજ બન્યા છો.
નવનાતના પ્રેસિડેન્ટ શ્રી દિલીપભાઇ મીઠાણીએ સૌનું ભાવભીનું સ્વાગત કરતા અત્યંત હર્ષભેર જણાવ્યું કે, આપણી કોમ્યુનિટી અજોડ છે અને આજે આપણી સુવર્ણ જયંતિનો ઉત્સવ ઉજવવા ભેગાં મળ્યા છીએ. આપણામાંના ઘણાં પાંચ દાયકા અગાઉ ઇસ્ટ આફ્રિકાથી યુ.કે. નવી આશા અને ઉમંગભેર સ્થાયી થવા આવ્યા ત્યારે આપણી આર્થિક સદ્ધરતા ન હતી પરંતુ આપણો સમૃદ્ધિસભર સાંસ્કૃતિક વારસો, કૌટુંબિક મૂલ્યો અને મજબૂત કોમ્યુનિટી સ્પિરિટ તેમજ ઊંડે ઊંડે આસ્થા સહ સ્થળાંતર કર્યું હતું. શરૂઆતના વર્ષોમાં સંઘર્ષ કરવો પડશે એવી કટિબદ્ધતા સાથે નવી કેડી કંડારવાના મનોરથ લઇ આવ્યા હતા.
આપણે બધા એક જ નાવના સાથી હોવાથી એકબીજાના અનુભવોની આપ-લે કરી પ્રગતિના પંથે ચાલવાની સંપૂર્ણ સજાગતાના પરિણામે અત્રે આવી ૧૯૭૦ના દાયકામાં નવનાતનું પુનઃસર્જન કર્યું.
આપણે સખત પરિશ્રમ, પ્રયાસો અને બચતના રોકાણમાંથી, ઉદાર દાતાઓના પ્રતાપે નવનાત ભવન ઉભું કરવાનું સપનું સાકાર કરી શક્યા. સૌ પ્રથમ હેરોમાં અને ત્યારબાદ આજનું ભવ્ય નવનાત સેન્ટર ઉભું કરવામાં કામયાબ થયા.
નિયમિતરૂપે જાતજાતના પ્રસંગો અને ઇવેન્ટની ઉજવણીઓના આયોજનથી આપણી પરંપરા અને ઓળખનું જતન કરી શક્યા. એકબીજા સાથે મૈત્રીભાવ રાખી સંબંધોનો મજબૂત સેતુ બાંધી શક્યા.
જેમ-જેમ આર્થિક સદ્ધરતા મેળવતા ગયા એ સાથે આપણા મૂળ અને અન્યોને મદદ કરવાનો કરૂણા ભાવ ભૂલ્યા નહિ! ગુજરાતમાં ગરીબ બાળકો માટે બે શાળા બનાવવા સહિત જીવદયામાં અને માનવતા માટે અનુદાન આપ્યું. આજે આપણી સુવર્ણ જયંતિના અવસરે મને જાહેર કરતા આનંદ થાય છે કે, શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરમાં ચાલી રહેલ યુથ કેમ્પેઇનમાં ય ભારતની પછાત જાતિ અને જરૂરતમંદ બાળકોના જીવનમાં અજવાળું પાથરવા ૫૦ સાઇકલો ભેટમાં આપવાનું નક્કી કરેલ છે.
૫૦ વર્ષની આપણી લાંબી મજલની સફળતામાં અસંખ્ય ભાઇ-બહેનોની સેવા-નિષ્ઠા અને ત્યાગભાવ નોંધનીય છે. અગાઉના બધા જ પ્રમુખો, ટ્રસ્ટીઓ, નેતાઓ, સલાહકારો અને સમાજના સભ્યોના સહકાર આપણી વિકાસગાથાના મહત્વપૂર્ણ અંગો છે. આ પ્રસંગે મીડીયાનું અનુદાન કેમ વિસરાય? ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ સાપ્તાહિકોનો ફાળો અનન્ય રહ્યો છે. આપણી આ વિકાસગાથા ગૌરવ ઉપજાવે તેવી છે.
ભાવિ તરફ નજર નાંખતા સ્પષ્ટ થાય છે કે નવનાતની પ્રગતિને કઇ રોકી શકે નહિ. સમાજની યુવા પેઢીને મળીએ ત્યારે આપણી છાતી ગજ-ગજ ફૂલે છે. આપણે બધાં સાથે મળીને કામ કરીશું તો આગામી દાયકાઓ સુધી નવનાતની પ્રગતિ નિશ્ચિત છે.
નવનાત વણિક એસોસિએશનમાં ચાર દાયકાઓથી વિવિધ હોદ્દેથી (કમિટી સભ્ય, ઉપપ્રમુખ, પ્રમુખ, ચેર પર્સન ઓફ એડવાઇઝરી બોર્ડ, હાલ એક્ઝિક્યુટીવ સમિતિના સલાહકાર) સેવા સાદર કરનાર શ્રી ભૂપેન્દ્રભાઇ શાહે નવનાત જર્નીનો ઇતિહાસ રજૂ કરતા જણાવ્યું કે, ૧૯૮૫માં આપણા નવા ઘરમાં આવ્યા બાદ વિવિધ પ્રવૃત્તિઓને વધુ વેગ મળ્યો. સંસ્થા તરફથી દર વર્ષે ૪૦,૦૦૦ પાઉન્ડ વિવિધ ચેરિટીઓમાં દાનમાં અપાય છે. દર મંગળવાર અને શુક્રવારે વડીલો ભવનમાં મળે છે. એમના ચહેરાની ખુશી અને હાસ્યમાં સંતોષની લાગણી વરતાય છે. કિચન કમિટીની બહેનો ૩૦૦-૩૫૦ વડીલો માટે સેન્ટરમાં જ સ્વાદિષ્ટ, તાજું ભોજન બનાવી ભાવથી જમાડે છે, એમનો વડીલો પ્રત્યેનો પૂજ્ય ભાવ સરાહનીય છે. આ સેવા માટે હાલના પ્રેસિડેન્ટ શ્રી દિલિપભાઇ મીઠાણીનું વિઝન, ડિટરમિનેશન, ટીમવર્ક, ડિપ્લોમસીની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. છેલ્લા થોડાંક વર્ષોમાં નવનાત ‘ટોક ઓફ ધ ટાઉન’ બની ગયો છે એનું આપણને ગૌરવ થાય એ સ્વાભાવિક છે.
વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કેતનભાઇ અદાણીએ સમાપનમાં સૌનો આભાર માનતા જણાવ્યું કે, આ ઐતિહાસિક પ્રસંગે સૂરજદાદાની હાજરીએ ચાર ચાંદ લાગ્યા.
૫૦ વર્ષની ઉજવણીના આયોજનમાં મહિનાઓની મહેનત, વિઝન, સ્પોન્સર્સ, ડોનર્સ, ભાગ લેનાર સમાજના કલાકારો, સેંકડો સ્વયંસેવકોની વિવિધ તબક્કાની સેવા વગેરેનો સુંદર સમન્વય અને સવિશેષ એની કોર કમિટીના શ્રી શમીર સંધરાજકાના નેતૃત્વ હેઠળ ઉઠાવેલ જહેમતને દાદ આપવી ઘટે. એકમેકના સહકારથી આ કાર્યક્રમને ભારે સફળતા સાંપડી હતી. આ ટીમ વર્ક છે. એના સહભાગી નાના-મોટા સૌ કોઇ અભિનંદનના અધિકારી છે. જય નવનાત. જય ભારત.

