યુએઇના દુબઇ ખાતે સીઓપી28 યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ સમિટ યોજાઇ ગઇ. વિશ્વભરમાંથી એકઠાં થયેલા નેતાઓએ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટેની સુફિયાણી વાતો કરીને છૂટા પડી ગયાં અને હવે ફરી એકવાર આ સમિટ યોજાય તે પહેલાં બધું ઠેરનું ઠેર રહેશે. વિશ્વની મહાસત્તાઓ કાર્બન ઉત્સર્જન કરતી રહેશે અને માનવજાતને ફોસિલ ફ્યુઅલથી થઇ રહેલા નુકસાનથી માનવ જાતને બચાવવા માટેની પોતાની જવાબદારીઓમાંથી છટકતી રહેશે. યુએનના જ એક અહેવાલ પ્રમાણે વિશ્વભરના દેશો 2030 સુધીમાં કોલસા, ગેસ અને ઓઇલનું ઉત્પાદન અને વપરાશ બમણું કરવાની યોજના ધરાવે છે. આવી સ્થિતિમાં ગ્લોબલ વોર્મિંગ 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવાના લક્ષ્યાંકનો આપોઆપ છેદ ઉડી રહ્યો છે. માનવજાતના ભાવિ પર સવાલ સર્જાઇ રહ્યાં છે. સરકારો કહે છે કંઇ અને કરે છે કંઇ. એટલે કે હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા. વિશ્વના દેશો ક્લાઇમેટ ચેન્જ અંગે ગંભીર નથી અને સમજતા પણ નથી કે ફોસિલ ફ્યુઅલનો વપરાશ ઘટાડ્યા વિના પૃથ્વીના પર્યાવરણને બચાવવું શક્ય નથી. ફોસિલ ફ્યુઅલના ઉત્પાદન અને વપરાશને ઘટાડ્યા વિના માનવજાત ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન અટકાવી શક્તી નથી. યુએન ક્લાઇમેટ સમિટ દર વર્ષે યોજાય છે અને તેમાં વિવિધ પ્રકારના ઠરાવો પણ પસાર કરાય છે. તેમ છતાં આ ઠરાવોનું પાલન કરવામાં મોટાભાગના દેશોની સરકારો નિષ્ફળ રહે છે કારણ કે તેમને તેમના અર્થતંત્રો ધમધમતા રાખવા છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટેની પ્રતિજ્ઞાઓ હાંસિયામાં જ ધકેલાયેલી રહે છે જેના કારણે આજે વિશ્વ આકરા હીટવેવ, વાવાઝોડાં, દાવાનળ, સમુદ્રની સપાટીમાં વધારો, દુકાળ, જીવસૃષ્ટિને હાનિ જેવા દુષ્પરિણામોનો સામનો કરી રહ્યું છે. વૈજ્ઞાનિકો વિશ્વની મહાસત્તાઓને કોલસા, ગેસ અને ઓઇલ પરનો આધાર ઘટાડવા આજીજી કરી રહ્યાં છે પરંતુ સરકારો નિંભર વલણ અપનાવી રહી છે. 2023ની ક્લાઇમેટ સમિટ એક એવા દેશની ધરતી પર યોજાઇ જે ક્રુડ ઓઇલના ઉત્પાદનમાં મોખરે છે. આ દેશનું તો સ્પષ્ટ કહેવું છે કે અમે ફક્ત ફોસિલ ફ્યુઅલ દ્વારા થતા વાયુ ઉત્સર્જનને તબક્કાવાર ઘટાડવા પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ, નહીં કે તેના ઉત્પાદનને ઘટાડવા પર. મહાસત્તાઓ અને ઉભરતા અર્થતંત્રોની ક્લાઇમેટ ચેન્જ અંગેની છોછલી ગંભીરતા પૃથ્વી અને માનવજાતને વિનાશકારી પરિણામો તરફ ધકેલી રહી છે એ વાતમાં કોઇ શંકા નથી.
