નવી દિલ્હીઃ અમેરિકી પ્રમુખ જો બાઇડેને G-20 સમિટમાં ભાગ લેવા દિલ્હી પહોંચતાં પત્રકારોને જણાવ્યું હતું કે ભારત અને વિયેતનામના પ્રવાસ માટે તેઓ ખૂબ ઉત્સુક છે. ચીની પ્રમુખ શી જિનપિંગ G-20 સમિટમાં ભાગ લેવા ભારત નથી આવી રહ્યા અને તેમના સ્થાને ચીની વડાપ્રધાન લી કિયાંગ આવવાના છે તે મુદ્દે અમેરિકી પ્રમુખે નિરાશા વ્યક્ત કરી છે.
બાઇડેને કહ્યું કે, શી જિનપિંગ G-20 સમિટમાં ભાગ લેવા નથી આવી રહ્યા તે જાણીને હું નિરાશ છું. જોકે હું તેમને જરૂર મળીશ. જોકે જો બાઇડેને એ નથી જણાવ્યું કે જિનપિંગને તેઓ ક્યાં અને ક્યારે મળશે.
આ દરમિયાન 10 સપ્ટેમ્બરે વડાપધાન મોદી G-20ની અધ્યક્ષતા બ્રાઝિલને સુપરત કરશે. બાઇડેન અને જિનપિંગ છેલ્લે ગયા વર્ષે ઇન્ડોનેશિયામાં યોજાયેલી G-20 સમિટમાં મળ્યા હતા. તે પછી જાસૂસી બલૂન અને તાઇવાન મુદ્દે બંને દેશો વચ્ચે તંગદિલી વધતી રહી છે.
અમેરિકાએ આરોપ લગાવ્યા છે કે ચીન તેના દ્વારા થઈ રહેલી વાતચીતની દરખાસ્તને ઠુકરાવતું રહ્યું છે. અમેરિકી પ્રમુખ સાતમી સપ્ટેમ્બરે ભારત પ્રવાસે પહોંચવાના છે. 8 સપ્ટેમ્બર તેઓ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષી બેઠકમાં ભાગ લેવાના છે. તે પછી અમેરિકી પ્રમુખ 9 અને 10 સપ્ટેમ્બરે G-20 સમિટમાં ભાગ લેશે.
વ્હાઈટ હાઉસે જણાવ્યા મુજબ પ્રમુખ બાઈડેન સહિત G-20 શિખર સંમેલનના સભ્ય દેશોના નેતા સ્વચ્છઊર્જા અપનાવવા અને જળવાયુ પરિવર્તનનો સામનો કરવા સહિત વૈશ્વિક મુદ્દાઓ અંગે ચર્ચા કરશે.
પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અનુસાર બાઇડેન દંપતી ભારતના પ્રવાસે આવવાનું હતું, પરંતુ એક અહેવાલ મુજબ જિલ બાઇડેન કોરોના પોઝિટિવ જાહેર થયા છે. આ સંજોગોમાં તેઓ ભારત આવશે કે કેમ તે સવાલ છે.

