પ્રથમ મહિલા ન્યાયાધીશ : અન્ના ચાંડી

- ટીના દોશી Tuesday 05th September 2023 09:29 EDT
 
 

સાવિત્રીબાઈ જોતીબા ફૂલે, કાદંબિની દ્વારકાનાથ ગાંગુલી, રમાબાઈ મહાદેવ રાનડે અને આનંદીબાઈ ગોપાલરાવ જોશી.... અનુક્રમે પ્રથમ શિક્ષિકા, પ્રથમ સ્નાતક, નર્સિંગનું પ્રશિક્ષણ શરૂ કરનાર પ્રથમ અને પ્રથમ ડોક્ટર. જુદા જુદા વ્યવસાયમાં હોવા છતાં એમનામાં એક સમાનતા એ હતી કે ચારેયને ભણાવીગણાવીને આગળ વધારવામાં એમના પતિઓનું યોગદાન હતું. ચારેય સ્ત્રીઓની પ્રેરણામૂર્તિ એમના પતિ જ હતા !
આ યાદીમાં પાંચમું નામ અન્ના પી. ચાંડીનું ઉમેરવું પડે. અન્ના ચાંડી ભારતની પહેલી મહિલા ન્યાયાધીશ હતી. કેરળની ઉચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયેલી. દેશની કોઈ પણ ઉચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત થનાર અન્ના જ પહેલી મહિલા હતી. અન્નાને આ મુકામે પહોંચાડવામાં એના પોલીસ અમલદાર પતિ પી.એસ. ચાંડીનો જ ફાળો હતો. સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે એ જાણીતી કહેવત છે, પણ અન્ના ચાંડીની સફળતા પાછળ પતિ પી.એસ. ચાંડીનો માત્ર હાથ જ નહીં, પૂરેપૂરો સાથ હતો !
કેરળના સીરિયન ક્રિશ્ચિયન પરિવારમાં સારા જેકબ અને ડૉ. એમ.જે. જેકબને ઘેર ૫ એપ્રિલ ૧૯૦૫ના જન્મેલી અન્નાએ પોતે તો ક્યારેય કાયદાનો અભ્યાસ કરવાનું વિચાર્યું સુદ્ધાં નહોતું. અન્ના પાંચ વર્ષની હતી ત્યારે એના પિતાનું પાંત્રીસ વર્ષની ઉંમરે અવસાન થઈ ગયું. વીસેક વર્ષની ઉંમરે પોલીસ અધિકારી પી.એસ.ચાંડી સાથે અન્નાનાં લગ્ન થયાં. પી.એસ.ચાંડીના કહેવાથી અન્નાએ કાયદાનો અભ્યાસ શરૂ કર્યો.
અન્નાનો અભ્યાસ આગળ વધ્યો. સહપાઠીઓ અન્નાને પરેશાન કરવા રોજ નવા વ્યૂહ અજમાવતા. રોજેરોજનાં વ્યંગબાણથી ઘાયલ થતી અન્ના. ઘેર પાછી ફરીને પતિ સમક્ષ ફરિયાદોનો ખડકલો કરતી. પછી મહેણું મારતી, ‘તમારે તો આરામથી ઘેર બેસવાનું અને મને પરાણે ત્યાં ધકેલવાની. જેણે સહન કરવું પડે એને જ ખબર પડે કે મન પર શું વીતે છે. એમાં તમારે શું, કેમ !’ પી.એસ. ચાંડી માળી જેમ કુમળા છોડને ખાતર ને બિયારણથી માવજત કરે એ રીતે પત્નીની સંભાળ લેતા. પણ હકીકત કાનૂનનો અભ્યાસ અન્નાને બોઝિલ લાગતો. પાકા ઘડે કાંઠલા ચડતા નહોતા. પતિએ પરીક્ષામાં પુછાઈ શકે એવા અને મહત્વના સવાલો જવાબ સાથે તૈયાર કરીને અન્નાને આપવા માંડ્યા. નોકરીએ જતી વખતે અન્નાને રોજ પાંચ સવાલજવાબ વ્યવસ્થિત રીતે વાંચીને તૈયાર કરવાનું કહેતા.સાંજે પાછા આવીને અન્નાએ હોમવર્ક કર્યું કે નહીં તે તપાસતા. ક્રિમિનલ લોમાં અન્નાને રસ પડે એ માટે પોતે જે કેસની તપાસ કરી હોય તેની રસપ્રદ છણાવટ કરતા.
કઠોર પરિશ્રમનું પરિણામ મળે જ છે. અન્નાને પણ મળ્યું. અન્ના પરીક્ષામાં સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થવા લાગી. આખરે ૧૯૨૬માં કાયદાની અનુસ્નાતક થઈ. કેરળમાં કાયદાની સ્નાતક બનનારી એ પહેલી મહિલા હતી. અન્નાએ વકીલ તરીકે અદાલતમાં પ્રેક્ટિસ શરૂ કરી. ૧૯૩૭માં કેરળના દીવાન સર સીપી રામાસ્વામી અય્યરે અન્નાને મુનસીફ તરીકે નિયુક્ત કરી. ૧૯૪૮માં અન્નાની પદોન્નતિ થઈ અને એ જિલ્લા ન્યાયાધીશ બની ગઈ. ૧૯૫૯માં કેરળ હાઈકોર્ટમાં અન્નાની નિયુક્તિ ન્યાયાધીશ તરીકે કરાઈ. ૧૯૬૭માં સેવાનિવૃત્તિ પછી અન્નાને લો કમિશન ઓફ ઇન્ડિયામાં નિયુક્ત કરાઈ.
અન્નાએ આત્મકથા પણ લખી. પૂર્વભૂમિકા બાંધતાં અન્નાએ લખ્યું છે કે, ‘હું ઉચ્ચ અદાલતમાં ન્યાયાધીશ બનું એ મારા પતિનું લાંબા સમયનું સ્વપ્ન હતું. એ મને મારી કથા લખવાનો આગ્રહ કરતા. પણ હું શારીરિક નબળાઈ અને બીજાં બહાનાં હેઠળ લખવાનું ટાળતી રહી. મેં કહ્યું કે, ખરેખર તો મારી કથા લખવાની જવાબદારી એમની પોતાની જ હતી. યોગ્યતા અને ક્ષમતા પણ. કારણ એ પોતે બહુ સારા લેખક હતા. આમ લખવાનું પરસ્પર ઢોળાતું રહ્યું... આખરે ચાળીસ વર્ષના દાંપત્ય પછી ૬ જુલાઈ ૧૯૬૭ના મારા પતિ મને છોડીને દુનિયામાંથી ચાલ્યા ગયા.... એમની અંતિમ ઈચ્છા પૂરી કરવા મેં મારી કથા લખી.. માત્ર સ્મૃતિને આધારે જ મેં અત્યંત સાધારણ શૈલીમાં આત્મકથા લખી છે. આ કથા મેં માત્ર મારા આત્મા સમા પતિ માટે જ લખી છે...’ ૨૦ જુલાઈ ૧૯૯૬ના મૃત્યુ પામેલી અન્નાનો એક એક શબ્દ હૃદયના ઊંડાણમાંથી લખાયેલો, કારણ એ જે કાંઈ હતી એના મૂળમાં એના પતિ જ તો હતા !


comments powered by Disqus