સંયમ અને સાધનાના પર્વાધિરાજ પર્યુષણની પધરામણી...

- જ્યોત્સ્ના શાહ Tuesday 05th September 2023 06:52 EDT
 
 

- જ્યોત્સ્ના શાહ
જૈનોના પર્વાધિરાજ પર્યુષણનું આગમન શ્રાવણ વદ તેરસ, મંગળવાર તા.૧૨ સપ્ટેમ્બરથી થશે. આઠ દિવસના આ પર્વની પૂર્ણાહુતિ ભાદરવા સુદ ચોથ તા.૧૯-૯-૨૩ના થશે. પર્વનું આગમન એટલે આનંદ-ઉલ્લાસનો સમય. સામાન્ય પર્વથી એની મહત્તા જરા હટકે છે. આનંદ-ઉલ્લાસ ખરો પણ બાહ્ય જગતનો ક્ષણભંગુર નહીં! શાશ્વત આનંદના આંતરિક આનંદનું પર્વ.
દોડધામભરી જિંદગીમાં થોડો સમય કાઢી ચિત્ત શુધ્ધિ, આત્મ શુધ્ધિ, દેહ શુધ્ધિની આરાધનાનો અણમોલ અવસર. સાથે સાથે જ સદ્ કાર્યોમાં લક્ષ્મીનો સદુપયોગ કરવાની તક. આપણામાં રહેલ આંતર શત્રુઓ: લોભ, મોહ-માયા, મમતા, અહમ્ જેવા શત્રુઓ પર વિજય મેળવવાની દિશામાં આગેકૂચ અહિંસા, અપરિગ્રહ, અનેકાન્તવાદ જેવા મૂલ્યો સાથે દયા-કરૂણા-માનવતાનું ઝરણું વહાવી મૈત્રીના વાવેતર કરવા પ્રેરતું પર્વ.
'પર્યુષણ' શબ્દનો અર્થ પરિ+ઉષણા પરથી બન્યો છે. આ પર્વમાં મનુષ્ય આત્મા સમીપ જઇ વસવાની વાત છે. મતલબ આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ વળવાની વાત છે. આત્માના શુધ્ધ ભાવો તરફ ગમન કરી અંતરના રાગ-દ્વેષ, અશાંતિ વગેરેનું ઉપશમન કરવાનું આ માધ્યમ છે, એનાથી અહંકારના સ્થાને મૈત્રી અને નમ્રતાના ભાવ વિકસે છે. પર્યુષણમાં કેટલાય લોકો આઠ દિવસના ઉપવાસ કરે છે, નવ, અગિયાર, ત્રીસ ઉપવાસ. જેવી જેની શક્તિ. ઉપવાસ ન થાય તો એકટાણાં (એકાસણાં), એ ન થાય તો બે વાર જમી બિયાસણાં) અને ન થાય તો ઉણોદરી વ્રત (મતલબ ભરપેટ નહી ખાવાનું) પણ કરી શકાય. ઉપવાસ એ દરેક વ્યક્તિની વ્યક્તિગત શક્તિ, ભક્તિ ભાવ અને મનોબળ પર અવલંબે છે. તપ-જપ-ધ્યાન-વ્યાખ્યાન શ્રવણ-ભક્તિભાવના-સામયિક-પ્રતિક્રમણ વગેરે સાધના કરતી વેળા જાણતાં-અજાણતાં થયેલ પાપોનું પ્રાયશ્ચિત કરી તન- મનને નિર્મળ બનાવી હળવાફૂલ બનાવતું આ પર્વ એટલે જ પર્વાધિરાજ કહેવાય છે.
આ દિવસો દરમ્યાન જૈનોના ગ્રંથ કલ્પસૂત્રનું વાંચન થાય છે. જેમાં ભગવાનના ભવો, સાધુ જીવનના આચાર-વિચાર, શ્રાવક-શ્રાવિકાના ધર્મ કર્મના ફળ વગેરે વિષયક માહિતીની સમજ, ભગવાન મહાવીરનો ઉપદેશ વગેરે જીવન જીવવાની કળા શીખવે છે. આ વાંચન દરમિયાન ભગવાન મહાવીર જન્મ વાંચનનો પ્રસંગ આવતા પાંચમા દિવસે ભગવાનનો જન્મોત્સવ ભક્તિભેર ધામધૂમથી ઉજવાય છે.
વ્યક્તિનો વ્યક્તિ સાથેનો વ્યવહાર, વાણીમાં મીઠાશ, વર્તનમાં વિવેક, પ્રામાણિક્તા, સત્ય વચન, પ્રાણી માત્ર પ્રત્યે કરૂણાનો ભાવ જરૂરતમંદોને દાન જેવા ગુણો જીવનમાં અપનાવવાની દિશા મળે છે. મેં કેટલાયે કહેતા સાંભળ્યા છે કે જૈન ધર્મ બહુ આકરો છે. એનું પાલન કરવું અઘરું છે તો મારો જવાબ છે, સમજનો અભાવ કે અર્થધટનની અધૂરપ જૈન ધર્મ જીવન જીવવાની શૈલી શીખવે છે. એક સારા માનવ બનવાની વાત છે. એનું મૂળ સૂત્ર છે, “જીવો અને જીવવા દો. તમે બીજા પાસે તમારી સાથે જેવા વ્યવહારની અપેક્ષા રાખો છો તેવું જ વર્તન બીજા સાથે કરો જેથી અથડામણ ટાળી શકાય. ગુસ્સા પર કાબૂ રાખવાથી કેટલાય અનિષ્ટ ટાળી શકાય છે. એ આપણા હિતની જ વાત છે ને! ગમે એટલા તપ કરો પરંતુ ગુસ્સા પર કાબૂ ના હોય તો તપનું ફળ મળતું નથી, માણસ વિવેક ગુમાવી બેસે તો ન કરવાના પગલાં લઇ જીવનભર પસ્તાતો રહેતો રહે છે. માણસે સર્વાંગી વિકાસ કરવાની જરૂર છે. અહમના બૂરા પરિણામની કેટલાય કથાઓ વાંચી કે સાંભળી હશે. અહિંસાના વરવા રૂપ આપણે સદીઓથી જોતાં-અનુભવતાં આવ્યા છીએ. અહિંસા માત્ર શારીરિક જ નહી પરંતુ મન-વચન-કાયાથી કે સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવ હિંસા ન થાય એનો ખ્યાલ રાખવાની વાત છે. અપરિગ્રહ-વધુ પડતી વસ્તુઓનો સંગ્રહ ન કરવાની વાત છે. અનેકાન્તવાદ વિવાદથી દૂર રાખે છે. ઉપવાસનું મહત્વ દરેક ધર્મોમાં હોવા સાથે હવે વિજ્ઞાનીઓએ પણ પુરવાર કર્યું છે કે આપણા અવયવોને વિશ્રામ આપવા ઇન્ટરમીડીએટ (૧૬કલાક ભૂખ્યા રહેવું) કરવું જોઇએ. આજે હવે ભલાભલા એને અનુસરી રહ્યાં છે. શરીરની શુધ્ધિ માટે ઉપવાસ એ જરૂરી છે. હા, પર્યુષણ પર્વ દરમિયાન લીલોતરીનો ત્યાગ કરાય છે જે અહિંસાનો એક ભાગ છે. એ સાથે જ ભારતમાં ચોમાસાની ઋતુમાં શાકભાજીમાં જીવાત થઇ જાય છે એથી આરોગ્યને હાનિ પહોંચે છે. પેટ બગડ્યાની તકલીફ થાય છે. એટાળવા ઉપવાસ કરવો અને ઉકાળેલું પાણી પીવું આરોગ્ય માટે ફાયદાકારક છે.
સાંજના સૂર્યાસ્ત પહેલા જમી લેવું એ આરોગ્ય માટે હિતકારી છે. સૂવાના ઓછોમાં ઓછા ત્રણ કલાક પહેલા ખાવાથી પાચન ક્રિયા બરાબર થાય. ઉપવાસથી મનોબળ મક્કમ બને છે. જેઓને બે ટંક ખાવા નથી મળતું એની પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. બિન જરૂરી પાણી-ખોરાક-વનસ્પતિનો વ્યય થતો અટકે છે, જે પર્યાવરણ માટે જરૂરી છે. આ બધાં સૃષ્ટિના પાયાના નિયમો છે દરેક જીવ અને વનસ્પતિની રક્ષા કરવી એ આપણી ફરજ છે. પરસ્પરોગ્રહો જીવાનામ્, દરેક જીવનો આધાર એકબીજા પર અવલંબે છે. આજે વનસ્પતિની અને જીવોની રક્ષા થઇ હોત, પર્યાવરણને પ્રદૂષિત થતું બચાવ્યું હોત તો વિશ્વ ગ્લોબલ વોર્મિંગનો ભોગ બન્યું ન હોત!
પર્યુષણ એ દાન અને દયાનું પર્વ છે, અનુકંપા દાન, સુપાત્ર દાન અને અભયદાન. આ ત્રિવિધ દાનોમાં અભયદાન એ સર્વ શ્રેષ્ઠ દાન છે, જીવદયા જૈનોના લોહીમાં છે. પર્યુષણ પર્વમાં સૌથી વધુ દાન જૈનો કરે છે. ભારતની ૮૦% પાંજરાપોળો જૈનોના દાનથી ચાલે છે. દાનેશ્વરી તરીકે જૈનો જાણીતાં છે. વિદ્યા દાનમાં તેઓ મોખરે છે. ગરીબ હોંશિયાર વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કોલરશીપ અપાયછે. દાનની પરંપરા આપણી ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી ચાલી આવે છે.
એ બધાથી પર એવા ઢાઇ અક્ષરના પ્રેમની પરિભાષાથી આપણે વાકેફ છીએ જ. પ્રેમથી દુનિયાને વશ કરી શકાય. પોતાનાથી જાણતાં-અજાણતાં થયેલ ભૂલની માફી માગવી કે માફી આપવી એ વીરનું ભ્રષણ કહેવાય છે. પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ - સંવત્સરી કહેવાય છે એ દિવસે બધાં એકબીજાને ખમાવે છે મતલબ 'મિચ્છામિ દુક્કડમ' કહી માફી માગે છે. સંયમ અને સાધનાના આ પર્વે સૌને શાતા મળે એવા ભાવ સહ સૌ * મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ જગતનું એવી ભાવના નિત્ય વાચકો, શુભેચ્છકોને 'મિચ્છામિ દુક્કડમ.
૫.પૂ. શ્રી ચિત્રભાનુજીના સ્તવનની પંક્તિઓ...
‘ મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુંજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ જગતનું એવી ભાવના નિત્ય રહે...’ના ભાવ સહ શબ્દ વિરામ. જય જીનેન્દ્ર.

પર્યુષણના કાર્યક્રમો

• નવનાત વણિક એસોસિએશન યુ.કે.ના ઉપક્રમે સ્થાનકવાસી અને દેરાવાસી પર્યુષણ પર્વની ઉજવણી મંગળવાર તા. ૧૨-૯-૨૩ થી તા.૧૯-૯-૨૩ નવનાત હોલમાં થશે. આ વર્ષે આત્મરપીત રાજુજી દરરોજ સવારના પ્રવચનનો લાભ આપશે. દરરોજ લંચ અને ડીનર તથા ભાવનાનો કાર્યક્રમ યોજાશે.
સ્થાનકવાસી પ્રતિક્રમણ દરરોજ સાંજે ૬.૩૦ થી ૭.૫૫.
ઝૂમ લીંક : Meeting ID : 981 3265 7301 Passcode : svp2023
દેરાવાસી પ્રતિક્રમણ સાંજના ૬.૧૫ થી ૭.૫૫.
Meeting ID: 934 5820 5431 Passcode : dvp2023
English Pratikraman & talk with Dr Mehool Sanghrajka on 15th & 17th Sept @ 6,45 pm,
Meeting ID:850 2540 4330 Passcode: paryushan.
વધુ વિગત માટે સંપર્ક : દિલિપભાઇ મીઠાણી 07956 392 373 or ભૂપેન્દ્રભાઇ શાહ 07944 532 780 “મહાવીર ફાઉન્ડેશનના ઉપક્રમે શ્રી સરસ્વતી માતા અને શ્રી મહાલક્ષ્મી માતાનો પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર રવિવાર સવારના ૯ વાગ્યાથી દેરાસરમાં થશે.
વિધિકાર અને સંગીતકાર : હર્ષિતભાઇ અને મોક્ષિતભાઇની જોડી.
પર્યુષણ પર્વ તા. ૧૨ સપ્ટેમ્બર થી તા. ૧૯ સપ્ટેમ્બર
સવારના દરરોજ ૧૦:૩૦ થી ૧૧:૩૦ વ્યાખ્યાન ૫૫૫ કેન્ટન રોડ અને સાંજે ૬.૩૦ થી પ્રતિક્રમણ તેમજ ભાવના કિંગ્સબરી હાઇસ્કુલ, W9 9AA. ખાતે. વ્યાખ્યાન તેમજ ભક્તિ સંગીત. શનિવાર તા.૧૬-૯-૨૩ના મહાવીર જન્મ વાંચન તેમજ સ્વામિ વાત્સલ્ય JFS school, The Mall, Harrow, HA3 9TE, સંવત્સરી પ્રતિક્રમણ તા.૧૯-૯-૨૩ના સાંજે ૪ વાગે સત્તાવીસ ગામ પાટીદાર સમાજ ખાતે થશે. શનિવાર ૨૩-૯-૨૩ના નવકાર મહામંત્ર પૂજન અને સ્વામિ વાત્સલ્ય, JFS School
વધુ વિગત માટે સંપર્ક : પ્રેસિડેન્ટ શ્રી નીરજભાઇ સુતરિયા : 07932 567 960, 020 8206 1659,
કેન્ટન દેરાસર, ૫૫૭ કેન્ટન રોડ, હેરો, HA3 9RS
visit www.mhavirfoundation.com


comments powered by Disqus