સરકારી નોકરીઓમાં અનામતના મુદ્દે બાંગ્લાદેશમાં છેલ્લા એક મહિનાથી શરૂ થયેલા હિંસક આંદોલને 15 વર્ષથી સરકાર ચલાવી રહેલા શેખ હસીનાને દેશ છોડીને નાસી છૂટવાની ફરજ પાડી છે. બાંગ્લાદેશ ભારતનો પાડોશી મિત્ર દેશ છે. ભારતની સરહદોને સ્પર્શતા દેશોમાં જ્યારે પણ અંધાધૂંધી કે અરાજકતા ફેલાય છે તેની સીધી અસર ભારત પર પણ પડતી હોય છે. બાંગ્લાદેશમાં 2008થી સત્તા પર રહેલા શેખ હસીનાએ દેશને આર્થિક વિકાસના પથ પર દોર્યો પરંતુ સાથે સાથે વિપક્ષ, મીડિયા અને સિવિલ સોસાયટી સામેની કાર્યવાહીએ રોષની લાગણી પ્રગટાવી હતી. સરકારી નોકરીઓમાં અનામતના મુદ્દે શેખ હસીનાની સરકારે અપનાવેલા વલણે દેશના યુવાઓને સડકો પર લાવી દીધાં અને તેમને દેશ છોડીને નાસવાની ફરજ પડી. શેખ હસીનાની વિદાયથી ભારતને મોટી ખોટ પડશે. ભારતે ઉપખંડમાં એક વિશ્વાસુ સાથી ગુમાવ્યો છે. શેખ હસીના અને ભારત સરકારની નિકટતા પ્રશંસનીય છે. નવી દિલ્હી અને ઢાકાએ આતંકવાદી જૂથો સામે પગલાં લેવામાં સહિયારા પ્રયાસ કરીને મહત્વની સફળતાઓ હાંસલ કરી હતી. ભારતે બાંગ્લાદેશમાં સંખ્યાબંધ પ્રોજેક્ટમાં આર્થિક સહાય પૂરી પાડી હતી. નવી દિલ્હી પણ શેખ હસીના દ્વારા લેવાઇ રહેલાં બિનલોકતાંત્રિક નિર્ણયોની સામે આંખ આડા કાન કરીને મિત્રતા નિભાવી રહી હતી. સિવિલ સોસાયટી, મીડિયા સામેના હસીનાના પગલાં સામે પશ્ચિમના દેશોના વિરોધ છતાં નવી દિલ્હીએ તેમને મજબૂત સાથ પૂરો પાડ્યો હતો. તેથી હવે બાંગ્લાદેશમાંથી શેખ હસીનાની વિદાયે ભારત માટે પણ વિમાસણ પેદા કરી દીધી છે. શેખ હસીનાના રાજીનામા બાદ હાલ તુરંત તો સેનાએ સત્તા સંભાળી છે અને વચગાળાની સરકાર રચવાનું આશ્વાસન પણ આપ્યું છે પરંતુ જો બાંગ્લાદેશી સેના પણ સત્તાનું લોહી ચાખી જશે તો ત્યાં પાકિસ્તાન જેવી સ્થિતિનું નિર્માણ કોઇ અટકાવી શકશે નહીં. ભારતની પૂર્વમાં મ્યાનમારમાં સેનાનું શાસન છે તો પશ્ચિમમાં પાકિસ્તાનમાં છાશવારે સૈનિક શાસન જોવા મળે છે. થોડે દૂર રહેલા અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ કરી રહ્યાં છે. ઉત્તરમાં ચીનમાં સામ્યવાદી શાસન છે. આવી સ્થિતિમાં વધુ એક પાડોશી દેશમાં લશ્કરી કે સરમુખત્યારી શાસન ભારતની સુરક્ષા માટે મોટા પડકારો સર્જી શકે છે. આમ બાંગ્લાદેશમાં સેનાનું શાસન ભારતને કોઇપણ સંજોગોમાં પોષાય તેમ નથી. બાંગ્લાદેશમાં ઝડપથી લોકતાંત્રિક સરકારની રચના થાય તે માટે ભારતે તમામ કૂટનીતિ અપનાવવી પડશે.
