ભારત-વિયેતનામના સંબંધને ભાર આપતાં પીએમ મોદીનો ચીનને પરોક્ષ સંદેશ

Wednesday 07th August 2024 07:10 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત અને વિયેતનામે ગુરુવારે વ્યૂહાત્મક સંબંધોના વિસ્તરણ માટે ‘એક્શન પ્લાન’ને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિયમ આધારિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે સંયુક્ત રીતે કામ કરવાની વાત કરી છે. તેમણે ચીનને પરોક્ષ સંદેશ આપતાં દોહરાવ્યું છે કે ભારત વિકાસને ટેકો આપે છે, વિસ્તારવાદને નહીં.
ભારત અને વિયેતનામે છ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. મોદી અને વિયેતનામના વડાપ્રધાન ફેમ મિન્હ ચિન્હ વચ્ચેની વાટાઘાટને પગલે બંને દેશ વચ્ચે વિવિધ ક્ષેત્રે વ્યાપક સહકારના અન્ય ત્રણ કરારને પણ આખરી ઓપ અપાયો હતો. ભારત દ્વારા વિયેતનામના જળમાર્ગની સુરક્ષાને મજબૂત બનાવવા 30 કરોડ ડોલરનું ધિરાણ આપવા નિર્ણય લેવાયો હતો. બંને દેશની મધ્યસ્થ બેન્કોએ ડિજિટલ પેમેન્ટ કનેક્ટિવિટી શરૂ કરવા કરાર કર્યો હતો.
વિયેતનામના વડાપ્રધાન ચિન્હ મંગળવારે ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા હતા. તેમની મુલાકાતનો હેતુ બંને દેશ વચ્ચે વ્યૂહાત્મક સંબંધોને વિસ્તારવાનો છે. મોદીએ જણાવ્યું હતું કે, “અમારી ‘એક્ટ ઇસ્ટ પોલિસી’ અને ઇન્ડો-પેસિફિક વિઝનમાં વિયેટનામ ભારતનું મહત્વનું ભાગીદાર છે. અમે વિકાસને ટેકો આપીએ છીએ, વિસ્તારવાદને નહીં. અમે મુક્ત, ઉદાર, નિયમ આધારિત અને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે અમારો સહકાર ચાલુ રાખીશું.” મોદીએ કહ્યું હતું કે, “બંને દેશે આતંકવાદ અને સાયબર સુરક્ષાની સમસ્યામાં સહયોગને વધુ મજબૂત કરવાનો નિર્ણય લીધો હતો. બંને દેશ વચ્ચે પરસ્પર સહકારના ઘણા નવા ક્ષેત્રો ખૂલ્યા છે.
એટલે આજે અમે નવો એક્શન પ્લાન અપનાવ્યો છે. સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં પણ સહયોગ માટે નવા પગલાં લેવાયા છે.”


comments powered by Disqus