ગુજરાત સમાચારનો ઝૂમ કાર્યક્રમ સોનેરી સંગત કાયમથી લોકોને ઉપયોગી અને માહિતીસભર વિષયો સાથે પ્રસ્તુત થતું રહ્યું છે. 1 ઓગસ્ટે સોનેરી સંગતના ત્રેવીસમા સફળ અધ્યાયમાં ખાસ મહેમાન રહ્યા યુકેમાં સંગત સેન્ટરના સ્થાપક કાંતિભાઈ નાગડા (એમબીઈ). કાર્યક્રમનું સંચાલન કરતાં સી.બી. પટેલે જણાવ્યું કે, કાંતિભાઈએ સંગત સેન્ટર દ્વારા છેલ્લાં 50 વર્ષમાં હજારો લોકોને જાતજાતની મદદ કરી છે.
કાંતિભાઈનો પરિચય આપતાં સી.બી. પટેલે કહ્યું કે, આપણા સમાજમાં કાંતિભાઈ જેવા ખૂબ જૂજ રત્નો છે. 1972માં તેઓ આફ્રિકાના કંપાલાથી આવવા મજબૂર થયા પહેલાં તેમણે ઇંગ્લેન્ડ આવી શિક્ષક તરીકે પ્રશિક્ષણ લીધું હતું. કાંતિભાઈની કંપાલાથી લોકોની સતત મદદ યુકે આવ્યા બાદ પણ યથાવત્ રહી છે.
સી.બી. પટેલઃ કાંતિભાઈ તમે કંપાલાથી આવ્યા બાદ સંગત સેન્ટરની સ્થાપનાની જરૂર કેમ ઊભી થઈ?
કાંતિભાઈઃ 1972માં યુગાન્ડામાં રહેતા એશિયન્સની ત્યાંથી હકાલપટ્ટી કરવામાં આવી અને તેઓ યુકેમાં આવ્યા ત્યારે હેરો કાઉન્સિલ એશિયનના આવવાથી નાખુશ હતી. એક દિવસ હું અને મારાં પત્ની ભાનુ હેરો સિવિક સેન્ટરમાં ગયાં ત્યારે ત્યાં કંપાલાના કેટલાક જાણીતા વયોવૃદ્ધ લોકો એક બાંકડા પર બેસીને વાતો કરતા હતા. આ સમયે અમે તેમના ત્યાં બેસવાનું કારણ પૂછ્યછયું. જે અંગે તેમનો જવાબ સાંભળી અમને આંચકો લાગ્યો. તેમણે કહ્યું કે, દીકરા-દીકરીઓ કામે જાય અને ઘર બંધ હોય તેથી તેઓ પાછા આવે ત્યારે અમે ઘરે જઈએ છીએ. બેથી ત્રણ દિવસ બાદ મેં થોડા મિત્રો ચંદ્રકાંત પટેલ, નવીન સોઢા, મહેશ લુક્કા ભેગા થતાં આ વાત મૂકી, જે અંગે અમે વિચાર કર્યો કે આ લોકો માટે આપણે કોઈ સગવડ કરવી જોઈએ. આમ અમે 1973માં એંગ્લો-ઇન્ડિયન સર્કલની સ્થાપના કરી. 1974માં સૌપ્રથમ અમે ગેટ-વે હાઉસમાં ડ્રોપઇન સેન્ટર શરૂ કર્યું, જે આ દેશમાં એશિયન માટે પ્રથમ સેન્ટર હતું. ત્યાં લંડનના ખૂણેખૂણેથી બધા વૃદ્ધો આવે અને યુગાન્ડાના જૂના ઓળખીતાઓને મળે અને સમય પસાર કરે. આમ 10 વર્ષ બાદ સંગત કોમ્યુનિટી સેન્ટરની સ્થાપના કરવામાં આવી, કારણ કે તે સમયે એશિયન્સ માટે બીજી કોઈ સગવડ નહોતી.
સી.બી. પટેલઃ સંગત હાલમાં કયા પ્રકારની સેવા આપે છે?
કાંતિભાઈઃ સંગત ઓર્ગેનાઇઝેશન હાલમાં એડવાઇસ સેન્ટર ચલાવે છે, જેમાં લોકોને ઇમિગ્રેશન, વેલફેર બેનિફિટ્સ, હાઉસિંગ, મેટ્રિમોનિયલ અંગે કાયદાકીય સલાહ આપવામાં આવે છે. ઇમિગ્રેશન અંગે જ્યારે સોલિસિટર પાસે જાઓ ત્યારે એક કેસના અઢીથી ત્રણ હજાર પાઉન્ડ ચાર્જ કરે છે, તેના બદલે અમે ખૂબ ઓછી ફી લઈએ છીએ. સંગત એક એવી ચેરિટી સંસ્થા છે, જે ટ્રાઇબ્યુનલ સુધી જઈ શકે છે. અમને ક્વોલિટી માર્ક મળ્યો છે, આવી નોર્થ-વેસ્ટમાં આ પ્રથમ સંસ્થા છે. જો તમારી ઇમિગ્રેશનની અરજી કોઈ કારણોસર નામંજૂર કરાઈ હોય અને તમને અપીલનો રાઇટ હોય તો તમે ટ્રાઇબ્યુનલમાં જઈ શકો, જ્યાં અમે તમારા તરફથી તમારો કેસ અમે લડીશું. એ જ રીતે જો વેલફેર બેનિફિટની અરજી નામંજૂર થઈ હોય તો તમારો કેસ અમે વેલફેર બેનિફિટ ટ્રાઇબ્યુનલમાં જઈને લડીશું. સોલિસિટર દ્વારા ચલાવવામાં આવતી લૂંટની સામે એશિયન્સ માટે અમે નાનામાં નાનો કેસ લઈને ટ્રાઇબ્યુનલમાં જઈએ છીએ.
આ તમામ સેવા માટે અમે ખૂબ સામાન્ય દર ચાર્જ કરીએ છીએ, કારણ કે અમે કોઈપણ જાતની લોકલ કે સરકારી ગ્રાન્ટ માટે અરજી નથી કરતા. અમને જ્યારે ગ્રાન્ટ મળતી હતી ત્યારે અમે આ તમામ સેવા નિઃશુલ્ક આપતા હતા. આમ છેલ્લા 10 વર્ષથી કોઈપણ ગ્રાન્ટ વિના અમે સેન્ટર ચલાવીએ છીએ.
અમે એમ્પ્લોયમેન્ટ પ્રોજેક્ટ કર્યો હતો, જે અંતર્ગત લોકો પાસે કામ ન હોય તેવા 14 લોકોને કામે રાખ્યા હતા. જેમણે હેરોના તમામ એશિયન ઘરની મુલાકાત લીધી હતી અને લોકોની જરૂરિયાત અંગેના ફોર્મ ભર્યાં હતાં. આ ફોર્મનું એનલાઇઝ કરી કાઉન્સિલ સમક્ષ મૂક્યાં હતાં. તેમાં એક વસ્તુ સામે આવી કે વૃદ્ધ લોકો માટે શાકાહારી ફૂડ લોકો માટે હતું નહીં, જે અંતર્ગત મેં એક કિચન શરૂ કરાવ્યું જ્યાં વેજિટેરિયન કૂક્સ શુદ્ધ શાકાહારી ભોજન બનાવતા. આ ભોજન મીલ્સ ઓન વ્હીલ્સ દ્વારા લોકોને પહોંચતાં કરવામાં આવ્યાં. આવાં 68 મીલ્સ રોજ અમે પહોંચાડતા. આ પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલાં હેરોના એક કાઉન્સિલ લીડર હતા મેજર ઓટેંગે મીટિંગમાં કહ્યું હતું કે, આ લોકોને મીલ્સ ઓન વ્હીલ્સ મારી ડેડબોડી પર મળશે. આ સમયે સિવિક સેન્ટરમાં આવા 50 જેટલા લોકોને એકત્ર કર્ય હતા. છેલ્લે મેજર ઓટેંગે નમતું જોખી આ પ્રોજેક્ટ શરૂ કરવાની હા પાડી.
ઘર દીકરાને આપી દસ્તાવેજ કરી દીધા હોય તેવા વડીલોનું જ્યારે પરિવારમાં ઘર્ષણ થાય ત્યારે તેમણે ઘર બહાર નીકળવું પડતું હોય છે, જેમના માટે હેરો વિલ્સ્ટોનમાં 12 રૂમનું એક મકાન રાખી અમે ઘરકંકાસથી કંટાળેલા વડીલો માટે આશ્રય નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો, જ્યાં 12 વડીલો ઘરની જેમ રહેતા હતા.
હેરોમાં એશિયન્સ ઘણાં વર્ષોથી છે, જેમાં જવાહરલાલ નહેરુથી લઈને 60થી 70 મહારાજા અને નવાબો પણ સામેલ છે. આ અંગે અમે સંશોધન શરૂ કરી એશિયન્સ ક્યાં હતા, કેવા હતા અને કેટલી સંખ્યામાં હતા તે અંગેનો પ્રોજેક્ટ ‘એશિયન ઇન હેરો’ હજુપણ ચાલુ છે.
સી.બી. પટેલઃ એક એવો જમાનો હતો જ્યારે સંગતને કોઈ ગ્રાન્ટ મળતી નહોતી, તે સમયે કાંતિભાઈ નાગડા, અનિલાબહેન શાહ, મહેન્દ્રભાઈ અને દીપકભાઈ ગાંઠના પૈસા આપી પોસ્ટેજ અને ફોનનો ખર્ચો કરતાં હતાં. આ સમયે થોડી સેવા કરવાનો મને પણ અવસર મળ્યો હતો.
સી.બી. પટેલને જશ આપતાં કાંતિભાઈએ જણાવ્યું કે, નૂતન અને અદ્યતન સંગત સેન્ટરનો પાયો સી.બી. પટેલના હાથે જ નખાયો હતો.
સી.બી. પટેલઃ કાંતિભાઈએ જ્યારે કહ્યું કે, કોઈ સારી એવી રકમ અમને આપે તો સરકારી ગ્રાન્ટમાં અમને મદદ મળે, તે સમયે મેં સારી એવી રકમનો ચેક તેમને મોકલી આપ્યો હતો. આ સમયે કાંતિભાઈએ કહ્યું હતું કે, આટલા બધા પૈસાની જરૂર નથી. આવું ભાગ્યે જ બને છે.
સોનેરી સંગત કાર્યક્રમ દ્વારા કાંતિભાઈનું માર્ગદર્શન મેળવવા માગતા કલ્પનાબહેન પટેલ, સુભાષભાઈ પટેલ, દેવીબહેન પારેખ, જગદીશભાઈ દવે, કુસુમબહેન પોપટ, પંકજભાઈ જોશી વગેરેએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
કલ્પનાબહેનઃ હું 49 વર્ષથી લંડનમાં રહું છું, પરંતુ મારો પાસપોર્ટ ઇન્ડિયન છે. મારે રેસિડેન્ટલ પરમિટ જોઈતી હતી, જેના માટે હું તમારા દ્વારા એપ્લાય થઈ હતી. આપના દ્વારા મને રેસિડેન્ટલ પરમિટ મળી પણ ગઈ હતી. કાંતિભાઈ જે સેવા કરે છે તે ખૂબ ઓછા માણસો કરી શકે છે, આપણા એશિયન સમાજને ઉપરવાળાની કાંતિભાઈ મોટી ભેટ છે. 1976માં મારાં લગ્ન થયાં ત્યારે સંગત સેન્ટરે મારા પતિ સુભાષને બ્રિટિશ સિટીઝનશિપ અપાવી હતી, જે સમયે કોઈ ચાર્જ નહોતો કરતા. મારી દુકાનના બે સ્ટાફ મેમ્બર મિત્તલ અને પંકજ જોશીને પણ મદદ કરી બ્રિટનમાં એસ્ટાબ્લિશ કર્યા છે.
પંકજભાઈએ કહ્યું કે, મારી પ્રગતિ પાછળ કાંતિભાઈનો મોટો હાથ છે. વર્ષ 2008માં યુકે આવ્યા બાદ એક સમયે મારે કન્ટ્રી છોડવી પડે તેમ હતી, તે સમયે આપણા ગુજરાતી એવા સ્થાનિક સોલિસિટર્સ દ્વારા મને લૂંટી લેવામાં આવ્યો હતો. આ સમયે હું કાંતિભાઈ પાસે પહોંચ્યો હતો. કાંતિભાઈએ મને કહ્યું કે, બોલ કેટલા ચાર્જમાં કામ કરવું છે, હું તને આ કન્ટ્રી છોડવા નહીં દઉં. કાંતિભાઈએ માત્ર 75 પાઉન્ડમાં જ મારું કામ કરી આપ્યું હતું અને મારું જીવન બદલી દીધું હતું. કાંતિભાઈ માટે કહીશ કે, ‘મૂર્તિમાં ભગવાનનાં દર્શન થવાં હોય તો થાય, પરંતુ કાંતિભાઈમાં ચોક્કસ ભગવાનનાં દર્શન થાય છે.’
જગદીશભાઈ દવેએ જણાવ્યું કે, હું આ દેશમાં છું તેનું કારણ માત્ર કાંતિભાઈ જ છે. તૈમના લીધે જ હું અહીં રહી શક્યો, નહીં તો છ મહિનામાં જ મારે ભારત પરત ફરવું પડત. મને અહીંની દુવિધાથી ઉગાર્યો તો કાંતિભાઈએ જ. પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ હું અહીં કાયમી થયો તેના નિમિત્ત પણ કાંતિભાઈ જ છે.
સોનેરી સંગતના કાર્યક્રમમાં હાજર સુભાષભાઈ પટેલ, દેવીબહેન પારેખ, નવીનભાઈ ભાટિયા, શ્રીજિત રાજન દ્વારા યુકેમાં એશિયન્સ માટે મૂંઝવણરૂપ પ્રશ્નોના સમાધાન મેળવ્યાં હતાં.

