શું ઇરાન ઇઝરાયેલ સામે સીધા યુદ્ધમાં ઉતરવાનું દુઃસાહસ કરશે?

Wednesday 07th August 2024 06:15 EDT
 

ઇરાનની રાજધાની તહેરાનમાં હમાસની રાજકીય પાંખના નેતા ઇસ્માઇલ હાનિયાની હત્યાએ મધ્યપૂર્વ એશિયામાં ઉગ્ર તણાવ ફેલાવી દીધો છે. હાનિયાની હત્યાનો આરોપ ઇઝરાયેલી જાસૂસી સંસ્થા મોસાદ પર મૂકવામાં આવી રહ્યો છે. ઇરાન આ હત્યાનો બદલો લેવા માટે તલપાપડ બની રહ્યો છે. ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેની દુશ્મનાવટ આજકાલની નથી. ઇસ્લામિક ક્રાંતિ બાદ ઇરાનમાં સત્તામાં આવેલા કટ્ટરવાદી સત્તાધીશોએ હંમેશા દુનિયાના નક્શા પરથી ઇઝરાયેલને ભૂંસી નાખવાના હાકલા પડકારા કર્યાં છે પરંતુ અમેરિકા અને પશ્ચિમી મહાસત્તાઓના કારણે ઇઝરાયેલ સાથે સીધા યુદ્ધમાં ઝંપલાવવાનું જોખમ તેમણે વહોર્યું નથી. બાંગ્લાદેશના સર્જન બાદ પાકિસ્તાને જે રીતે ભારત સામે આતંકવાદ સ્વરૂપે છદ્મ યુદ્ધ શરૂ કર્યું તે જ તર્જ પર ઇરાન પણ દાયકાઓથી ઇઝરાયેલ સામે આતંકવાદીઓના ઓથા હેઠળ યુદ્ધ લડતો રહ્યો છે. લેબેનોનમાં હિઝબુલ્લાહ, પેલેસ્ટાઇનમાં હમાસ અને સુદાનમાં હૌથી ઉગ્રવાદીઓને ભરપૂર શસ્ત્ર અને આર્થિક સહાય આપીને ઇરાની સત્તાધીશો ઇઝરાયેલને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતાં રહ્યાં છે. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલ પર કરાયેલા હુમલા બાદ યહૂદી રાષ્ટ્રે પેલેસ્ટાઇનમાંથી હમાસનું નિકંદન કાઢવાનું અભિયાન શરૂ કર્યું તેની કડીમાં હમાસના ઘણા મોટા નેતાઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં છે. લેબેનોનમાં પણ ઇઝરાયેલ હિઝબુલ્લાહના કમાન્ડરોનો એક પછી એક સફાયો કરી રહ્યો છે. હાનિયાની હત્યા બાદ હવે સવાલ એ છે કે શું ઇરાન ઇઝરાયેલ સામે સીધું યુદ્ધ આદરવાનું જોખમ વહોરી લેશે? ઇઝરાયેલ સામેની લડાઇમાં ઇરાનને મધ્યપૂર્વના આરબ દેશો સાઉદી અરબ, ઇજિપ્ત, યુએઇ કે કતારનો સાથ મળવો મુશ્કેલ છે. ઇઝરાયેલ દ્વારા હમાસ સામે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની સામે પણ આરબ દેશોએ કોઇ પ્રત્યાઘાત આપ્યાં નથી. આવી સ્થિતિમાં ઇરાન ફક્ત રશિયા, ચીન અને ઉત્તર કોરિયા પર જ મદદ માટે મીટ માંડી શકે તેમ છે. પરંતુ રશિયા હાલ યુક્રેન સામેના યુદ્ધમાં વ્યસ્ત હોવાથી ઇરાનને રશિયાનો કેટલો સાથ મળી રહેશે તે એક મોટો સવાલ છે. ચીનના અમેરિકા સાથેના હિતો તેને ઇઝરાયેલ વિરોધી કાર્યવાહી કરતાં અટકાવશે અને ઉત્તર કોરિયા ઇરાનને મદદ કરવામાં પોતે કેટલો સક્ષમ છે તે પણ એક મોટો સવાલ છે. આમ ઇરાન ઇઝરાયેલ સામે સીધા યુદ્ધમાં ઉતરતાં પહેલાં સો વાર વિચાર કરશે તે નિશ્ચિત છે.


comments powered by Disqus