પ્રધાનમંત્રી મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા

Wednesday 07th August 2024 07:10 EDT
 
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા જાહેર થયા છે. 69 ટકા રેટિંગ સાથે પીએમ મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડેન અને બ્રિટનના વડાપ્રધાન કિઅર સ્ટાર્મરને પાછળ રાખી દીધા છે.

• કોચિંગ ક્લાસ દુર્ઘટનાની સીબીઆઈ તપાસનો આદેશઃ દિલ્હી IAS કોચિંગ ક્લાસના બેઝમેન્ટમાં પાણી ધસી જતા 3 વિદ્યાર્થીઓનાં મોત થયા હતા. જે અંગે દિલ્હી હાઇકોર્ટે CBI ને તપાસ સોંપવા આદેશ આપ્યો છે.

• જમ્મુ-કાશ્મીરમાં આગામી મહિને ચૂંટણીઃ કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડીએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સપ્ટેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. તેમણે લોકોને અનુરોધ કર્યો હતો કે, વિકાસકાર્યોને જાળવી રાખવા તથા આતંકવાદને ઉખાડી ફેંકવા ચૂંટણીમાં ભાજપને મત આપે.

• કેજરીવાલની ધરપકડને હાઇકોર્ટે યોગ્ય ઠરાવીઃ દિલ્હી લીકર કૌભાંડમાં સીબીઆઇ દ્વારા કેજરીવાલની ધરપકડ કરાઈ છે. કેજરીવાલની તમામ અરજીને દિલ્હી હાઇકોર્ટે ફગાવી તેની ધરપકડને યોગ્ય ગણાવી હતી અને જામીન આપવા ઇનકાર કરી દેવાયો હતો.

• મણિપુરમાં શાંતિ સમજૂતીના બીજા દિવસે હિંસાઃ મણિપુરના જીરીબામમાં શાંતિ સ્થાપવાના કરારના 24 કલાકની અંદર ફરી હિંસા ફાટી નીકળી. જીરીબામના લાલપાની ગામમાં શુક્રવારે 2 ઓગસ્ટે લોકોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કરી મકાનને આગ લગાવી હતી.

• તાજમહેલમાં 2 યુવકોએ ગંગા જળ ચઢાવ્યું: શનિવારે તાજમહેલમાં બે યુવકોએ ગંગાજળ ચડાવી ઓમ લખેલું સ્ટિકર પણ ચોંટાડ્યું હતું. આ બંને યુવક દ્વારા આ ઘટનાનો વીડિયો પણ બનાવાયો હતો, જેમાં તે મકબરામાં ગંગાજળ નાખતો દેખાઈ રહ્યો છે.

• ભરતનાટ્યમ નૃત્યાંગના યામિનીનું નિધન: પ્રખ્યાત ભરતનાટ્યમ્ નૃત્યાંગના યામિની કૃષ્ણમૂર્તિ (83)નું શનિવારે દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. યામિની ઉંમર સંબંધિત રોગથી પીડાતાં હતાં અને 7 મહિનાથી આઇસીયુમાં હતાં.

• દેશભરમાં 9થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 9થી 15 ઓગસ્ટ સુધી 'હર ઘર તિરંગા' અભિયાનનું એલાન કર્યું શાહે કહ્યું કે, નાગરિકોએ તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઈએ, તેની સાથે સેલ્ફી લેવી જોઈએ અને ‘હર ઘર તિરંગા’ વેબસાઈટ પર તસવીર અપલોડ કરવી જોઈએ.

• દેશની નબળી નેતાગીરી ચીન સામે ઘૂંટણીયેઃ સ્વામીઃ સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ચીને લદ્દાખમાં ભારતની 4,064 કિ.મી. જમીન છે, જેને મોદી સરકાર દેશથી છુપાવી રહી છે. વડાપ્રધાને ચીન સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે.

• ચીને LAC નજીક 400 મીટર પુલ બનાવાયોઃ ચીન દ્વારા ફરી એકવાર ભારતને અંધારામાં રાખીને LAC નજીક પેંગોંગ લેક પર 400 મીટર લાંબો પુલ બાંધ્યો છે. ચીન દ્વારા વિવાદિત જમીન પર પુલ બાંધવામાં આવતા ભારત માટે ખતરો વધ્યો છે.

• ફરી ભારતની મિત્રતા માટે ઝંખતું માલદીવઃ ભારતના પડોશી દેશ માલદીવના રાજકીય સમીકરણોમાં નવો વળાંક આવ્યો છે. રાષ્ટ્રપતિ મોઈઝ્ઝુ કાર્યકાળની શરૂઆતમાં ભારત વિરોધી વલણ માટે ઓળખાતા હતા. જો કે હવે ચીનના દેવાના ડુંગર નીચે કચડાતાં તેઓ ભારત તરફ દોસ્તીનો હાથ લંબાવતા દેખાઈ રહ્યા છે.

• ઇમરાન ખાન સેના સાથે ડીલ કરવા તૈયારઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને પ્રથમ વખત સેના સાથે વાત કરવાની રજૂઆત કરી છે. જેલમાં બંધ ઈમરાને પત્ર લખીને કહ્યું કે, શાહબાઝ સરકાર છેતરપિંડીથી સત્તામાં આવેલી કઠપૂતળી સરકાર છે.

• રાજકીય પક્ષોને દાનમાં ટેક્સમાં છૂટથી સરકારને રૂ. 12,270 કરોડનું નુકસાનઃ રાજકીય પક્ષોને દાનમાં મળેલી રકમ કરમુક્ત હોવાથી સરકારની તિજોરીને રૂ. 12,270 કરોડનું નુકસાન થયું છે. આ અંદાજ કેન્દ્રીય બજેટ 2024-25માં નાણાં મંત્રાલય દ્વારા રજૂ કરાયો છે. આ આંકડો 2021- 22ની સરખામણીમાં 13 ટકા વધારે છે.

• કોવિડની રસી પાછળ કેન્દ્ર સરકારે રૂ. 36 હજાર કરોડનો ખર્ચ કર્યોઃ રાજ્યકક્ષાના મંત્રી પ્રતાપરાવ જાધવે કહ્યું કે, દેશભરમાં 29 જુલાઈ સુધી કોવિડ-19ની વેક્સિનના 220 કરોડથી વધુ ડોઝ લોકોને અપાયા. વેક્સિન મૈત્રી કાર્યક્રમ હેઠળ 99 દેશ,ે 2 સંયુક્ત રાષ્ટ્ર સંગઠનને 3012 લાખથી વધુ ડોઝ મોકલાયા હતા. દેશવાસીઓ માટે રૂ. 36,398 કરોડનો ખર્ચ થયો હતો.


comments powered by Disqus