સોશિયલ મીડિયા પર ફેલાવાતા ખતરનાક જુઠ્ઠાણાં...

Wednesday 07th August 2024 06:08 EDT
 

અત્યાધુનિક ટેકનોલોજી કેટલી હદે બદતર પૂરવાર થઇ શકે છે તેનો તાદ્દશ દાખલો બ્રિટનમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી હિંસાએ આપી દીધો છે. સાઉથપોર્ટમાં એક ડાન્સ ઇવેન્ટમાં છરાબાજીની ઘટનામાં 3 નિર્દોષ કિશોરીઓએ જીવ ગુમાવ્યા ત્યારબાદ સોશિયલ મીડિયા પર હુમલાખોર અંગે ફેલાવાયેલી ખોટી અફવાઓએ કરૂણાંતિકાની આગમાં ઘી હોમવાનું કામ કર્યું અને તેના દુષ્પરિણામો બ્રિટનની જનતા છેલ્લા એક સપ્તાહથી જોઇ રહી છે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવામાં આવી કે હુમલાખોર 17 વર્ષીય સગીર મુસ્લિમ અને ગેરકાયદેસર માઇગ્રન્ટ છે. તે બ્રિટનમાં રાજ્યાશ્રય ઇચ્છી રહ્યો છે. બસ પછી તો બ્રિટનમાં કટ્ટર જમણેરી વિચારધારા ધરાવતા જૂથો અને લોકોના હાથમાં પલિતો ચાંપવાનું ઇંધણ આવી ગયું હતું. સાઉથપોર્ટની કરૂણાંતિકા પછી લંડન સહિત બ્રિટનના સંખ્યાબંધ શહેરોમાં કટ્ટર જમણેરીઓ સડકો પર ઉતરી આવ્યા અને સભ્ય બ્રિટિશ સમાજની તસવીરને છિન્ન ભિન્ન કરી નાખી. આજે સોશિયલ મીડિયા માનવીની નસ નસમાં વ્યાપ્ત થયું છે. દુનિયાના કોઇપણ ખૂણામાં બનતી ઘટના આજે માનવીના આંગળીના ટેરવા પર આવી ચૂકી છે પરંતુ જ્યારે આજ માધ્યમનો ઉપયોગ જુઠ્ઠાણા ફેલાવવા માટે કરાય છે ત્યારે આ પ્રકારની અંધાધૂંધી પ્રસરી જાય છે. સમાજમાં અશાંતિની હૂતાશનમાં પોતાની રોટલી શેકવા માટે તત્પર લોકો દ્વારા સોશિયલ મીડિયા પર જુઠ્ઠાણા ફેલાવવામાં આવે છે અને અજ્ઞાનીઓ તેની પૂરેપૂરી ખરાઇ કર્યા વિના ગાડરિયા પ્રવાહમાં જોડાઇ જતાં હોય છે. આવી સ્થિતિ કોઇપણ સમાજ અને દેશ માટે ખતરનાક પૂરવાર થતી હોય છે. તેનો લાભ અસામાજિક તત્વો ખાટી જતાં હોય છે. તોફાનીઓ અણસમજુ હોઇ શકે છે પરંતુ તેમની જે રીતે સુનિયોજિત રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉશ્કેરણી કરાય છે તે ભયાવહ બની રહે છે. આજે કરોડો લોકો ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ટ્વિટર-એક્સ, ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા માધ્યમો પર સતત સક્રિય રહે છે. તેમના પર જે પ્રકારે ઝેર ઓકવામાં આવે છે અથવા તો જુઠ્ઠાણા ફેલાવવામાં આવે છે તે યૂઝર્સના વિચાર અને પ્રવૃત્તિઓ પર પ્રભુત્વ જમાવી દે છે અને તેના દ્વારા સર્જાતી પ્રતિક્રિયાઓ સામાજિક એકતા પર કુઠારાઘાત સમાન પૂરવાર થાય છે. દુર્ભાગ્યની વાત તો એ છે કે સોશિયલ મીડિયા આ પ્રકારની અંધાધૂંધીની જવાબદારી લેવા તૈયાર થતું નથી. સરકારે સમાજમાં અસહિષ્ણુતા ફેલાતી અટકાવવા માટે સોશિયલ મીડિયાના જુઠ્ઠાણાઓ પર લગામ કસવા આકરા પગલાં અને કડક કાયદાની દિશામાં આગળ વધવું જ પડશે.....


comments powered by Disqus