ABPLના પ્રકાશક અને એડિટર ઈન ચીફ સીબી પટેલે જણાવ્યું હતું કે,‘આપ સહુના સપોર્ટ અને પ્રાર્થનાઓ બદલ આપ સહુનો ઘણો ઘણો આભાર. યુકેમાં 70 મિલિયન લોકોની વસ્તીમાં માત્ર 2 મિલિયન લોકો ભારતીય મૂળના છે પરંતુ, તેમણે ભારતીય મૂળના વડા પ્રધાન આપ્યા છે. આજે કતારમાં યુકેના રાજદૂત નિરવ પટેલ ભારતીય છે જેઓ, મારા ગામ ભાદરણથી આવે છે. તેમના દાદા મારા વડીલ મિત્ર હતા. હું ઘણો જ ખુશ છું કે આપણે યુકેમાં રહીએ છીએ. હું ભારતના પ્રવાસે ગયો હતો અને છેલ્લા 21 દિવસમાં ભારતના ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી. લંડન 58 વર્ષથી મારું રહેઠાણ છે અને હું આ બધા માટે આ દેશનો ઋણી છું પરંતુ, હું એ કદી ભૂલીશ નહિ કે ભારત મારી જન્મભૂમિ છે. આપણે આ દેશ અને ભારત વચ્ચેની કડી- સેતુસમાન છીએ.’
સીબીએ ઉમેર્યું હતું કે,‘આપણી જવાબદારીઓ છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ કોમ્યુનિટીની સેવા કરીને જ આગળ આવ્યા છે. આ માત્ર ન્યૂઝ પેપર્સ નથી, વર્ષો દરમિયાન અમે ઘણા પડકારોનો સામનો કર્યો છે. પરંતુ, મારે એ કહેવું જ રહ્યું કે રમેશભાઈ કણસાગરા જેવા લોકો, તમે બધા તેમજ અમારા એડવર્ટાઈઝર્સ અને વાચકોમાંથી અસંખ્યના સાથ અને સહકાર થકી અમે અમારા જ્ઞાન યજ્ઞ અને સેવા યજ્ઞને સતત ચાલતો રાખવા શક્તિમાન બન્યા છીએ. રીડર્સ ગ્રૂપ અને એડવર્ટાઈઝર્સમાંથી અહીં હાજર ઘણા લોકો છે જેમના સપોર્ટ વિના અમે આજે જ્યાં ઉભા છીએ ત્યાં પહોંચી શક્યા ન હોત’
સીબીએ જણાવ્યું હતું કે,‘સંગત સેન્ટરે કોમ્યુનિટીની સેવા કરી છે. તેઓ સરકાર પાસેથી ગ્રાન્ટ્સ મેળવતા નથી. તેઓ કોમ્યુનિટીના સ્તંભ છે. હું વિશેષપણે ભાનુબહેન કાન્તિભાઈ નાગડા અને અનિલાબહેન શાહની નિઃસ્વાર્થ સેવાને યાદ કરવા માગું છું. અહીં ઉપસ્થિત વધુ એક પ્રેરણાદાયી વ્યક્તિત્વનો હું ઉલ્લેખ કરવા ઈચ્છું છું તે નવનાત સેન્ટરના હોલ સેક્રેટરી હસ્મિતાબહેન દોશી છે. તેમની ઉપસ્થિતિ આપણને સંદેશ આપે છે કે જીવન વહેતું જ રહે છે. તેમના પતિ ડો. વિનોદરાયના દુઃખદ અવસાન પછી તેઓ આ પ્રથમ વખત જાહેર કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત રહ્યાં છે. આજના ઈવેન્ટના ઉદ્ઘોષિકા અને લાઈફ કોચ સ્મિતાબહેન જોશીએ આપણને ખુદની સાથે સંકળાવામાં મદદ કરી છે.’
ઓમ કેર યુકે લિમિટેડના સીઈઓ પ્રણવ વોરાએ જણાવ્યું હતું કે, ‘ઓમ શાંતિનું પ્રતીક છે અને ગીતા આપણને અનુકંપા અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યો શીખવે છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ ધર્મ સ્વરૂપે કર્તવ્ય-ફરજ પર ભાર મૂકે છે. ઓમ કેરમાં અમારા કેરટેકર્સ ઘરમાં રહી વૃદ્ધ વડીલોની સેવાનું કાર્ય જવાબદારીની ભાવના સાથે નિભાવે છે જે સહાનુભૂતિ અને સમજણ થકી સહાયથી પણ વિશેષ હોય છે. દરેક વ્યક્તિની જરૂરિયાત અનુસાર અપાતી અમારી સેવા માત્ર શારીરિક મદદ-સહાય નહિ પરંતુ, સંવેદનાત્મક સપોર્ટ પણ હોય છે. અમારા કેરટેકર્સ હંમેશાં નિઃસ્વાર્થ સમર્પણ અને વિનમ્રતા સાથે કાર્ય કરે છે. આપણે સહુના સપોર્ટ અને લોકલ કાઉન્સિલ્સના સહયોગ થકી પ્રતિબદ્ધ અને સંયોજિત કોમ્યુનિટીનું સર્જન કરી શકીશું.’
યુનાઈટેડ કિંગ્ડમના યુરોપ અને નોર્થ અમેરિકા માટેના પૂર્વ મિનિસ્ટર ઓફ સ્ટેટ કિથ વાઝે જણાવ્યું હતું કે,‘રાજકીય નેતાઓ, સુસાન હોલ અને કૃપેશ હિરાણી જેવા વિરોધી પાર્ટીઓના પ્રતિનિધિઓ તેમજ આપણી કોમ્યુનિટીના રમેશ કણસાગરા, વિનુ ભટ્ટેશા જેવા મહાન પરગજુ વ્યક્તિત્વો તેમજ નવીન શાહ, કાન્તિ નાગડા જેવા હેરોની દીર્ઘસેવા કરનારાઓ સહિતને એક સાથે લાવવાનું સીબી સિવાય અન્ય કોણ કરી શકે? સીબી પટેલની આ અનોખી વિશિષ્ટતા છે.’ તેમણે ઉમેર્યું હતું કે,‘ સીબી, તમે જાહેર જીવનમાં બધાને સપોર્ટ કર્યો છે ભલે તેઓ કોઈ પણ પાર્ટીના હોય. હું 25 વર્ષની ઉંમરનો હતો ત્યારે સૌપહેલા તેમની પાસે આવ્યો હતો. હું રિચમોન્ડથી પાર્લામેન્ટ માટે ઉમેદવારી કરી રહ્યો હતો ત્યારે તેમણે મને ટેકો આપ્યો હતો. મેં કદી સ્વપ્નામાં પણ વિચાર્યું ન હતું કે મારા જીવનકાળમાં આપણને ભારતીય મૂળના વડા પ્રધાન મળશે. શું આ આશ્ચર્ય નથી? અકલ્પનીય પરિવર્તનો, એશિયન મૂળના હોમ સેક્રેટરી, ફોરેન સેક્રેટરી. અત્યારે તો દરેક જણ નરેન્દ્ર મોદીને જાણે છે પરંતુ, ભૂતકાળમાં બધા જાણતા ન હતા. સીબીના લીધે નરેન્દ્ર મોદી યુકેની મુલાકાત લઈ શક્યા હતા. જ્યારે કોઈ તેમની સાથે ન હતું ત્યારે સીબી તેમની સાથે હતા.’
કિથ વાઝે ઉમેર્યું હતું કે,‘હું માનું છું કે કોમ્યુનિટીને સપોર્ટ કરતા ન્યૂઝપેપર્સ સાથે તેઓ આપણી નિકટ છે તે આપણું સદ્નસીબ છે. તેમણે મને ગુજરાતીમાં સૌપહેલા શબ્દો કહ્યા હતા - તમને શું તકલીફ છે? અને આ જ શબ્દોની લેસ્ટરમાં તમને જરૂર પડે છે. મેં સીબીને પૂછ્યછયું જો તેમને કોઈ તકલીફો હોય તો શું કરવાનું, અને તેમણે કહ્યું તમારે તેને ઉકેલી આપવાની.’
હેરોના મેયર કાઉન્સિલર રામજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે,‘તમારા બધાની સાથે મળવાનો ખૂબ આનંદ છે. સીબી હંમેશાં યુવાનોને પ્રોત્સાહિત કરે છે. યુવાન લોકો મોખરાની હરોળમાં આવે અને કોમ્યુનિટીની શક્ય એટલી મદદ કરે તેવી તેઓ ચોકસાઈ રાખે છે. મારી ચેરિટી RITA ફાઉન્ડેશન ઉપયોગમાં સરળ ઈન્ટરએક્ટિવ ટચ-સ્ક્રીન સાધનની મદદથી ઉપચારાત્મક પ્રવૃત્તિઓ પૂરી પાડે છે. તે વૃધ્ધ લોકો અને ડિમેન્શીઆથી પીડાતા લોકોને ઉપચારાત્મક સપોર્ટ ઓફર કરે છે. આપ સહુને તેને સપોર્ટ કરવા આમંત્રિત કરું છું.’
લંડનના મેયરપદ માટે કન્ઝર્વેટિવ ઉમેદવાર સુસાન હોલે જણાવ્યું હતું કે,‘આ મેળાવડાનો હિસ્સો બનવામાં મને આનંદ થયો છે. હું ઘણાં વર્ષથી સીબી વિશે સાંભળતી આવી છું અને તેઓ કેટલા અદ્ભૂત વ્યક્તિ છે તે જાણું છું. કોમ્યુનિટી આ બંને અખબારોને ચાહે છે. હું વિવિધ પક્ષોમાંથી મારાં મિત્રોને જોઈ શકું છું. આપણે ચોકસાઈ રાખીએ કે લોકો જ્યાં પણ હોય તેમના માટે શ્રેષ્ઠ કાર્ય આપણે કરી શકીએ. આપણે કોઈ પણ પક્ષના હોઈએ, રહેવાસીઓ માટે શ્રેષ્ઠ કામ કરવા માટે જ ચૂંટાઈએ છીએ. હું પણ આ જ કરવાં ઈચ્છું છું.’ તેમણે કહ્યું હતું કે,‘જો હું લંડનના મેયર તરીકે ચૂંટાઈશ તો સૌ પ્રથમ કાર્ય ULEZ વિસ્તરણને અટકાવવાનું કરીશ. પહેલા જ દિવસથી તેને અટકાવી દેવાશે. આપણી શેરીઓમાં સલામતી એ ચિંતાનો બીજો વિષય છે. આપણે પોલીસમાં સુધારણા કરવાની અને અપરાધોને ઉકેલવા તેમને ફરી કામગીરી પર ચડાવી દેવાની તાતી જરૂરિયાત છે.’
ICICI UK ના MD અને CEO લોકનાથ મિશ્રાએ જણાવ્યું હતું કે,‘હું પાંચ વર્ષ અગાઉ સીબીને મળ્યો હતો. મને ધ્યાનમાં આવ્યું કે સીબી મારા કરતાં ઘણું ઝડપી ચાલે છે. છ મહિના પહેલાં પણ અમે મળ્યા ત્યારે તેમની સાથે ચાલનો તાલ મેળવવાનું મારા માટે અઘરું બની રહ્યું હતું. તેઓ આકર્ષણ અને સમગ્ર કોમ્યુનિટી પર ભારે પકડ ધરાવતા અદ્ભૂત વ્યક્તિ છે. તેઓ લોકોને પોતાના પડખામાં રાખે છે.’
ઈલિંગના મેયર કાઉન્સિલર હિતેશ ટેઈલરે જણાવ્યું હતું કે, ‘સીબી હંમેશાં સહયોગ આપતા રહે છે. હું ઈલિંગનો સર્વપ્રથમ ગુજરાતી મેયર છું. મને સન્માન મળ્યું છે કે જલારામ મંદિર દ્વારા સર્વિસની યજમાની કરવામાં આવી અને આધ્યાત્મિક ઉત્થાનની ભવ્ય સર્વિસના આયોજનમાં મદદ અપાઈ હતી. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ અખબારો હંમેશાં કોમ્યુનિટીની પડખે ઉભા રહે છે.’
વેલ્વીન હેટફિલ્ડના મેયર કાઉન્સિલર પંકિત શાહે જણાવ્યું હતું‘ કે,‘ હું સીબી પટેલનો હૃદયથી આભાર માનું છું. અહીં આવ્યાનો આનંદ છે. હું અમારા શહેરનાં છેલ્લા 150 વર્ષના ઈતિહાસમાં પ્રથમ ભારતીય મેયર છું. મારો જન્મ અહીં થયો ન હતો, હું 20 વર્ષ પહેલાં અહીં વિદ્યાર્થી તરીકે આવ્યો હતો. હેટફિલ્ડ ફૂડબેન્ક ટ્રસેલ ટ્રસ્ટ ફૂડબેન્ક્સના નેટવર્કનો એક હિસ્સો છે અને હેટફિલ્ડ વિસ્તારમાં કટોકટીના સમયે લોકોને ઈમર્જન્સી ફૂડ અને સપોર્ટ પૂરાં પાડે છે.’
નવનાત હોલના સેક્રેટરી હસ્મિતાબહેન દોશીએ જણાવ્યું હતું કે,‘ મારાં પતિના દુઃખદ અવસાન પછી હું પહેલી વખત ઘરની બહાર નીકળી છું. સીબીએ મને પ્રોત્સાહન આપ્યું અને તેમની પ્રેરણા થકી જ હું આવી છું. આપનો ઘણો જ આભાર.’
સંગત સેન્ટરના સીઈઓ શ્રી કાન્તિ નાગડા MBEએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,‘આપ સહુને સંગત સેન્ટરમાં આવકારતા મને ઘણો આનંદ થાય છે. આ રજિસ્ટર્ડ ચેરિટી છે અને અમે ઈમિગ્રેશન, વેલ્ફેર બેનિફિટ્સ, હાઉસિંગ, લગ્ન વગેરે બાબતો પર સલાહ અને માર્ગદર્શન પૂરાં પાડીએ છીએ. અમે ટ્રિબ્યુનલ્સ અને હાઈ કોર્ટમાં કેસીસ લઈ જઈએ છીએ. ટુંકમાં કહું તો, અમે મિની સિટિઝન્સ એડવાઈઝ બ્યૂરો છીએ.’ તેમણે ઉમેર્યું હતું કે કોમ્યુનિટીની સેવા કરવી તે સરળ કામ નથી. અમે વોર્મ બેન્ક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને ઠંડીથી બચવા લોકોને હુંફાળી અને સલામત જગ્યા પૂરી પાડી હતી એટલું જ નહિ, સામાજિક આદાનપ્રદાન અને માનસિક સ્વાસ્થ્યને વધારવા માટે સંખ્યાબંધ પ્રવૃત્તિઓ પણ ઓફર કરી હતી. COVID-19,ના સમયગાળામાં એકલતા અને એકાંતની વિષમ અસરોનો સામનો કરવા અમે ડિજિટલ ટેકનોલોજીની સુવિધા પૂરી પાડી હતી તેમજ 29 લોકોને આઈપેડ્સ પૂરાં પાડી વધુ અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ અને સામાજિક મેળમિલાપ તેમજ આરોગ્યની જરૂરિયાતોમાં સારાં પરિણામો મેળવી શકાય તે માટે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે શીખવ્યું હતું. સામૂહિક કામગીરીની શક્તિ અને અનુકંપાસભર નાના કામ પણ લોકોના જીવન પર કેવી મોટી અસર સર્જી શકે તેની આ સાબિતીઓ છે.’
એવોર્ડવિજેતા લેખિકા, સર્ટિફાઈડ યોગશિક્ષક અને લાઈફ કોચ સ્મિતાબહેન જોશીએ આ કાર્યક્રમના ઉદ્ઘોષિકાની કામગીરી બજાવી હતી. રોકીભાઈએ સુમધુર ગીતો રજૂ કર્યા હતા. લુઈપોરિઆ નાસોનીના સ્થાપક, NEICCUKના સેક્રેટરી અને યુનાઈટેડ આસામ એસોસિયેશન ઓફ યુકેના કલ્ચરલ સેક્રેટરી ચિનુ કિશોર દ્વારા નોર્થ ઈસ્ટ ઈન્ડિયાના સુંદર લોકનૃત્ય રજૂ કરાયા હતા.
ગ્રૂપ એડિટર મહેશભાઈ લિલોરિયાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
ફોટો સૌજન્યઃ રાજ બકરાણિયા, PR MEDIA PIX
• પેટ્રન્સ, એડવર્ટાઈઝર્સ, વાચક બિરાદરો અને શુભેચ્છકોના પાંચ દાયકાના વ્યાપક સમર્થનનો આભાર વ્યક્ત કરવા ABPL ટીમ દ્વારા સ્નેહમિલન સમારંભનું આયોજન
• કોમ્યુનિટીની સેવા કરવા સહુને પ્રોત્સાહિત કરી એક મંચ પર લાવવાની સીબીની અનોખી વિશિષ્ટતાઃ કિથ વાઝ
• સીબી લોકોને પોતાના પડખામાં રાખે છેઃ લોકનાથ મિશ્રા
• સીબી ચોકસાઈ રાખે છે કે યુવાન લોકો મોખરાની હરોળમાં આવે અને કોમ્યુનિટીની શક્ય એટલી મદદ કરેઃ હેરોના મેયર
• આપણે મળીને પ્રતિબદ્ધ અને સંયોજિત કોમ્યુનિટીનું સર્જન કરીએઃ પ્રણવ વોરા
• કોમ્યુનિટી આ બંને અખબારોને ચાહે છેઃ સુસાન હોલ

