એંગ્ઝાયટી કે વ્યાકુળતા કેવી રીતે ઘટાડશો? આ પાંચ રીત અજમાવી જુઓ...

Tuesday 06th February 2024 08:17 EST
 
 

માનવજીવનમાં તણાવપૂર્ણ જીવનશૈલી, વર્કલોડ અથવા ખરાબ અનુભવો સહિત કેટલાક એવાં કારણો છે, જેના પરિણામે, એંગ્ઝાયટી અથવા બેચેની કે વ્યાકુળતા વધે છે. એંગ્ઝાયટી એક એવી માનસિક સ્થિતિ છે, જેમાં વ્યક્તિ નર્વસનેસ અનુભવે છે. ચિંતા, ભયની ભાવના વધી જાય છે. કેટલાક લોકોમાં પરસેવો થવો અને ધબકારા વધી જવા જેવી સ્થિતિ પણ જોવા મળે છે. એંગ્ઝાયટીની શારીરિક, માનસિક અને વ્યવહારિક એમ ત્રણ રીતે અસર થાય છે. સ્ટેટિસ્ટાના એક સરવે અનુસાર દેશમાં લગભગ 88 ટકા યુવાનો કોઈ ને કોઈ પ્રકારની એંગ્ઝાયટીનો ભોગ બનેલા છે. જોકે, કેટલાક લોકો અને ખાસ કરીને પોઝિટિવ માનસિકતા સાથેના લોકોમાં એંગ્ઝાયટી ખુબ જ ઓછી હોય છે તો કેટલાકમાં તેનું વધુ પ્રમાણ હોય છે. આવી બેચેની દિવસો, મહિનાઓ કે વર્ષો સુધી ચાલુ રહી શકે છે. શરીર અને મન માટે એંગ્ઝાયટી ઘણી ખરાબ સ્થિતિ છે અને તેના પર કાબુ રાખવો જોઈએ. આપણે એંગ્ઝાયટીને નિયંત્રિત કરવામાં ઘણી મદદ મળી શકે એવી પાંચ રીત વિશે જાણીએ.
પ્રથમ રીતઃ વિઝ્યુલાઈઝેશન – કલ્પનાશીલ બનો
એંગ્ઝાયટીનો અહેસાસ થતાં જ કોઈ શાંત સ્થાન પર બેસી જાઓ. હવે એવા સ્થાનની કલ્પના કરો જ્યાં સૌથી વધુ શાંતિ મળતી હોય. આ કોઈ પણ વાસ્તવિક કે કાલ્પનિક સ્થાન હોઈ શકે છે. જો તમે અગાઉ ત્યાં ગયા હો તો એ મુલાકાત સમયની નાનામાં નાની વાત વિશે પણ વિચારો. કુદરતી સૌંદર્યના વાતાવરણના અવાજો અને અનુભવો યાદ કરો. તમને જ્યારે આ ‘હેપ્પી પ્લેસ’ મળી જાય તો આંખ બંધ કરીને તેનો વિચાર કરવા સાથે ધીમે-ધીમે નાક વડે શ્વાસ લો અને મોંઢામાંથી છોડો. પોતાને શાંત ન અનુભવો ત્યાં સુધી આ કલ્પનાને ચાલુ રાખો.
બીજી રીતઃ ખુદને વર્તમાનમાં લાવો
શાંત સ્થાન પર બેસી જાઓ. આંખો બંધ કરીને ધીમે-ધીમે શ્વાસ લો. શ્વાસને શરીરમાં આવતા-જતા અનુભવો. હવે શરીર પરથી ધ્યાન ખસેડી આજુબાજુની વસ્તુઓ પર લગાવો. વિચારો કે નજીમાં શું ચાલી રહ્યું છે? તમને શું સંભળાઈ રહ્યું છે કે આજુબાજુની સુગંધ અનુભવો. ધ્યાન દૂર કરવાની આપ્રકિર્યાને અનેકવાર શરી૨ અને વાતાવરણ વચ્ચે રિપીટ કરો. ધીમે-ધીમે એંગ્ઝાયટી ઘટી જશે.
ત્રીજી રીત: 20થી વધુ આંકની ગણતરી કરો
એંગ્ઝાયટી અનુભવો ત્યારે 10ની સંખ્યા સુધી ગણો અને જરૂર જણાય તો 20ની સંખ્યાથી આગળ જાઓ. જ્યાં સુધી એંગ્ઝાયટીમાં ઘટાડો કે રાહત ન અનુભવો ત્યાં સુધી આ ગણતરીની પ્રક્રિયા રિપીટ કરતા રહો . હકીકતમાં તમે જ્યારે ગણતરી કરવા લાગો છો ત્યારે તમારું ધ્યાન ગણતરીમાં પરોવાય છે અને એંગ્ઝાયટી પેદા કરનારા વિષયથી દૂર થાય છે. ઘણી વખત તાત્કાલિક ફાયદો દેખાય છે,
પરંતુ ઘણી વાર સમય પણ લાગે છે. એટલે ધીરજ રાખશો તો લાભ અવશ્ય થશે.
ચોથી રીતઃ મસલ્સ રિલેક્સિંગ
મન ચિંતાથી ભરાઈ ગયું હોય ત્યારે સ્નાયુઓને શિથિલ બનાવવાથી હળવાશ મળે છે. શરીરને શવાસનની સ્થિતિમાં રાખવાથી પણ વ્યગ્રતામાં રાહત મળે છે. ચિંતાની હાલતમાં નાક વડે ધીમે-ધીમે શ્વાસ લઈ મોંઢા વાટેથી છોડતા જાઓ. હવે જોશથી મુઠ્ઠી બાંધો. આ દરમિયાન હાથમાં થતા ખેંચાણને અનુભવો અને ધીમે-ધીમે મુઠ્ઠી ઢીલી કરો. આમ કરવાથી ખુદને અને હાથને રિલેક્સ થતાં અનુભવશો. આવું જ શરીરના અલગ-અલગ અવયવો જેમકે ખભા, પગ, જાંઘના મસલ્સને પણ રિલેક્સ કરો. જો શરીરનાં કોઈ અંગઉપાંગોમાં ઈજા હોય કે દુઃખાવો થતો હોય ત્યાં આ રીતનો ઉપયોગ કરશો નહિ.
પાંચમી રીતઃ વિચારોની સાંકળ તોડો
• સૌથી પહેલા ખુદને એક સવાલ પૂછો કે શું અનિયંત્રિત વિચારોની સાંકળ ચિંતાજનક સમસ્યા બની રહી છે. જો જવાબ હા છે તો આ રીત અનુસરો.
• જેના કારણે એંગ્ઝાયટી અથવા વ્યાકુળતા જણાતી હોય તેના સંબંધિત સુર-તાલ વગરનું ‘મેરી ભેંસ કો દંડા ક્યું મારા’ જેવું ગીત બનાવીને પણ ગાઓ. આવાં ગીતનો રમુજી અંદાજ ચિંતાજનક વિષયની ગંભીરતાને ઘટાડી દેશે.
• ચિંતા કે બેચેની પેદા કરતા વિચારોને છોડવા કોઈ સારા વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરો, જેમકે તમને પ્રિય વ્યક્તિ, મનગમતું સ્થાન કે પછી તમે નજીકનાં ભવિષ્યમાં જે કામ કરવા માગતા હો. જેમકે, રાતનું સારું ડિનર શું હશે?


comments powered by Disqus