ખાટલે મોટી ખોડ એનએચએસની સિસ્ટમમાં જ.....

Wednesday 07th February 2024 04:50 EST
 

એનએચએસના મામલે વડાપ્રધાન રિશી સુનાકે પણ હથિયાર હેઠાં મૂકી દીધાં હોવાનું પ્રતીત થઇ રહ્યું છે. એક મુલાકાતમાં તેમણે જણાવ્યું કે એનએચએસનું વેઇટિંગ લિસ્ટ ઘટાડવામાં તેઓ નિષ્ફળ રહ્યાં છે. દર શિયાળાની જેમ આ વખતે પણ ગંભીર કટોકટીનો સામનો કરતી એનએચએસ બદતર રેકોર્ડ તોડી રહી છે. એનએચએસમાં સારવાર માટેનું વેઇટિંગ લિસ્ટ 7.6 મિલિયનને પાર કરી ગયું છે જે કોરોના મહામારી કરતાં 3.4 મિલિયન વધુ છે. હીપ રિપ્લેસમેન્ટ, ની સર્જરી અથવા તો ફિઝિયોથેરાપી માટે 10 લાખ કરતાં વધુ દર્દી પોતાના વારાની રાહ જોઇ રહ્યાં છે. 2010 પછી એનએચએસના વેઇટિંગ લિસ્ટમાં 3 ગણો વધારો નોંધાયો છે. કોરોના અને ફ્લૂના નવા વેવ અને હડતાળોએ એનએચએસની કટોકટી વધુ ગંભીર બનાવી છે. એ વાતમાં કોઇ શંકા નથી કે એનએચએસમાં નિષ્ઠાપુર્વક ફરજ બજાવતા કર્મચારીઓના કારણે લાખો દર્દીઓને ઉત્કૃષ્ટ સારવાર પ્રાપ્ત થાય છે પરંતુ ખાટલે મોટી ખોડ એનએચએસની સિસ્ટમમાં જ છે. એનએચએસની સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી નથી. એમ્બ્યુલન્સના રિસ્પોન્સ ટાઇમમાં ફરી એકવાર વધારો થયો છે. ગયા વર્ષે એક સમયે એમ્બ્યુલન્સ રિસ્પોન્સ ટાઇમ સરેરાશ 90 મિનિટ પર પહોંચી ગયો હતો. સામાન્ય રીતે 18 મિનિટમાં એમ્બ્યુલન્સ પહોંચી જવી જોઇએ. આ સ્થિતિમાં થોડો સુધારો તો થયો છે પરંતુ હજુ પણ એમ્બ્યુલન્સ રિસ્પોન્સ ટાઇમ લગભગ 46 મિનિટ છે. આમ એમ્બ્યુલન્સ રિસ્પોન્સ ટાઇમનો લક્ષ્યાંક હાંસલ કરવામાં પણ એનએચએસ નિષ્ફળ રહી છે. એ વાતમાં કોઇ શંકા નથી કે ડોક્ટરોની હડતાળોએ એનએચએસની સ્થિતિ વધુ ગંભીર બનાવી છે. પરંતુ સમસ્યા માટે આ એક જ કારણ જવાબદાર નથી. કોરોના મહામારીના કારણે પ્લાન્ડ સર્જરીના બેકલોગમાં વધારો થયો હતો. એનએચએસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેના ખર્ચ પર મૂકાયેલા કાપના કારણે પણ જર્જરિત બન્યું છે. આંતરરાષ્ટ્રીય સરખામણીમાં પણ એનએચએસની કામગીરી કથળી ગઇ છે. સરેરાશ આયુષ્યમાં ઘટાડો થઇ રહ્યો છે. લાંબા સમય સુધી બીમારીમાં જીવતા લોકોની સંખ્યામાં મોટો વધારો થયો છે. લોકોમાં એનએચએસની બિનકાર્યક્ષમતા પર વ્યાપક નારાજગી પ્રવર્તી રહી છે. સિસ્ટમમાં પ્રોડક્ટિવિટીની સમસ્યા છે. વધુ ડોક્ટરો અને નર્સોની નિયુક્તિ છતાં એનએચએસની સિસ્ટમમાં સુધારો થઇ રહ્યો નથી. એનએચએસમાં અસામાન્ય લોકો અદ્દભૂત સિદ્ધીઓ પ્રાપ્ત કરી રહ્યાં હોવા છતાં એક સિસ્ટમ તરીકે એનએચએસ તેના સંશોધકો પાસેથી શીખ મેળવવા તૈયાર નથી.


comments powered by Disqus