પાકિસ્તાનમાં ફરી એકવાર લોકશાહીની નૌટંકી રચાઇ રહી છે. સામાન્ય રીતે દર ચાર કે પાંચ વર્ષે વિવિધ દેશોમાં ચૂંટણી યોજાતી હોય છે જેથી જનતાની પસંદગીની સરકાર રચાય. પરંતુ પાકિસ્તાનમાં એવું થતું નથી. પાકિસ્તાનમાં જનતાની પસંદની નહીં પરંતુ પાકિસ્તાની સેનાના આક્કાઓને પસંદ અને હિતકારક હોય તેવા જ નેતા સત્તાની ખુરશી પર બેસી શકે છે. પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ ફરી એકવાર સેનાની નવી કઠપૂતળીની પસંદગી માટે મતદાન થયું. એમ કહેવાય છે કે પાકિસ્તાનમાં ન્યાયી અને મુક્ત ચૂંટણી છેક 1970ના દાયકામાં થઇ હતી. ત્યાર પછી 10થી વધુ વાર યોજાયેલી સંસદીય ચૂંટણીઓ ગેરરિતીઓથી મુક્ત રહી શકી નહોતી. પાકિસ્તાનમાં સેનાએ એકવાર સત્તાનું લોહી ચાખી લીધાં પછી કોઇ સરકાર સેનાની ઇચ્છા વિરુદ્ધ કામ કરી શકી નથી. આમ પણ પાકિસ્તાનમાં એક દાયકા કરતાં વધુ સમય સુધી સેનાનું એકહથ્થુ શાસન રહ્યું હતું. આજે પણ સેનાની ઇચ્છા પ્રમાણે કામ કરનાર નેતા અને પાર્ટી જ પાકિસ્તાનમાં સત્તા હાંસલ કરી શકે છે. નવાઝ શરિફ અને ઇમરાન ખાન તેના તાદ્દશ ઉદાહરણો છે. 2018માં પાકિસ્તાની સેનાએ નવાઝ શરિફ અને તેમની પાર્ટીને પુનઃસત્તામાં આવવા દીધી નહોતી કારણ કે નવાઝ શરિફ પાકિસ્તાની સેનાની ઇચ્છા વિરુદ્ધ ભારત સાથે સારા સંબંધો સ્થાપવાની તરફેણ કરી રહ્યા હતા. શરિફ સ્થાનિક જેહાદી સંગઠનોને સમર્થન આપતી સેનાની નીતિનો અંત લાવવા માગતા હતા. તેના કારણે સેનાએ ઇમરાન ખાન પર પસંદગી ઉતારી. ઇમરાનની તેહરિક-એ-ઇન્સાફ પાર્ટી સત્તા પર આવી હતી. પરંતુ ઇમરાન ખાન સાથેનું સેનાનું ઇલૂ ઇલૂ ઝાઝો સમય ચાલ્યું નહીં અને સેનાના વડા સાથેના સંબંધોમાં કડવાશ વ્યાપી જતાં આજે ઇમરાન ખાનની શું હાલત થઇ છે તે સર્વવિદિત છે. ઇમરાન ખાનને જેલમાં સબડવાની નોબત આવી છે. આ સપ્તાહમાં જ ચૂંટણીના પરિણામ આવી જશે. તેની સાથે જ જાણ થઇ જશે કે પાકિસ્તાની સેનાના આક્કાઓએ આ વખતે કોને કઠપૂતળી બનાવવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનમાં સેનાની ઇચ્છા વિના પાંદડું પણ હલી શક્તું નથી. જે નેતા સેનાના આક્કાઓની જીહજૂરી કરશે તે જ સત્તા પર આવશે.
