ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીમાં 12.86 કરોડ લોકો મતદાન કરશે. જોકે રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો રિઝલ્ટને લઈ અનુમાન લગાવી રહ્યા છે. ઘણા લોકોને આશા છે કે પાકિસ્તાનમાં નવાઝ શરીફની પાર્ટી પીએમએલએનના નેતૃત્વમાં હાઈબ્રિડ સરકાર બનવા જઈ રહી છે. જે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન કાઉન્સિલ (એસઆઈએફસી)ની આસપાસ કેન્દ્રિત હશે. તેનાથી તે સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનમાં નાગરિક-લશ્કરી સહયોગ સરકાર માટે માર્ગ મોકળો થઈ રહ્યો છે. પૂર્વ પીએમ શાહબાઝ શરીફની સરકાર દરમિયાન હાઇબ્રિડ મોડલ સરકારનો પાયો નખાયો હતો.
બહુમત મળતાં ચોથી વખત નવાઝ પીએમ બનશે
નવાઝ કે શાહબાઝ ગઠબંધન સરકારનું નેતૃત્વ કરશે કે નહીં તે અંગે અસ્પષ્ટતા છે. જો પીએમએલએનને નેશનલ એસેમ્બલીમાં બહુમતી મળશે તો નવાઝ શરીફ ચોથી વખત પીએમ બનશે. પરિણામ પીએમએલએનની અપેક્ષા મુજબ ન આવે તો શાહબાઝ પીએમ બની શકે.
નવાઝ સત્તામાં આવતાં વિદેશમંત્રી ન બનું: બિલાવલ
પીપીપીનો દાવો છે કે તે નવાઝ લીગને કેન્દ્રમાં સરકાર બનાવવા દેશે નહીં. પીપીપી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે, જો નવાઝ શરીફ 8 ફેબ્રુઆરી પછી પીએમ બનશે તો હું તેમની સાથે વિદેશમંત્રી નહીં બની શકું.
જેલમાં હોવા છતાં પ્રચારમાં અડીખમ ઈમરાન
પીટીઆઈના નેતાઓને કદાચ રેલી કરવાની તક મળી નથી. ઈમરાન અને તેના કાર્યકર્તાઓએ તમામ તાકાત લગાવી છે. ઈમરાન સોશિયલ મીડિયા અને રેકોર્ડેડ ટેલિફોન દ્વારા પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. પીટીઆઈ સરકારમાં હતી ત્યારે તેની લોકપ્રિયતામાં ઘટાડો થયો હતો,
મતદાનના પહેલા આતંકી હુમલો
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં સોમવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલના ચવાન પોલીસ સ્ટેશન પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આતંકીઓએ ગ્રેનેડ ફેંકી ભારે ગોળીબાર કર્યો હતો, જેમાં 10 પોલીસ જવાનોનાં મોત થયાં હતાં, જ્યારે 6 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા.

