પ્રથમ ભારતીય વિશ્વસુંદરી : રીતા ફારિયા

ટીના દોશી Tuesday 06th February 2024 08:14 EST
 
 

‘તમે ડોક્ટર બનવા માંગો છો એનું કારણ શું છે ?’
“એનું કારણ એ છે કે ભારતમાં પ્રસૂતિ અને સ્ત્રીરોગ નિષ્ણાતોની તાતી જરૂરિયાત છે.’
‘પણ ભારતમાં તો સંખ્યાબંધ બાળકો પેદા થઈ રહ્યાં છે.’
કોઈ હોસ્પિટલમાં નોકરી માટે અરજી કરનાર ઉમેદવાર સાથે આ પ્રકારના સવાલજવાબ થતા હોય તો નવાઈ ન લાગે, પણ આ પ્રશ્નોત્તરી આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધાના મંચ પર થઈ રહ્યાનું જાણવા મળે તો ?
હા, સાચું સાંભળ્યું. આંતરરાષ્ટ્રીય સૌંદર્યસ્પર્ધાના મંચ પર જ આ પ્રશ્નોત્તરી થઈ રહેલી. ૧૭ નવેમ્બર ૧૯૬૬નો દિવસ... લંડનની વેલિંગ્ટન સ્ટ્રીટ પર લિસિયમ બોલરૂમમાં મિસ વર્લ્ડ સૌંદર્ય સ્પર્ધાના ગ્રાન્ડ ફિનાલેમાં મંચ પર ઉપસ્થિત સુંદરીને જ્યુરીના સભ્ય સવાલ પૂછી રહેલા. સુંદરીના જવાબથી હેરત પામેલા જ્યુરી મેમ્બરે ભારતમાં વધતી જતી બાળકોની સંખ્યા વિશે સવાલ કર્યો, ત્યારે અવાજમાં આત્મવિશ્વાસ ઘોળીને સુંદરી સૂરીલા સ્વરમાં બોલી : ‘એ સંખ્યા જ તો અમારે ઘટાડવાની છે.’
આ જવાબ સ્પર્ધાની નિર્ણાયક પળ પુરવાર થઈ. કેટલીક ક્ષણો પછી સેકન્ડ રનર અપ અને ફર્સ્ટ રનર અપની ઘોષણા કર્યા બાદ વિશ્વસુંદરીનું નામ જાહેર કરતાં એનાઉન્સરે કહ્યું : મિસ વર્લ્ડ ૧૯૬૬ ઈઝ .. મિસ ઇન્ડિયા રીતા ફારિયા ! તાળીઓના ગડગડાટ વચ્ચે રીતાને માથે વિશ્વસુંદરીનો તાજ મૂકાયો. એ સાથે રીતા ફારિયા મિસ વર્લ્ડનો ખિતાબ જીતનારી ભારતની જ પ્રથમ નહીં, એશિયાની પણ પ્રથમ વિશ્વસુંદરી બની !
વિશ્વસુંદરી રીતા ફારિયા મુંબઈસુંદરી પ્રતિયોગિતાની વિજેતા રહી ચૂકેલી. રીતા મેડિકલ સ્ટુડન્ટ હતી. ૨૩ ઓગસ્ટ ૧૯૪૩ના મુંબઈનાં માટુંગામાં જન્મેલી રીતાના પિતા એક મિનરલ વોટર ફેક્ટરીમાં કામ કરતા. બાળપણથી જ ડોક્ટર બનવાનું સપનું જોતી તેજસ્વી રીતાએ સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાં ભણવામાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરેલું. એને મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો..
રીતા ભણવામાં તો હોંશિયાર હતી જ, સાથે ખૂબસૂરત પણ હતી. પાંચ ફૂટ આઠ ઇંચ ઊંચાઈ, ચમકતી આંખો ને કાળા ભમ્મર વાળ. રીતાની રૂપરાશિ જોઈને મિત્રોએ એક દિવસ મજાકમાં એને મિસ બોમ્બે સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવાનો પડકાર ફેંક્યો. નામ નોંધાવતી વખતે રીતાએ માત્ર પોતાની એક તસવીર મોકલવાની હતી. એ એણે પાઠવી દીધી. થોડા જ દિવસોમાં પ્રતિયોગિતાનું પરિણામ જાહેર થયું. રીતા ફારિયા ૧૯૬૬માં મિસ બોમ્બે સૌંદર્ય સ્પર્ધાની વિજેતા ઘોષિત થઈ. એ પછી રીતાએ ઇવ્ઝ વીકલી મિસ ઇન્ડિયા સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો. એમાં પણ વિજેતા.
મિસ ઇન્ડિયા રીતા ફારિયાને લંડન જઈને મિસ વર્લ્ડ સૌંદર્ય સ્પર્ધા-૧૯૬૬માં ભાગ લઈને ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું કહેવામાં આવ્યું. રીતાની માતાએ ઉતાવળે કેટલાંક વસ્ત્રોનો બંદોબસ્ત કર્યો.
રીતાએ એક ઓળખીતાં પાસેથી સાડી લીધી અને એક્ટ્રેસ તથા ૧૯૬૫ની મિસ ઇન્ડિયા પરસીસ ખંભાતા પાસેથી એનો બેધિંગ સ્યૂટ લીધો. એ પછી આયોજકોએ એને જૂતાં અપાવ્યાં. રીતાએ એક મુલાકાતમાં કહેલું, ‘મને તો રેમ્પ પર શું કરવું ને શું ન કરવું એની પણ સૂઝસમજ નહોતી. વળી સટ્ટેબાજો કેટલીક સુંદરીઓ પર દાવ લગાવી રહેલા. મને ખબર પડી કે મારી જીત પર એક જ માણસે દાવ લગાવેલો, જે હિંદુસ્તાની હતો.’
એક હિંદુસ્તાનીએ રીતા પર વિશ્વાસ કર્યો અને રીતાએ હિંદુસ્તાનના કરોડો લોકો પર. એના જવાબોએ જ્યુરી ઉપરાંત દર્શકોનું દિલ પણ જીતી લીધું. પ્રથમ ભારતીય અને એશિયાની પ્રથમ મિસ વર્લ્ડ બની.
રીતાને મોડેલિંગ અને ફિલ્મોમાં કામ કરવા માટે ઘણા પ્રસ્તાવ મળ્યા, પરંતુ એણે તમામને ઠુકરાવી દીધાં. ડોક્ટર બનવાના સ્વપ્નને સાકાર કરવા માટે માત્ર ભણવામાં એણે ધ્યાન પરોવ્યું. ગ્રાન્ટ મેડિકલ કોલેજ અને સર જમશેદજી જીજાબાઈ ગ્રુપ ઓફ હોસ્પિટલમાથી એમબીબીએસ કર્યું. પછી લંડનના કિંગ્સ કોલેજ અને હોસ્પિટલમાં ઉચ્ચ અભ્યાસ માટે ચાલી ગઈ. ૧૯૭૧માં ડોક્ટર ડેવિડ પોવેલ સાથે લગ્ન કર્યાં. ૧૯૭૩માં ડબ્લીન,આયર્લેન્ડ જઈ વસ્યાં. તબીબી પ્રેક્ટિસ શરૂ કરી... ડોક્ટર બનીને સૌંદર્ય અને બુદ્ધિમત્તાનાં માપદંડ પર ખરી ઊતરેલી રીતા ફારિયા વિશે કહેવાનું મન થાય કે, એ સાચા અર્થમાં બ્યૂટી વિથ બ્રેઈન હતી !


comments powered by Disqus