ભારત સાથે સંબંધ બગાડીને ફસાયું માલદીવઃ શ્રીલંકા પાસે માગી મદદ

Wednesday 07th February 2024 06:32 EST
 
 

નવી દિલ્હીઃ ભારત સાથેના બગડેલા સંબંધોને લઈને માલદીવના પર્યટનને મોટું નુકસાન જઈ રહ્યું છે. સાથે જ ચિકિત્સા ક્ષેત્રને પણ મોટો આંચકો લાગ્યો છે. માલદીવના લોકો ઇલાજ માટે ભારે સંખ્યામાં ભારત આવતા હતા, પરંતુ ભારતની સાથે રાજનીતિક વિવાદ બાદ હવે માલદીવે શ્રીલંકા પાસે મદદની માગ કરી છે. માલદીવના નાગરિક ઉડ્ડયન મંત્રી મોહંમદ અમીન આ જ અંગે શ્રીલંકન સમકક્ષ નિમલ સિરિપાલા ડીસિલ્વાને મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં માલદીવના મંત્રીએ જણાવ્યું કે, બંને નેતા વચ્ચે આ મુલાકાતમાં શ્રીલંકા માલદીવને ચિકિત્સા નિકાસમાં મદદ કરવા માટે સહમત થયું છે. એટલે કે જો માલદીવમાં કોઈને આયાત ચિકિત્સાની જરૂર પડે છે તો તેને તત્કાલ એરલિફ્ટ કરીને ઇલાજ માટે શ્રીલંકા લઈ જવામાં આવશે. આ સિવાય માલદીવ અને શ્રીલંકા વચ્ચે તત્કાલ જરૂરિયાતોમાં મુખ્યરૂપ ભજવનાર ફ્લાઇટ્સની તત્કાલ મંજૂરી માટે એક રૂપરેખા બનાવવા પર સહમતી સધાઈ છે.
મોઈઝ્ઝુ ભારતની માફી માગેઃ માલદીવ વિપક્ષ
માલદીવ અને ભારત વચ્ચે તંગદીલી વધી ગઈ હતી, આ સ્થિતિ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોઇઝ્ઝુએ ભારત વિરોધી નિવેદનો પણ આપ્યા હતા, જેને પગલે હવે તેઓ ભારતની માફી માગે તેવી માગણી માલદીવમાં ઊઠી છે. માલદીવના ઝુમહૂરી પાર્ટીના નેતા ઇબ્રાહિમે કહ્યું કે રાષ્ટ્રપતિ મોઇઝ્ઝુ ભાર વિરોધી નિવેદનો બદલ માફી માગે. માલદીવ્સના ત્રણ મંત્રીએ સોશિયલ મીડિયા પર ભારત વિરોધી પોસ્ટ કરી હતી, જેને કારણે તેઓ ભારે ટ્રોલ થયા હતા અને તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.


comments powered by Disqus