નવી દિલ્હીઃ ભારતીય નેવીના યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રાએ સોમાલિયાના પૂર્વીય તટે 11 સોમાલી ચાંચિયા પાસેથી 19 પાકિસ્તાની ક્રુ સભ્યો લઈ જતા ઈરાની માછીમાર જહાજને છોડાવીને બીજુ ચાંચિયા વિરોધી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડયું હતું. ભારતીય યુદ્ધ જહાજે ચાંચિયાઓને કાબુમાં લઈને અલ નઈમી જહાજના અપહરણનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. અગાઉ ભારતના આ જ યુદ્ધ જહાજે ઈરાનના અન્ય જહાજ એમવી ઈમાનને ચાંચિયાથી બચાવ્યું હતું.
ભારતીય નેવીએ અલ નઈમીને શોધવા અને તેને આંતરવા આઈએનએસ સુમિત્રાને તૈનાત કર્યું હતું. અલ નઈમીનું 11 સોમાલી ચાંચિયા અપહરણ કરીને તેના ક્રુને બંધક બનાવી ગયા હતા. ભારતીય યુદ્ધ જહાજે ઈરાની જહાજને આંતરીને બળજબરીપૂર્વક તેમજ તેની બોટની અસરકારક તૈનાતી દ્વારા ક્રુ અને જહાજની સલામત મુક્તિ સુનિશ્ચિત કરી હતી. ભારતીય નેવીએ બંધક બનાવાયેલા પાકિસ્તાની કુની સલામતિ માટે જહાજની ચકાસણી પણ કરી હતી. અપહરણ કરાયેલા જહાજોને બચાવવાનો આ ઝડપી, સતત અને અવિરત પ્રયાસ માછીમારીના જહાજોને વાણિજ્ય જહાજો સામે ચાંચિયાગીરીના ભાવિ કૃત્યો માટે ઉપયોગમાં લેવાતા અટકાવે છે. તાજેતરની ઘટના લાલ સમુદ્ર અને અરબી સમુદ્રના ભાગો સહિતના આ પ્રદેશમાં વેપારી જહાજોને નિશાન બનાવતા ડ્રોન અને ચાંચિયાઓના હુમલાના ચાલુ પ્રયાસનો એક ભાગ છે.

