માલદિવ્સને મુઇઝુની કરણીઓનું ફળ ભોગવવા દો.....

Wednesday 07th February 2024 04:53 EST
 

ચીનની મુલાકાત લઇ પરત ફરેલા માલદીવ્સના પ્રમુખ મોહમ્મદ મુઇઝુએ સ્પષ્ટ સંકેત આપી દીધાં છે કે તેઓ દિલ્હી અને માલે વચ્ચેના સંબંધો પૂર્વવત કરવાની કોઇ ઇચ્છા ધરાવતા નથી. ચીનથી પરત આવ્યા પછી તો તેમણે ભારત વિરોધી વલણને વધુ કટ્ટર બનાવ્યું છે. મુઇઝુના આ ઉધામા છતાં ભારત સરકાર સત્તાવાર પ્રત્યાઘાતો આપવામાં ઘણું હળવું વલણ અને પુખ્તતા દર્શાવી રહી છે. સીઓપી 28 ખાતે વડાપ્રધાન મોદીએ મુઇઝુ સાથે મુલાકાત કરીને સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. મોદીની લક્ષદ્વીપ મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર મચેલા ઘમસાણ મધ્યે મુઇઝુ સરકારના નેતાઓ દ્વારા અપમાનજનક ટિપ્પણીઓ છતાં ભારતે સંયમ જાળવી રાખ્યો હતો. એ વાતમાં કોઇ શંકા નથી કે હિન્દ મહાસાગરમાં ભારત માટે માલદિવ્સ અત્યંત મહત્વનો દેશ છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પણ બંને દેશને એક તાંતણે જોડે છે. એક પાડોશી દેશ હોવાના નાતે માલદિવ્સની દરેક મુશ્કેલીઓમાં ભારત સૌપ્રથમ મદદે પહોંચતો રહ્યો છે. દક્ષિણ એશિયામાં માલદિવ્સ, શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા દેશો ભારતની મદદો પર નભતાં હોવા છતાં ચીન પાસેથી પણ લાભ લેવાના પ્રયાસો કરતાં રહ્યાં છે. શ્રીલંકા આર્થિક કટોકટીમાં સપડાયો ત્યારે સૌથી પહેલી મદદ ભારતે જ પહોંચાડી હતી. તેમ છતાં આ દેશો ભારત અને ચીન વચ્ચેની સ્પર્ધાનો દુરુપયોગ કરીને પોતાના લાભો લણવામાં જરાયે પાછી પાની કરતાં નથી તેનું તાદ્દશ ઉદાહરણ પણ માલદિવ્સ અને શ્રીલંકા જેવા દેશો જ છે. તેથી જ ભારતે હવે આવા દેશોને પડતાં મૂકવાની જરૂર છે. માલદિવ્સમાં ફક્ત 80 ભારતીય સૈનિકો હોવા છતાં મુઇઝુ તેને માલદિવ્સ પર જોખમ સમાન ગણાવે છે પરંતુ તેના કુલ દેવામાં ચીનનો હિસ્સો 37 ટકા હોવા છતાં તેમને ચીની જોખમ જણાતું નથી. તેથી જ ભારતે માલદિવ્સને તેના હાલ પર છોડી દઇ ચીનના ખોળામાં બેસવાની કિંમત ચૂકવવા દેવી જોઇએ. માલદિવ્સ સાથેના સંબંધોમાં કડવાશથી ભારતને કોઇ ઝાઝુ નુકસાન થવાનું નથી. અંતે વેઠવાનું તો માલદિવ્સની જનતાને જ આવવાનું છે. ભારતીય પર્યટકોના બહિષ્કારના કારણે આમ પણ માલદિવ્સના અર્થતંત્રને ગંભીર ફટકો પડી જ રહ્યો છે. ગુજરાતીમાં કહેવત છે ને કે વાર્યા ન વળે તે હાર્યા વળે. બસ તો વારવાનું છોડી મુઇઝુને પરાજયનો સ્વાદ ચાખવા દો. માલદિવ્સની જનતા જ તેમને સત્તા પરથી હાંકી કાઢશે એ વાતમાં કોઇ બેમત નથી.


comments powered by Disqus