કોમ્પેક્ટ પાઉડર મેકઅપનો બહુ મહત્ત્વપૂર્ણ ભાગ છે. યુવતીઓએ તેમનાં સ્કિન ટોનને ધ્યાનમાં રાખીને કોમ્પેક્ટ પાઉડરની પસંદગી કરવી જોઇએ. કોમ્પેક્ટ પાઉડરનો કલર તમારા સ્કિન ટોન સાથે મેળ ખાતો હોવો જોઇએ. તમે તમારી ત્વચા કરતાં લાઇટ રંગની પસંદગી કરો છે, તો એ તમારી સ્કિનને ફિક્કી બનાવી શકે છે. મેકઅપને સેટ કરવાથી માંડી ચહેરા પર આવનારા વધારે ઓઇલને શોષી લેવામાં કોમ્પેક્ટ પાઉડર મદદરૂપ છે. વિન્ટરમાં તેનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે. તેમ છતાં ઓઇલી સ્કિન માટે વિન્ટરમાં બહુ ઉપયોગી છે. પરફેક્ટ કોમ્પેક્ટ પાઉડરની પસંદગી કેવી રીતે કરવી એ અંગે જાણીએ.
સ્કિન ટોન સાથે મેચ
જ્યારે કોમ્પેક્ટ પાઉડર ખરીદો ત્યારે પહેલાં તમારા સ્કિન ટોન સાથે મેચ કરવાની કોશિશ કરો. એ તમારી ત્વચાની રંગત સાથે મેળ ખાય તો જ તેને ખરીદો. જે રીતે ફાઉન્ડેશનની પસંદગી કરો છો એ જ રીતે કોમ્પેક્ટ પાઉડર પસંદ કરો. સ્કિન કરતાં એક રંગ લાઇટ કોમ્પેક્ટ ખરીદશો તો એ ચહેરા ઉપર અજીબ લાગશે.
ડ્રાય અને ઓઇલી ત્વચા
કોમ્પેક્ટ પાઉડર ખરીદવા જાવ ત્યારે ત્વચા કઈ ટાઇપની છે એનું પણ ધ્યાન રાખો. તમારી સ્કિન જો ઓઇલી હોય તો હંમેશાં ઓઇલ કન્ટ્રોલ મેટ ફિનિશ કોમ્પેક્ટ પાઉડર પસંદ કરો. આ કોમ્પેક્ટ ત્વચા પરના વધારાના તેલને શોષી લે છે. જો ત્વચા ડ્રાય હોય તો હંમેશાં ક્રીમી બેઝ્ડ કોમ્પેક્ટ પાઉડર ખરીદો. એનાથી સ્કિન ડ્રાય નહીં લાગે અને તે ફેસ પર સારી રીતે કવરેજ આપશે.
ચહેરા પર બ્લેન્ડ
તમે કોઇ શોપમાં કોમ્પેક્ટ પાઉડર ખરીદવા જાવ છો, તો ત્યાં એક વખત ટ્રાય જરૂર કરો કે એ તમારા ચહેરા પર બ્લેન્ડ થાય છે કે નહીં. પાઉડર ચહેરા પર બ્લેન્ડ થાય તો જ તમને સારું કવરેજ આપશે, તેથી કોમ્પેક્ટ બ્લેન્ડ થવો જરૂરી છે.
સ્કિન ટોન પર ધ્યાન આપો
તમે કોમ્પેક્ટ પાઉડર ખરીદી રહ્યાં છો તો એ વાતનું ધ્યાન રાખો કે તમારો સ્કિન ટોન કેવો છે. જેમ કે, કોઇ મહિલાનો સ્કિન ટોન લાઇટ છે અને તે લાઇટ કવરેજ ઇચ્છે છે તો તેણે પિંક અન્ડરટોનવાળો પાઉડર લેવો જોઇએ. જો મહિલાની સ્કિન ડાર્ક ટોનની હોય તો તેણે યલો અને ઓરેન્જ અન્ડર ટોનવાળો કોમ્પેક્ટ પાઉડર ખરીદવો જોઇએ.
વિન્ટરમાં કવરેજ
વિન્ટરમાં કોમ્પેક્ટ પાઉડર ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તે ચહેરાને કેટલું કવરેજ આપી રહ્યાં છે. જેમ કે, નેચરલ લુક માટે શીર કવરેજવાળા કોમ્પેક્ટ પાઉડરની પસંદગી કરો. ઇચ્છો તો ટ્રાન્સલૂસ પાઉડર પણ ખરીદી શકો છો. વિન્ટરમાં કોમ્પેક્ટ પાઉડરનો ઉપયોગ સ્કિન ટોનને ધ્યાનમાં રાખીને જ કરવો જોઇએ.

