ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. પાકિસ્તાનમાં 4 પ્રાંત- પંજાબ, સિંધ, ખૈબર પખ્તુનખ્વાં અને બલુચિસ્તાન છે. ભારતમાં કહેવાય છે કે દિલ્હીનો રસ્તો યુપીમાંથી જાય છે, એવી જ રીતે પાકિસ્તાનમાં સત્તાનો રસ્તો પંજાબથી જાય છે, જ્યાં સૌથી વધુ 141 બેઠક છે.
વસ્તી-બેઠકોની દૃષ્ટિએ સૌથી મોટું રાજ્ય હોવાના કારણે પંજાબ દરેક પાર્ટી માટે મહત્ત્વનું છે. 2018ની ચૂંટણીમાં ઈમરાનની પાર્ટી પીટીઆઇએ પંજાબમાં 67 બેઠકો જીતી હતી. પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (N)ને 64 બેઠક મળી હતી. આ વખતે ઈમરાન ખાને પંજાબની રાજધાની લાહોર અને તેમના વતન મિયાંવાલીથી નેશનલ એસેમ્બ્લી માટે નોમિનેશન ભર્યું હતું, પરંતુ ચૂંટણીપંચે બંને નામાંકન રદ કરી દીધાં.
સિંધનો સૌથી મોટો મુદ્દો હિન્દુઓનું ધર્માંતરણ
સિંધ પાકિસ્તાનમાં સૌથી વધુ હિન્દુ વસ્તી ધરાવતો પ્રાંત છે. પાકિસ્તાનમાં કુલ 40 લાખ હિન્દુ છે, જેમાંથી લગભગ 14 લાખ સિંધમાં રહે છે. થાર અને ઉમરકોટ જિલ્લાની 40% વસ્તી હિન્દુ છે.
પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયને ધર્મના નામે હિંસાનો સામનો કરવો પડે છે. સિંધમાં આ સમસ્યા સૌથી વધુ છે, જેનો હિન્દુ સમુદાય વિરોધ કરી રહ્યો છે. હિન્દુ યુવતીઓનું બળજબરીથી અપહરણ કરીને તેમનું ધર્માંતરણ કરવાના કિસ્સાઓ પણ અવારનવાર પ્રકાશમાં આવે છે. અમેરિકાના સિંધી ફાઉન્ડેશન અનુસાર સિંધ પ્રાંતમાં દરવર્ષે 12થી 28 વર્ષની વયની અંદાજે 1000 હિન્દુ છોકરીઓનું અપહરણ કરાય છે.
બલુચિસ્તાનની આઝાદીની માગ
બલુચિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ સૌથી મોટો પડકાર છે. અહીં દાયકાઓથી અલગતાવાદી આંદોલન ચાલી રહ્યું છે. બલોચ લિબરેશન આર્મી અને બલોચ રિપબ્લિકન આર્મી જેવાં સંગઠનો પાકિસ્તાનથી આઝાદીની માગ કરી રહ્યા છે.

