સાતમી મેની ગરમી બે પ્રકારની હતી. એક કુદરતી ઉનાળાનો ધોમધખતો તાપ અને બીજી પોલિંગ બૂથ સુધી દોડતા કાર્યકર્તા અને મતદારોની માનસિક ગરમી. આજ સુધીમાં તેની ચર્ચા તો ઘણી થઈ, હવે સૌની નજર જૂન મહિનાની ચોથી તારીખ પર છે. ત્યાં સુધી પરિણામના અનુમાનો રોજેરોજ સાંભળવા મળશે. કેટલાક મૂછે તાવ દઈને કહે છે, “જોજોને, ભાજપની બેઠકો ડૂલ થશે. ભાજપનો ભરોસો યથાવત છે, એક તો મતદાન પહેલાં પડાવી લીધી, બાકીની બેઠકોનું એવું જ થશે. રાજકીય સમીક્ષકો મતદાનની ટકાવારી, ઉમેદવારની શક્તિ, પક્ષોમાં આંતરિક ખેંચતાણ અને તરફેણ વિરોધનાં પ્રવાહોના આધારે હિસાબ કરી રહ્યા છે.
આની વચ્ચે એક મજાની, રસપ્રદ વાત ભૂલાઈ ગઈ, તે લોકશાહીના પાયાના લક્ષણો અને અપલક્ષણો સાથે સંબંધ ધરાવે છે. લોકશાહી અને મતાધિકારની જેમ કોઈને પણ ઉમેદવાર તરીકે ઊભા રહેવાની તક બંધારણના ઘડવૈયાઓએ ભારે ઉત્સાહથી આપી દીધી તે આજ સુધી ચાલુ છે. દેશ આખામાં અપક્ષ ઉમેદવારોની સંખ્યા અધધ રહી. કેટલાક તેને “પોલિટિકલ ન્યૂસન્સ” ગણે છે અને માત્ર થોડા મત વિભાજનના ઉમેદવારો તરીકે ગણે છે. કોઈકવાર જ એવું નથી બનતું, જેમ કે અમદાવાદ-ગાંધીનગરની લોકસભાની બેઠક પર પુરુષોત્તમ ગણેશ માવલંકર અપક્ષ લડ્યા અને જીત્યા હતા. ખેરાલુ-વડનગરની વિધાનસભા બેઠક પર ડો.વસંત પરિખ અપક્ષ તરીકે ચૂંટાયા હતા. બાકી તો ચૂટણી પંચના ચોપડે ચડેલા અને રજીસ્ટર ના થયેલા એવા 3700 થી વધુ પક્ષો લગભગ દરેક વર્ષે ચૂટણી લડે છે.કેટલાક અસ્તિત્વ ટકાવી રાખે , કેટલાક બંધ કાર્યાલયના પાટિયા પૂરતા જીવતા રહે, કેટલાકનું બાળમરણ થાય, કેટલાક બીજા મોટા પક્ષોમાં વિલીન થઈ જાય.
સાતમી મેના દિવસે જે મતદાન ગુજરાતમાં થયું તેમાં કેવા અને કેટલા પક્ષો હતા? ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી તો ખરા, પણ બીજા? સુરતની ચૂટણીમાં જે ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી-પત્રક પાછું ખ્ંચ્યુ, તે રાજકીય પક્ષો જ હતા!
આ અને આવા કુલ 47 પક્ષો મેદાનમાં હતા, તેના નામો જાણ્યા તમે? એક પક્ષ યૂથ ઈન્ડિયા પીસ પાર્ટી નામે હતો. સ્વરાજ ક્રાંતિ વળી બીજો પક્ષ. જેને અસત્ય ગમ્યું નહિ હોય તેવી સત્યવાદી રક્ષક પાર્ટીના ઉમેદવારો હતા. સર્વ સમાજ જનતા પાર્ટી? હા. આપણી મુખ્ય રાજકીય પાર્ટીઓ- કોંગ્રેસ, સમાજવાદી, જનતામાથી તેનું જનતા, સમાજવાદ અને કોંગ્રેસ શબ્દ જોડીને કેવા પક્ષો બન્યા તે જાણો છો? દેશમાં 37 કોંગ્રેસો છે, જનતા નામધારી 15 છે, સમાજવાદી પાછળ નથી. શિવસેના, રિપબ્લિકન, સામ્યવાદી બધાના એકથી વધુ સ્વરૂપ છે. શિવસેના, મુસ્લિમ લીગ, અકાલી દળ તેમાથી બાકાત નથી. અરે, જનસંઘ પક્ષ પણ એક નહીં, બે બન્યા હતા! કેટલાંક નામો પણ કેવા? ગાંધી-કામરાજ કોંગ્રેસ, ઓલ ઈન્ડિયા ગરીબ કોંગ્રેસ, કામરાજ દેશીય કોંગ્રેસ, કેરલ કોંગ્રેસ એક, બે, ત્રણ, ચાર. પાંચ. કેરલ સોશ્યલિસ્ટ પાર્ટી, રેવોલ્યુનેશરી પાર્ટી ઓફ બિંદિયા, કેરલ, વેસ્ટ બેંગાલ, ઉત્તર પ્રદેશ, બીજું જનતા દલ, બીજું જનતા દલ -પટનાયક, મુસ્લિમ લિગ-કેરલ, મદ્રાસ, મજલિસ, ઉત્તર પ્રદેશ, દલિત-મુસ્લિમ મહાસંઘ, અખિલ ભારતીય હિન્દુ મહાસભા એક અને બે, હિન્દુ સ્વરાજ સંગઠન, અકાલી દળ-એક, બે, ત્રણ,ચાર, પાંચ, છ.સાત.આઠ. . દ્રવિડ કઝગમ એક, બે, ત્રણ. હિંદુસ્તાન જનતા પાર્ટી. જનતા દળ-એક.બે.ત્રણ.ચાર.પાંચ. છ. સાત. આઠ. નવ. દસ.અગિયાર. આમાં એકનું નામ તો જનતા પાર્ટી-જેપી પણ છે! આઠ રિપબ્લિકન પાર્ટી છે. ચાર ફોરવર્ડ બ્લોક છે. એક પક્ષનું નામ ઓલ ઈન્ડિયા એગ્રીકલ્ચરલ યુનિયન તો બીજાનું ભારતીય ધ્રુવ લેબર પાર્ટી. એક હિન્દુસ્તાની શોષિત દળ અસ્તિત્વ ધરાવે છે. આમરા બંગાલી મણીપુર ત્રિપુરાનો પક્ષ. ઓલ ઈન્ડિયા શિરોમણી બાબા જીવનસિંઘ મઝાબી દળ હવે હશે? મેઘાલયમાં ખાસી-જયંતીયા દરબાર રાજકીય પક્ષ છે. મણીપુરમાં કુકી જનજાતિના બે પક્ષો છે. નાગાલેંડ મૂળભૂત અલગ નાગાલેંડ માટેનો પક્ષ હતો. અંગામી ઝપુ ફિઝોએ સ્થાપ્યો હતો, આજે પાંચ નાગા રાજકીય પક્ષો છે. બિચારા એન.ટી, રામરાવ એક જ તેલુગુ દેશમ પક્ષ સ્થાપ્યો હતો. આજે ત્રણ તેલુગુ દેશમ છે! પહેલાં રામરાજ્ય પરિષદ હતી, સ્વામિ કરપાત્રી મહારાજની. આજે અખિલ ભારતીય આર્ય સભા અને અખિલ ભારતીય રામરાજય પરિષદ છે. દૂરદર્શી અને બાબા ગુરુદેવ ક્યાંય દેખાતા નથી, એક પક્ષનું નામ પાંડવ દલ છે. એક સત સંઘ છે. એક અભય ભારત પક્ષ છે.
અને સાતમી મેના દિવસે આપણી સમક્ષ ક્યા રાજકીય પક્ષોના ઉમેદવારો હતા? સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, સાથ સહકાર વિકાસ પાર્ટી. રાષ્ટ્રીય સમાજ પક્ષ. મિશન ઓલ ઈન્ડિયા ઈંડિપેંડેંટ જસ્ટિસ પાર્ટી. હિંદવી સ્વરાજ દલ. હિન્દુ રાષ્ટ્ર સંઘ. ગુજરાત લોકતંત્ર પાર્ટી. ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી. ધનવાન ભારત પાર્ટી. ડેમોક્રેટિક ભારતીય સમાજ પાર્ટી. ભારતીય જન નાયક પાર્ટી.ભારતીય યુવા જન એકતા પાર્ટી. ભારતીય નેશનલ જનતા દલ.ભારતીય બહુજન કોંગ્રેસ. બહુજન રિપબ્લિકન સોશ્યાલિસ્ટ પાર્ટી.અખિલ વિજય પાર્ટી. આપકી આવાઝ પાર્ટી.આમ જનમત પાર્ટી. આદિ ભારત પાર્ટી. સોશ્યલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઈન્ડિયા (કમ્યુનિસ્ટ). સોસિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા. રાષ્ટ્રીય મહા સ્વરાજ ભૂમિ પાર્ટી. રાષ્ટ્રનિર્માણ પાર્ટી. પ્રજા તંત્ર આધાર પાર્ટી. ઇન્સાનિયત પાર્ટી. ગુજરાત સર્વ સમાજ પાર્ટી. ભારત આદિવાસી પાર્ટી.સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટી. ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી. ગરીબ કલ્યાણ પાર્ટી.ભારતીય જન પરિષદ. લૉગ પાર્ટી. રાઈટ ટુ રિકોલ પાર્ટી....આ બધાના મતનો કુલ સરવાળો ચોથી જૂને મળી જશે

