બ્રિટનમાં સંસદની ચૂંટણી પહેલા વડાપ્રધાન રિશી સુનાકની નીતિઓના લિટમસ ટેસ્ટ સમાન કાઉન્સિલ અને મેયરોની ચૂંટણીના પરિણામો આવી ગયાં છે. સ્થાનિક સત્તામંડળોની આ ચૂંટણીમાં સુનાકની કન્ઝર્વેટિવ પાર્ટીને ઐતિહાસિક પરાજયનો સામનો કરવો પડ્યો છે તો બીજીતરફ લેબર પાર્ટીએ પડકારજનક કાઠું કાઢ્યું છે. સવાલ એ છે કે શું બ્રિટનના મતદારોએ રિશી સુનાક અને કન્ઝર્વેટિવ પાર્ટીના ભાવિનો ચિતાર આ ચૂંટણીઓ દ્વારા આપી દીધો છે? એ વાતમાં કોઇ શંકા નથી કે સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીએ ઘણી મોટી પ્રગતિ નોંધાવી છે પરંતુ રાજકીય નિષ્ણાતોના મતે લેબર પાર્ટીને આગામી સંસદની ચૂંટણીમાં ધારી સફળતા મળવાના એંધાણ નથી. તેઓ કાઉન્સિલ ચૂંટણીના પરિણામોના આધારે ત્રિશંકુ સંસદની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યાં છે. જોકે સ્થાનિક સત્તામંડળોની ચૂંટણીના પરિણામો ભાગ્યે જ સંસદીય ચૂંટણીના પરિણામોની પારાશિશી બનતાં હોય છે. સ્થાનિક સ્તરની સમસ્યાઓ અને રાષ્ટ્રીય સ્તરની સમસ્યાઓમાં આસમાન જમીનનો ફેર હોય છે. સ્થાનિક સ્તરે પાણી, ગટર, કચરાના નિકાલ, સ્ટ્રીટ લાઇટ જેવી સમસ્યાઓ મતદારના માનસ પર વધુ અસર કરતી હોય છે જ્યારે રાષ્ટ્રીય સ્તરે મોંઘવારી, કાયદો અને વ્યવસ્થા, રોજગાર, ઇમિગ્રેશન, ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ જેવા મુદ્દા હાવી થતાં હોય છે. સ્થાનિક સ્તરના ઉમેદવારો મતદારોને સ્થાનિક સમસ્યાઓના આધારે પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે જ્યારે સંસદની ચૂંટણીમાં કોઇ સ્ટ્રીટમાં કચરાના નિકાલનો મુદ્દો હાવી થઇ શક્તો નથી. તેથી કાઉન્સિલની ચૂંટણીના પરિણામોના આધારે સંસદની ચૂંટણીના તર્કો કરવા અર્થવિહિન જણાય છે. વડાપ્રધાન રિશી સુનાક અને કન્ઝર્વેટિવ પાર્ટી સામે રાષ્ટ્રીય સ્તરે પડકારોની અછત નથી. પરંતુ સુનાક આ પડકારોનો સામનો નક્કર નીતિઓ દ્વારા કરી રહ્યાં છે તેમાં કોઇ બેમત નથી. સુનાક જ્યારે વડાપ્રધાનપદે આરૂઢ થયાં ત્યારે ફુગાવાનો દર છેલ્લા 40 વર્ષની ટોચની સપાટી પર હતો જેને નાથવામાં સુનાક અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડ મહદ્દ અંશે સફળ થયાં છે. ફુગાવાનો દર 3 ટકાની આસપાસ આવી જતાં કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસમાંથી જનતાને મોટા ભાગે રાહત મળી છે. તેથી આગામી સંસદની ચૂંટણીમાં લેબર પાર્ટી મોંઘવારીને મુદ્દો બનાવીને મેદાનમાં ઉતરી શકે તેમ નથી. તે ઉપરાંત મુસ્લિમ મતદારો લેબર પાર્ટીને સમર્થન માટે શરતો મૂકી રહ્યાં છે જે નહીં સ્વીકારવાથી લેબરને મોટું નુકસાન પણ થઇ શકે છે. ચાન્સેલર જેરેમી હન્ટે સ્પ્રિંગ બજેટમાં અને તે પહેલાં નેશનલ ઇન્શ્યુરન્સમાં રાહત આપીને પરિવારોના ખિસ્સામાં નાણા મૂક્યાં છે અને હજુ ઓટમ બજેટ પહેલાં સુનાક ચૂંટણીનું આયોજન કરે તેવી કોઇ સંભાવના હાલ પુરતી તો દેખાતી નથી. ઓટમ બજેટમાં સુનાક સરકાર કરવેરામાં રાહતો આપીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી શકે છે. સુનાકની નીતિઓના કારણે બ્રિટિશ અર્થતંત્ર વધુ ગગડતું અટક્યું છે અને ઔદ્યોગિક વિકાસ વેગ પકડી રહ્યો છે તે પણ એક પ્લસ પોઇન્ટ છે. આજકાલ બ્રિટનમાં નેટ ઇમિગ્રેશન અને ગેરકાયદેસર માઇગ્રન્ટ્સનો મુદ્દો બેધારી તલવાર જેવો બની રહ્યો છે પરંતુ આ સમસ્યાના ઉકેલ માટે રિશી સુનાકે મક્કમતાથી રવાન્ડા યોજના અમલમાં મૂકવાનું શરૂ કરી દીધું છે. આમ રિશી સુનાક લેબર પાર્ટીના હાથમાંથી ઘણા મુદ્દા છીનવવામાં સફળ પણ રહ્યાં છે. હા, એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ, લાંબા સમયથી બીમારીના બહાને લેવાતા બેનિફિટ્સ સામે આકરાં પગલાં, ક્લાઇમેટ ચેન્જની નીતિમાં રિશી સુનાકની પીછેહઠ જેવા મુદ્દા આગામી ચૂંટણીમાં કન્ઝર્વેટિવને પરેશાન કરી શકે છે પરંતુ લેબર પાર્ટી આ મુદ્દાઓ મામલે પણ નક્કર યોજનાઓ રજૂ કરીને મતદારોને યોગ્ય તર્ક આપવામાં હજુ સુધી સફળ થઇ શકી નથી. હજુ મે મહિનો જઇ રહ્યો છે અને સંસદની ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બર પહેલાં યોજાય તેવી કોઇ સંભાવના પણ નથી. વડાપ્રધાન સુનાક પાસે રાષ્ટ્રીય સ્તરે અસર કરતા મુદ્દાઓ પર કામ કરવા અને નક્કર પરિણામો આપવા હજુ 6 થી 7 મહિના જેવો સમય ઉપલબ્ધ છે. આ સમયગાળામાં નક્કર પરિણામો દ્વારા ટોરીઝ ગુમાવેલા જનાધારને પાછો મેળવી શકે છે. જો તેમ થાય તો સ્થાનિક સત્તામંડળોની ચૂંટણીમાં હાવી થયેલા મુદ્દાઓની હવા નીકળી શકે છે અને કન્ઝર્વેટિવ પાર્ટી પોતે કરી બતાવેલા કામોના આધારે મત માગવા મતદારોની વચ્ચે જઇ શકે છે. એ સમયે બ્રિટિશ મતદાતા સ્થાનિક સમસ્યાઓનો વિચાર કરવાનો નથી. આ બાબત સ્થાનિક અને રાષ્ટ્રીય રાજનીતિમાં ઘણી મહત્વની પૂરવાર થઇ શકે છે. હા, સુનાકે આ પરિણામો બાદ વધુ સાવધ થઇને કામ કરવાની તાતી જરૂર છે. હવે પછી રાષ્ટ્રીય સમસ્યાઓ અને પડકારો પરના તેમના તમામ નીતિ વિષયક નિર્ણયો આગામી સંસદનું ચિત્ર તૈયાર કરવામાં ઘણો મહત્વનો ભાગ ભજવશે.
