ઇઝરાયલી સેનાએ 400 હિઝબુલ્લાહ આતંકીનો ખાત્મો બોલાવ્યો

નસરલ્લાહ બાદ હાશિમ સફિદ્દીન પણ ઠાર

Wednesday 09th October 2024 04:59 EDT
 
 

તેલઅવીવઃ ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF)એ દક્ષિણી લેબનોન પછી હવે ઉત્તરી લેબનોનમાં પણ હવાઈ હુમલા વધારી દીધા છે. IDFએ શુક્રવારે કહ્યું હતું કે, છેલ્લા 4 દિવસમાં તેમણે હિઝબુલ્લાહના 9 કમાન્ડર સહિત 400 હિઝબુલ્લાહ આતંકીનો ખાત્મો કરી દીધો છે. આ સિવાય હિઝબુલ્લાહનાં 2 હજારથી વધારે સૈન્ય ઠેકાણાંને તબાહ કરી દીધાં છે. લેબનોન સરકારના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 12 લાખથી વધારે લોકોએ દેશ છોડી દીધો છે.
શું કહ્યું બાઇડેને?
બંને દેશ વચ્ચેના ઘર્ષણને લઈ બાઇડેને શુક્રવારે કહ્યું હતું કે, ઇઝરાયલે હજુ સુધી એ નક્કી નથી કર્યું કે તે ઇરાનના હુમલાનો જવાબ કેવી રીતે આપશે. બાઇડેને ઇઝરાયલને ઇરાનના એટમી ઠેકાણાં અને તેલભંડાર પર હુમલો ન કરવાની સલાહ આપી છે. બાઇડને કહ્યું હતું કે, જો તેઓ નેતન્યાહૂના સ્થાને હોત તો બીજા વિકલ્પ વિશે ચોક્કસ વિચાર્યું હોત.
હાશિમ સફિદ્દીન પણ ઠાર
ઇઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહના ઘણા કમાન્ડરનાં મોત થઈ ચૂક્યાં છે. શુક્વારે લેબનોનમાં ઇઝરાયલી બોમ્બમારામાં હાશિમ સફિદ્દીનનું પણ મોત થઈ ચૂક્યું છે. નસરલ્લાહ બાદ સફિદ્દીનને હિઝબુલ્લાનો વારસ માનવામાં આવી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, જે સમયે ઇઝરાયલે બૈરુતમાં બોમ્બનો મારો ચલાવ્યો, તે સમયે સફિદ્દીન બંકરમાં એક સિક્રેટ મીટિંગ કરી રહ્યો હતો. આ પહેલાં 27 સપ્ટેમ્બરે ઇઝરાયલના હુમલામાં હસન નસરલ્લાહ માર્યો ગયો હતો. સફિદ્દીન અને નસરલ્લાહ મામા-ફોઈના ભાઈ થાય છે. ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધી હિઝબુલ્લાહના ઘણા ટોપ કમાન્ડરનાં મોત થઈ ચૂક્યાં છે. આ દરમિયાન ઇઝરાયલી સેનાના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ હાર્જી હલેવીનું કહેવું છે કે, હિઝબુલ્લાહના એકપણ કમાન્ડરને છોડવામાં નહીં આવે. અમે તેને શોધી-શોધીને મારીશું.
નેતન્યાહૂએ દિલ્હી દ્વારા ખામેનેઈ સુધી પહોંચાડ્યો સંદેશ
ઇઝરાયલે ભારત દ્વારા ઇરાનને સંદેશ મોકલ્યો છે. આ સંદેશમાં તહેરાનને સંયમ અને સાવધાની રાખવા કહેવામાં આવ્યું છે. ભારતમાં ઇઝરાયલના રાજદૂત રૂબિન રૂબેન અઝહરે કહ્યું છે કે, ભારત પણ તે દેશોમાં સામેલ છે જેના દ્વારા ઇઝરાયેલ દ્વારા ઇરાનને સંદેશો મોકલવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ઇરાનના તાજેતરના હુમલાથી તણાવ વધશે, તેથી અમે તેમને ચેતવણી આપી છે.
મુસ્લિમ દેશો એક થાયઃ ખામેનેની
ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈએ શુક્રવારે નમાજ બાદ ભાષણ આપતાં અપીલ કરી કે, દુનિયાભરના મુસ્લિમ દેશો એક થાય. ખામેનેઈએ કહ્યું કે, જો વિશ્વના તમામ મુસ્લિમ દેશો એક થઈ જાય તો બધા જ દુશ્મનોની હાર થશે. પેલેસ્ટાઇન અને લેબનોનમાં મુસ્લિમો પર હુમલા કરાઈ રહ્યા હોવાથી ઇરાને મિસાઇલોથી જવાબ આપ્યો.


comments powered by Disqus