જમ્મુ-કાશ્મીરમાં શાસન પદ્ધતિના નવા યુગનો પ્રારંભ

Wednesday 09th October 2024 06:09 EDT
 

8 ઓક્ટોબરના રોજ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયાં. વિધાનસભાની 90 બેઠકોમાંથી નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધને બહુમતી માટે જરૂરી 46 કરતાં વધુ 50 જેટલી બેઠક પ્રાપ્ત કરી લેતાં તેમની સરકાર બનવી નિશ્ચિત બની છે. ઓગસ્ટ 2019 પહેલાંના અને 2024ના જમ્મુ-કાશ્મીરના બંધારણીય દરજ્જામાં મોટો બદલાવ આવી ગયો છે. ઓગસ્ટ 2019 પહેલાં જમ્મુ-કાશ્મીર વિશેષાધિકાર ધરાવતું રાજ્ય હતું પરંતુ કેન્દ્રની મોદી સરકારે તેનું વિભાજન જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશમાં કરી નાખ્યું હતું. છેલ્લે નવેમ્બર – ડિસેમ્બર 2014માં જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી અને તેમાં કોઇ પાર્ટીને સ્પષ્ટ બહુમતી ન મળતાં મહેબૂબા મુફ્તીની પીડીપી અને ભાજપે સાથે મળીને સરકાર બનાવી હતી.
સ્ટેટસમાં બદલાવના કારણે હવે જમ્મુ-કાશ્મીરમાં રચાનારી કોઇપણ સરકારની કામગીરીમાં મોટો બદલાવ આવી જશે. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરી નાખવામાં આવી છે. રાજ્યનો દરજ્જો છીનવાઇ જતાં હવે જમ્મુ-કાશ્મીરમાં નવી રચાનારી સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશને લાગુ પડતી આર્ટિકલ 239ની બંધારણીય જોગવાઇઓ પ્રમાણે કામ કરવું પડશે. કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ સીધો રાષ્ટ્રપતિના હાથમાં હોય છે અને
તેઓ એડમિનિસ્ટ્રેટર અથવા તો લેફ્ટનન્ટ ગવર્નરની મદદથી કેન્દ્ર શાસિત પ્રદેશનું સંચાલન કરતાં હોય છે.
1947માં જમ્મુ-કાશ્મીર ભારત સાથે જોડાયું ત્યારે તેને આર્ટિકલ 370 અંતર્ગત ઘણી વિશેષ સત્તાઓ અપાઇ હતી. ભારતની સંસદ પણ જમ્મુ-કાશ્મીરમાં મર્યાદિત સત્તાઓ ધરાવતી હતી પરંતુ હવે જમ્મુ-કાશ્મીરના શાસનમાં લેફ્ટનન્ટ ગવર્નરની ભુમિકા ઘણી મહત્વની બની ગઇ છે. જમ્મુ-કાશ્મીરની વિધાનસભા કેન્દ્રશાસિત પ્રદેશને લાગુ થતી બંધારણીય જોગવાઇઓ પ્રમાણે જ કાયદા ઘડી શકશે કે નાબૂદ કરી શકશે. નવી રચાનારી સરકાર પાસે અગાઉ જેવી શાસકીય સ્વતંત્રતા રહેશે નહીં, વિવિધ પ્રકારના નિર્ણયો માટે તેને લે.ગવર્નરની મુનસફી અને મંતવ્યો પર આધારિત રહેવું પડશે.
આમ જમ્મુ-કાશ્મીરમાં નવા રાજકીય યુગનો પ્રારંભ તો થયો છે પરંતુ તેની સરકારોની કામ કરવાની પદ્ધતિમાં ધરમૂળથી બદલાવ આવી જવાનો છે. ચૂંટાયેલી સરકારની સત્તાઓ મર્યાદિત રહેશે અને તેને ઓગસ્ટ 2019માં ઘડાયેલા નવા કાયદાઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો માટેની બંધારણીય જોગવાઇઓ પ્રમાણે વર્તવું પડશે. જમ્મુ-કાશ્મીરમાંગમે તે પક્ષની સરકાર આવે પરંતુ તેના હાથ બંધાયેલા રહેશે. અગાઉ મળેલી સ્વાયત્તતાનોશાસનમાં સંપુર્ણ અભાવ રહેશે. દાયકાઓથી આતંકવાદ ગ્રસ્ત રહેલા જમ્મુ-કાશ્મીરનુંવિભાજન મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક હતો. આ માસ્ટર સ્ટ્રોક પણ કેટલો સફળ રહેશે તેજોવું રહ્યું.


comments powered by Disqus