આજના આધુનિક યુગમાં દિન-પ્રતિદિન ટેકનોલોજી બદલાઇ રહી છે. આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની ચારેતરફ બોલબાલા છે પરંતુ આ ટેકનોલોજીના લાભની સાથે અનેકગણા ગેરલાભ પણ છે. એઆઇની મદદથી જનમાનસને ગેરમાર્ગે દોરી શકાય તેવા જોખમ તોળાઇ રહ્યાં છે તેવી સ્થિતિમાં ભારત, અમેરિકા, યુકે સહિત વિશ્વના 64 દેશમાં આ વર્ષે ચૂંટણી યોજાવા જઇ રહી છે. વિશ્વની 49 ટકા વસતી તેમની સરકારો ચૂંટવા જઇ રહી છે ત્યારે તાજેતરમાં માઇક્રોસોફ્ટ દ્વારા ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે કે ચીન એઆઇની મદદથી ભારત, અમેરિકા અને દક્ષિણ કોરિયામાં યોજાનારી ચૂંટણી પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકે છે. અગાઉ રશિયા અને ચીન પર અમેરિકાની ચૂંટણીઓ પ્રભાવિત કરવાના આરોપ મૂકાઇ ચૂક્યાં છે. 2024ના ચૂંટણી વર્ષમાં એઆઇ ટેકનોલોજીની મદદથી ડીપ ફેક, ઉપજાવી કાઢેલી ઘટનાઓ, ખોટી રજૂઆતો તૈયાર કરીને રાજકીય જાહેરાતો દ્વારા જનમાનસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઇ શકે છે. એઆઇની મદદથી ઉમેદવારોના નિવેદનો મારી મચડીને રજૂ કરી શકાય છે. જો આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવામાં ન આવે તો તે સાચી માહિતીના આધારે મતદાન કરવાની મતદારની ક્ષમતા પર અસર કરી શકે છે. આમ તો એઆઇ જનરેટેડ કન્ટેન્ટની તાત્કાલિક અસર ઓછી રહે છે પરંતુ ચીન જેવા દેશો એઆઇ ટેકનોલોજી પર વધુ પ્રયોગો કરીને સમયની સાથે વધુ અસરકારક બનાવવાના પ્રયાસ કરી શકે છે. ચીન આ પહેલાં તાઇવાનની ચૂંટણીને પ્રભાવિત કરવાના પ્રયાસ કરી ચૂક્યો છે. ભારતમાં 19મી એપ્રિલથી લોકસભાની ચૂંટણીનો પ્રારંભ થઇ રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા ગેરમાર્ગે દોરતી માહિતી અને ખોટી માહિતી પર લગામ કસવા માટે માર્ગદર્શિકા અને પ્રોટોકોલ તૈયાર કરાયાં છે પરંતુ એઆઇ ટેકનોલોજીના દુરુપયોગ દ્વારા ગેરમાર્ગે દોરવાના વિદેશી હસ્તક્ષેપ અને પ્રયાસો સામે ભારતના મતદારોએ પણ જાગૃત રહેવું પડશે. ઇન્ટરનેટના જમાનામાં બદઇરાદાથી પ્રેરિત ગમે તેવું કન્ટેન્ટ પીરસી દેવામાં આવે છે ત્યારે અવિશ્વસનીય કન્ટેન્ટથી ગેરમાર્ગે નહીં દોરાઇને ભારતીય મતદારો સભાનતા સાથે મતદાન કરે તેવી અપેક્ષા.
