વોશિંગ્ટનઃ ભારતના આકરા વિરોધ અને ચેતવણીઓ છતાં અમેરિકા અને બ્રિટન સતત જમ્મુ-કાશ્મીર મુદ્દે દખલ કરી રહ્યા છે. બંને દેશોએ ભારત તરફથી નિશ્ચિત રેડ લાઇનનો વારંવાર ભંગ કર્યો છે. બ્રિટિશ અને અમેરિકન સૈન્ય કર્મચારીઓએ તાજેતરમાં જ પાકિસ્તાને પચાવેલા કાશ્મીરમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનનો પ્રવાસ કરી પાકિસ્તાનનું સમર્થન કરતાં ભારત ભડક્યું છે.
ઈસ્લામાબાદમાં બ્રિટિશ હાઈકમિશનરના સુરક્ષા સલાહકાર બ્રિગેડિયર પોલ હેહર્ટે પાકિસ્તાનમાં યુકે ડિફેન્સના એકાઉન્ટ પર તેમની અને અમેરિકન એરફોર્સ અધિકારીની તસવીરો પોસ્ટ કરી હતી. જે બહાર આવતા ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સે બ્રિટિશ અધિકારીઓની આકરી ટીકા કરતા કહ્યું કે તેમણે ભારતની સંપ્રભુતાનો ભંગ કરવાનો પ્રયત્ન કર્યો છે.
આ વર્ષે જાન્યુઆરીમાં જ ભારતીય વિદેશ મંત્રાલયે બ્રિટનના હાઈકમિશનરના પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના પ્રવાસ મુદ્દે બ્રિટિશ સરકાર સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે યુકેના અધિકારીઓને કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ ભારતનો અભિન્ન ભાગ છે. એવામાં ભારતની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતાનો આવો ભંગ સ્વીકાર કરી શકાય નહીં. આવી જ રીતે ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ ભારતે પાકિસ્તાનમાં અમેરિકન રાજદૂત ડોનાલ્ડ બ્લોમના પીઓકે પ્રવાસ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.

