તાજેતરમાં તાઇવાનમાં છેલ્લા 25 વર્ષનો સૌથી શક્તિશાળી ભુકંપ ત્રાટક્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4 માપવામાં આવી હતી. કુદરતી હોનારતો વિનાશ વેરનારી અને પીડિતોને નિઃસહાય સ્થિતિમાં મૂકી દેનારી હોય છે પરંતુ આટલા ભયાનક ભુકંપ બાદ પણ તાઇવાનમાં ફક્ત 10 વ્યક્તિનાં મોત થયાં જેના પગલે ભુકંપની સામે બાથ ભીડવાની તાઇવાનની તૈયારીઓથી વિશ્વ અચંબિત થયું હતું. જેની સામે 2008માં ચીનમાં તાઇવાન સ્ટ્રેઇટમાં સિચુઆન ખાતે આવેલા 7.9ની તીવ્રતાના ભુકંપમાં 88,000 લોકોનાં મોત થયાં હતાં. અહીં કુદરતી આફતો સામે લડવાની તૈયારીઓમાં સ્પષ્ટ ભેદ સામે આવી જાય છે. જો સિચુઆનમાં પણ તાઇવાનની જેમ સિસ્મોલોજિસ્ટ અને ઇજનેરો દ્વારા તૈયાર કરાયેલા નિયમો અનુસાર ભુકંપરોધી ઇમારતો તૈયાર કરવામાં આવી હોત તો મોટી જાનહાનિ નિવારી શકાઇ હોત. તાઇવાનમાં કન્સ્ટ્રક્શન માટે સિસ્મિક કોડનો અમલ ફરજિયાત છે. આજે વિશ્વમાં ટેકનોલોજીમાં સૌથી વધુ આગળ દેશોમાં તાઇવાનની ગણતરી થાય છે. અહીં 1970ના દાયકાથી જ યુરોપ અને ઉત્તર અમેરિકાની જેમ સિસ્મિક કોડનો અમલ શરૂ કરી દેવાયો હતો. જેના કારણે ઇમારતો ઉત્તરોતર સુરક્ષિત બનતાં તાઇવાનમાં ભુકંપ દરમિયાન થતી જાનહાનિ પણ ઘટવા લાગી છે. તાઇવાનની આ તૈયારીઓનું ભારતે અનુકરણ કરવાની જરૂર છે. વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા ભુકંપને કારણે મોટી જાનહાનિ થઇ હતી. કચ્છમાં આવેલું ભૂજ શહેર તો જાણે કે જમીનદોસ્ત થઇ ગયું હતું. આજે પણ જો ભારતમાં ભુકંપ આવે તો મોટી જાનહાનિની સંભાવના રહેલી છે. તેના માટે જવાબદાર નિયમોની ઐસી તૈસી કરીને ગમે ત્યાં ઇમારતો તાણી બાંધવાની નીતિ. ભ્રષ્ટાચારે આ પ્રવૃત્તિને મોટો વેગ આપ્યો છે જેના કારણે ભારતના શહેરોમાં આડેધડ, નિયમોની પરવા કર્યા વિના ક્રોંક્રિટની જંગલો તૈયાર કરી દેવાયાં છે. ભારત પણ ભુકંપગ્રસ્ત દેશ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીરથી દિલ્હી સુધીના પ્રદેશો સિસ્મિક ફોલ્ટ લાઇન પર આવેલાં છે. પરંતુ ભારતની સરકારો અને સ્થાનિક સત્તામંડળોએ ક્યારેય ભુકંપની સામે બાથ ભીડી શકાય તેવી નીતિઓ અંગે વિચારણા પણ કરી નથી, અમલની વાત તો બહુ દૂરની છે. ભારતના શહેરો ગીચ વસતી ધરાવે છે અને 7થી વધુ તીવ્રતાનો ભુકંપ મોટી જાનહાનિ નોંતરી શકે છે તે વાતમાં કોઇ શંકા નથી. ભારતે પણ તાઇવાનની જેમ નિર્માણકાર્યોમાં સિસ્મિક કોડ અમલી બનાવવાની તાતી જરૂર છે.
