આંદામાનની કાળકોટડી એટ્લે સેલ્યુલર જેલ. જે કેદીઓ ભાગી ના જાય અને આખી જિંદગી તેલની ઘાણી ફેરવતો રહે, મજૂરી કરતો રહે અને “આજીવન” કેદમાં એક અંધારી કોટડીમાં હાથ-પગમાં દંડા બેડીની સજામાં નિસહાય જીવીને મૃત્યુ પામે, આ સજાને બ્રિટિશરોએ નામ આપ્યું હતું, “સ્ટેટ સેટલમેન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોર ધ ઇંડિયન કન્વિકટસ.”
આ કાયદો હતો માત્ર અને માત્ર ક્રાંતિકારો માટે, જેમાના એક તો વીર વિનાયકરાવ દામોદર પંત સાવરકર હતા, જેને બે જનમટીપની સજા ફરમાવવામાં આવી હતી, તે વિષેની એક અદ્દભુત ફિલ્મ હમણાં પ્રસ્તુત થઈ છે.
અને હચમચાવી નાખે તેવી અજાણ વિગતો તો એ છે કે અહી દેશ અને વિદેશમાથી ભારતીય ક્રાંતિકારોને કેદી તરીકે લાવવામાં આવ્યા તેની સંખ્યા કેટલી હતી? એક, એકસો, એક હજાર ? એકલા 10 માર્ચ, 1858 ના ત્રણ જહાજોમાં જે ક્રાંતિકારોને સેલ્યુલર જેલમાં ધકેલવામાં આવ્યા તેના નામો અને સંખ્યા 308ની છે. આ જેલ બનાવવામાં આવી તે પહેલા આસપાસની જેલોમાં 22 કાળા પાણીનાં કેદી હયાત હતા, તેમણે આ જેલ બાંધવાની મજુરી કરી. 1906 થી 1921 સુધીમાં જેમને રાજકીય કેદી ગણીને લાવવામાં આવ્યા તેની સંખ્યા 149 ની હતી. 1921થી 1931 દસ વર્ષમાં બીજા 30 ઉમેરાયા. 1932થી 1938માં 378 ક્રાંતિકારો આજન્મ કારાવાસના કેદી બન્યા.
આ જેલમાં સામાન્ય સગવડો માટે બે વાર ક્રાંતિકારોએ ભૂખ હડતાળ કરી. છેક ઈંગ્લેન્ડની પાર્લામેન્ટ પણચર્ચા થઈ. સાવરકરની તેલના કોલ્હૂ પર બેડી સાથે કામ કરતી તસવીર ચારે તરફ પ્રચલિત થઈ ત્યારે જ દુનિયાને ખબર
પડી કે અરે, માનવ અધિકાર અને લોકશાહીનો અવતાર ગણાતી બ્રિટિશ સત્તા કેવા જુલમ
કરે છે.
આ ભૂખ હડતાળોમાં ભાગ લેનારા સામાન્ય કેદી નહોતા, મહાન ક્રાંતિકારો હતા. ચંદ્રશેખર આઝાદનાં સાથી મહાવીર સિંહ આ અનશનમાં 17 મે, 1933માં મૃત્યુ પામ્યા તે હકીકત છૂપાવવા માટે તેની લાશ સમુદ્રમાં ફેંકી દેવામાં આવી. બીજા ત્રણ અનામ ક્રાંતિકારો પણ એજ રસ્તે શાહિદ થયા. આમાં મનોરંજન ગુહા, શિવ વર્મા, અનંત ચક્રવર્તી, પ્રબોધ કુમાર રાય, બિંદુ ગુહા વિશ્વાસ, સુરેન્દ્ર મોહન રે, ડો. નારાયણ રાય, ગોપાલ આચાર્ય, કેદારમણી શુકલા, અમલેન્દુ બાગચી, વિનય બોઝ, બંકિમ ચક્રવર્તી વગેરે 10 થી 5 વર્ષ જેલવાસી રહ્યા હતા. બીજી ભૂખ હડતાળમાં અનંત સિંહ તો કુલ 20 વર્ષ અલીપુર અને સેલ્યુલસમાં કારાવાસી રહ્યા હતા. પંડિત રામચરણ શર્માની કહાણી હચમચાવી નાખે
તેવી છે.
ઉત્તર પ્રદેશના એટા નામના ગામડામાં જન્મેલા રામ શરણને 1909માં સખત મજૂરી સાથે 10 વર્ષની સજા થઈ. થોડો સમય જુદી જુદી જેલોમાં રાખ્યા પછી તેમને આંદામાન મોકલી દેવામાં આવ્યા. ત્યાં અપાર યાતનાને લીધે નંદલાલ બોઝ ક્રાંતિકારે આત્મહત્યાનો રસ્તો પકડ્યો. રામશરણે પણ સાવરકરની જેમ આંદામાનના સ્મરણ લખ્યા છે. વીર સવારકરના ભાઈ ગણેશ દામોદર સાવરકરે પણ કાળકોટડમાં યુવાનીનાં વર્ષો વિતાવ્યા. વિનાયક સાવરકર દારુણ યાતના વચ્ચે પણ 25000 પંક્તિની કવિતા લખે એ કેવી ભવ્ય સર્જક્તા છે? ગણેશ દામોદરની સજા એવી હતી કે રોજના 15 કિલો તેલ ઘાણીમાથી ફરજિયાત કાઢવું , જેલમાં બંને ભાઈ એકાદવાર જ મળી શક્યા હતા.
...અને ગુજરાતના કેટલા વિપ્લવીઓ આ જેલમાં હતા? કોને, ક્યા આરોપસર સજા થઈ હતી? કેટલો સમય આ કોટડીઓમા વિતાવ્યો? તેમનું મૃત્યુ ક્યારે અને ક્યાં થયું? તેમાના કોઈ પાછા આવી શક્યા કે નહિ? આજે તેમના વારસદાર કયાઁ છે? આ ક્રાંતિકારોનું કોઈ સ્મારક ખરું?
જવાબ મેળવવા અઘરા છે. વિસ્મૃતિનો અભિશાપ આપણી ખતરનાક ખાસિયત છે. ઈતિહાસને ભૂલી જવો કે વિકૃત કરવો તે ભારતીય રોગ છે. છતાં કેટલીક વિગતો ઇતિહાસના અંધારમાં પ્રાપ્ત થાય છે.
એક નોધ મુજબ 1857ના બ્રિટિશ વિરોધી યુદ્ધમાં ભાગ લેવા માટે 9 વિપ્લવીઓને આંદામાનની જેલમાં લઈ જવામાં આવ્યા, તે હતા ગરબડદાસ પટેલ, ગોપાલ ક્રુષ્ણ, લક્ષ્મીરામ નારાયણ, મોટી ગણેશ, મુરલીધર બાપુજી, પ્રાણ શંકર, રામચંદ્ર નારાયણ, શંભુ દૌલત, ઉમર ખાન.
આ દસ્તાવેજોમાં નામની ઠીકઠીક ગરબડ છે. નારાયણ લક્ષ્મીરામ વ્યાસ અમદાવાદનાં સારંગપુરમાં દોલતખાનામાં આવેલા વિઠ્ઠલરાય મંદિરનાં પૂજારી હતા. ગોપાલ કૃષ્ણ અંતાજીનું નામ ગુરુ કૃષ્ણ હતું, મૂળ માહેશ્વરમાં જન્મ પણ રણભૂમિ ગુજરાત. દ્વારિકામાં તો તે પેશવા નામે લોકપ્રિય હતો. શું નાના સાહેબનાં ભાઈ રાવ સાહેબ તે જ આ ગોપાલ અંતાજી? શંભુ દોલત દ્વારિકાવાસી હતો.
અહીના માણેક વાઘેરોને મદદ કરી હતી. ત્રીજો વિપ્લવી મુરલીધર બાપુજી પણ “અઠે દ્વારિકા! ઓખા માં કારકુની કરતો હતો. ટોકરા સ્વામિ ઓખાનિવાસી. ગણેશ કૃષ્ણ પણ દ્વારિકાનો. આ નામો પરથી અનુમાન થઈ શકે કે 1857 નાં સમરમાં સૌરાષ્ટ્રનો દ્વારિકા પ્રદેશ સૌથી વધુ સક્રિય હતો. મોતી ત્રિકમ કડીનો, પ્રાણ શંકર હરિનારાયણ વડોદરાનો, રસુલખાન પઠાણ જમાલપુર અમદાવાદનો.
29 માર્ચ, 1865નાં વડોદરામાં ચાલેલા મુક્દ્દમામાં 30 આરોપી વિકટોરિયા સામ્રાજ્યની વિરુદ્ધ “બંડ” અર્થાત મ્યુટીની જગાવવાનો આરોપ હતો. 1857 નો સંઘર્ષ ગુજરાતમાં કેટલો વિસ્તાર પામ્યો હતો તેનો અંદાજ આ ચુકાદામાં મળે છે. તેમાં ત્રણને પગમાં બેડી સાથે આજીવન સજા, બીજા ચારને પગમાં બેડી સાથે આજન્મ મજૂરીની કેદ, ત્રણને 10 વર્ષ, બેડી સાથે, પાંચને 7 વર્ષ, બીજા ત્રણને ત્રણ વર્ષ, પાંચને એક વર્ષ , બધા પગમાં બેડી સાથે!
10 માર્ચ , 1858 ના આંદામાન મોકલવામાં આવેલા 308 કેદીમાં નવ ગુજરાતીઓ છે, દાદા ભાઈ પ્રભુદાસ, નારાયણ દેસાઇ, દેવજી ગાયકવાડ, માવજી, ભીમા નાયક, ગરબડદાસ પટેલ. કોણ હશે આ કોઈના લાડકવાયાઓ ?

