મુકેશ અંબાણીઃ 100 બિલિયન ડોલરની ક્લબમાં સ્થાન મેળવનાર પ્રથમ એશિયન

Tuesday 09th April 2024 08:46 EDT
 
 

નવી દિલ્હી: વિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ની વિશ્વના બિલિયોનેર્સની 2024ની યાદીમાં આ વખતે 200 ભારતીયોના નામ સામેલ છે. ગયા વર્ષે તેમાં 169 ભારતીયોનું નામ સામેલ હતું. આ ભારતીયોની કુલ સંપત્તિ 954 બિલિયન ડોલર છે, જે ગયા વર્ષની 675 બિલિયન ડોલર કરતા 41 ટકા વધારે છે. ‘ફોર્બ્સ’ની ભારતીય અબજોપતિઓની યાદીમાં સૌથી ટોચના સ્થાને મુકેશ અંબાણીનું નામ છે, જેમની કુલ સંપત્તિ 83 બિલિયન ડોલરથી વધીને 116 બિલિયન ડોલર થઇ ગઇ છે. આ સાથે જ તેઓ 100 બિલિયન ડોલરની ક્લબમાં પ્રવેશ કરનાર પહેલા એશિયન બની ગયા છે. મુકેશ અંબાણીએ દુનિયાના નવમા સૌથી ધનિક વ્યક્તિના રૂપમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને તેઓ હાલ ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે.
યાદી અનુસાર ગૌતમ અદાણી બીજા સૌથી શ્રીમંત ભારતીય છે. તેમની સંપત્તિમાં 36.8 બિલિયન ડોલરનો વધારો થયો છે. તેઓ 84 બિલિયન ડોલરની સંપત્તિ સાથે યાદીમાં 17મા સ્થાને છે. સાવિત્રી જિંદાલ ભારતના સૌથી ધનિક મહિલાના પદે જળવાયેલા છે. ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં તેઓ ચોથા સ્થાને છે. એક વર્ષ પહેલા તેઓ છઠ્ઠા સ્થાને હતા. તેમની કુલ સંપત્તિ 33.5 બિલિયન ડોલર છે.
યાદીમાં પાંચ મહત્ત્વના ભારતીય
• નરેશ ત્રેહાનઃ મેદાંતા હોસ્પિટલ ચેઇનના સંસ્થાપક નરેશ ત્રેહાનને પણ યાદીમાં સ્થાન મળ્યું છે. તેમણે દિલ્હીમાં 2007માં પહેલી કોર્પોરેટ હોસ્પિટલ સ્થાપી હતી. તેઓ મેદાંતા હોસ્પિટલ ચેઇનના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ કાર્ડિયાક સર્જન છે. મેદાંતા હોસ્પિટલ કાર્ડિયોલોજી, ન્યૂરોલોજી અને ઓન્કોલોજી ઉપરાંત 30 અન્ય સ્પેશિયાલિટી ક્ષેત્રે સારવાર આપે છે.
• રમેશ કુન્હીકનઃ યાદીમાં 1.2 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા કેઇન્સ ટેકનોલોજીના સંસ્થાપક અને એમડી રમેશ કુન્હીકનનું નામ પણ સામેલ છે. તેમની કંપની મૈસૂરમાં ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રે સક્રીય છે. તેની સ્થાપના 1989માં કરાઇ હતી અને તે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ્સ એસેમ્બલિંગના ક્ષેત્રે સ્પેશયલાઇઝેશન ધરાવે છે. કંપનીના વિશ્વમાં ઓટોમેટિવ, એરોસ્પેસ અને મેડિકલ ઉદ્યોગમાં 350 ક્લાઇન્ટ્સ છે. આ ઉપરાંત એક બિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા સ્વાન એનર્જીના એમડી નિખિલ મર્ચન્ટ અને એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ કંપનીના સંસ્થાપક વિજય અગ્રવાલ પણ યાદીમાં છે.
યાદીમાં 25 નવા નામ
‘ફોર્બ્સ’ની વિશ્વના શ્રીમંતોની યાદીમાં 25 નવા બિલિયોનેર્સના નામ ઉમેરાયા છે. નવા નામોમાં સૌથી નોંધપાત્ર નામ રેણુકા જગતિયાનીનું છે. રેણુકા જગતિયાની લેન્ડમાર્ક ગ્રૂપના સીઇઓ છે અને તેઓ 4.8 બિલિયન ડોલરની કુલ સંપત્તિ ધરાવે છે. લેન્ડમાર્ક ગ્રૂપ દુબઇસ્થિત એક બહુરાષ્ટ્રીય ગ્રૂપ છે. તેની સ્થાપના રેણુકાના દિવંગત પતિ મિકી જગતિયાનીએ કરી હતી.

ભારતના ટોપ-10 ધનવાન
નામ નેટવર્થ
મુકેશ અંબાણી 116 બિલિયન ડોલર
ગૌતમ અદાણી 84 બિલિયન ડોલર
શિવ નાદર 36.9 બિલિયન ડોલર
સાવિત્રી જિંદાલ 33.5 બિલિયન ડોલર
દિલીપ સંઘવી 26.7 બિલિયન ડોલર
સાઇરસ પુનાવાલા 21.3 બિલિયન ડોલર
કુશલ પાલ સિંહ 20.9 બિલિયન ડોલર
કુમારમંગલમ્ બિરલા 19.7 બિલિયન ડોલર
રાધાકિશન દામાણી 17.6 બિલિયન ડોલર
લક્ષ્મી મિત્તલ 16.4 બિલિયન ડોલર


comments powered by Disqus