રોયલ મેઇલે જનકલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર

Wednesday 10th April 2024 05:43 EDT
 

યુકેની જનતા રોયલ મેઇલના ધાંધિયાના કારણે હેરાન પરેશાન થઇ ચૂકી છે ત્યારે ખર્ચમાં કાપ મૂકવાના બહાના બતાવીને પ્રજાને ડામ આપવાનું ચૂકતી નથી. હજુ થોડા સમય પહેલાં જ રોયલ મેઇલ દ્વારા ફર્સ્ટ ક્લાસ ટપાલ ટિકિટ અને સેકન્ડ ક્લાસ ટપાલ ટિકિટની કિંમતોમાં વધારો કરાયો છે. 2024માં અત્યાર સુધીમાં રોયલ મેઇલ ટપાલ ટિકિટની કિંમતમાં 3 વાર વધારો કરી ચૂકી છે. તેના કારણે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસમાંથી હજુ મુક્ત નહીં થયેલી જનતાના ખિસ્સા પરનો બોજો વધી ગયો છે. ટપાલ ટિકિટની કિંમતમાં વધારા બાદ હવે રોયલ મેઇલે ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ પોસ્ટની ડિલિવરી માટે પણ નવી યોજના જાહેર કરી છે. ફર્સ્ટ ક્લાસ પોસ્ટની ડિલિવરી તો ચાલો સપ્તાહના છ દિવસ થશે પરંતુ સેકન્ડ ક્લાસ ટપાલની ડિલિવરી આંતરા દિવસે કરવાની યોજના છે. આના કારણે જનતા પાસે બિલો, એપોઇન્ટમેન્ટ લેટર્સ વગેરે મહત્વના દસ્તાવેજો પહોંચવામાં થતો વિલંબ વધી જવાની સંભાવના છે. એનએચએસના ઉચ્ચ અધિકારીઓએ તો ચેતવણી પણ આપી દીધી છે કે સેકન્ડ ક્લાસ ટપાલની આંતરા દિવસે ડિલિવરી થવાના કારણે લાખો લોકોને એનએચએસની એપોઇન્ટમેન્ટ ગુમાવવાનો વારો આવશે. આમ પણ એનએચએસમાં સારવાર માટેની એપોઇન્ટમેન્ટનું વેઇટિંગ લિસ્ટ લંબાતું જ જાય છે ત્યારે રોયલ મેઇલના આ નિર્ણયને કારણે આખરે તો જનતાએ જ ભોગવવાનો વારો આવવાનો છે. રોયલ મેઇલ સામેની જનતાની ફરિયાદોમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે રોયલ મેઇલને હવે ટપાલની ડિલિવરીમાં નહીં પરંતુ ફક્ત પાર્સલોની ડિલિવરીમાં જ રસ રહ્યો છે કારણ કે તેમાંથી કંપનીને તગડી આવક થાય છે. સાપ્તાહિક અખબારો, મેગેઝિનોની ડિલિવરીમાં ધાંધિયાની ફરિયાદો લાંબા સમયથી પ્રકાશકો કરી રહ્યાં છે પરંતુ તે બહેરા કાન સાથે અથડાઇને પાછી ફરી રહી હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. આજના ઇન્ટરનેટના જમાનામાં પત્ર વ્યવહારનું મહત્વ ઘટ્યું છે છતાં તે મહત્વનું અંગ તો છે જ. રોયલ મેઇલના નિર્ણયથી હાથથી લખેલા પત્રોનો યુગ સમાપ્ત થઇ જશે. આ એક જનકલ્યાણ પ્રવૃત્તિ છે અને તેમાં નફો-નુકસાન જોવાનો ન હોય. રોયલ મેઇલે તેની સેવાઓ સુધારીને જનકલ્યાણને જ ધ્યાનમાં રાખી કામગીરી કરવાની જરૂર છે.


comments powered by Disqus