કરાચીઃ પાકિસ્તાનમાં હિન્દુઓ અને લઘુમતી સમુદાય સાથે અત્યાચાર અને હિન્દુ યુવતીઓના અપહરણના કિસ્સા સતત વધી રહ્યા છે. સિંધમાં હિન્દુ યુવતીના અપહરણના વિરોધમાં જોરદાર દેખાવ થતા તંગદિલી વધી છે. બે મહિનામાં આ પ્રકારની પાંચ ઘટના બની ચૂકી છે.
સિંધ પ્રાંતના ડેરા મુરાદ જમાલી વિસ્તારમાં હિન્દુ યુવતીના અપહરણ બાદ 22 મહિના પછી પણ તેના અંગે કોઈ માહિતી મળી નથી. હવે આની સામે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. હિન્દુ સમુદાયના લોકો અને વેપારી સોમવારના દિવસે રસ્તા પર ઉતર્યા હતા. હિન્દુ સમુદાયના વરિષ્ઠ નેતાઓ મુખી માણકલાલ અને સેઠ તારાચંદના નેતૃત્વમાં રેલી યોજાઈ હતી, સાથે જ યુવતીને શોધવા અને આરોપીઓને પકડવાની માગ કરાઈ હતી.
પાકિસ્તાની અખબાર 'ડોન'ના અહેવાલ મુજબ દેખાવકારોએ પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ કર્યો હતો. સિંધમાં નિર્દોષ બાળકોનાં સતત અપહરણ અને ધાર્મિક લઘુમતીઓ પરના અત્યાચાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયો હતો.

